જીવનને સમજવા માટે મૃત્યુને સમજવું જરૂરી હોય છે અને જીવનની સમજની હકારાત્મક ઊર્જા મળે છે વાસ્તુ નિયમો થકી. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તેમાં એક ખાસ વાત એ છે કે તેમાં એક જગ્યાએ દુકાન પણ છે. પ્લોટ લંબચોરસ છે. અહીં રહેતી વ્યક્તિઓની વિચારધારા પ્રેક્ટિકલ હોય. પૂર્વ અને ઈશાન કરતા વાયવ્યમાં જગ્યા વધારે છુટેલી છે. તેથી નકારાત્મક વિચારો વધારે આવે અને રૂંધાઇ ગયાંની ભાવના ઉદભવે.
અત્રે દર્શાવેલ મકાનની ઈમેજ મુજબ પ્લોટની એન્ટ્રી વાયવ્ય પશ્ચિમની છે. જેના કારણે માતૃસુખમાં ઓછપ આવે અને અથડામણો વધે. એક લાઈનમાં ચાર દરવાજા છે તેથી આર્થિક ચિંતા રહે. દુકાનનું સ્થાન અને એન્ટ્રી યોગ્ય છે. દુકાન શેનો બિઝનેસ છે અને આંતરિક વ્યવસ્થાના આધારે અન્ય વાતની માહિતી મળી શકે. ઘરનું મુખ્ય દ્વાર વાયવ્ય પશ્ચિમમાં છે અને અગ્નિનો ભાગ બહાર નીકળેલો છે. જેના કારણે તેની સાથે જોડાયેલો અક્સ ડિસ્ટર્બ થયો છે. જેના કારણે માનસિક અને શારીરિક સમસ્યાઓ આવે.
આ મકાન જોતાં નારીને તકલીફ પડે અને ઘરમાં અશાંતિ રહે. બેઠક રૂમ ઘરના નૈઋત્યમાં છે, જેના લીધે ઉગ્રતા રહે. બેઠક વ્યવસ્થા સારી છે. પરંતુ તિજોરીનું સ્થાન યોગ્ય નથી. જેના કારણે ઘરમાં આર્થિક ચિંતા રહે. તિજોરી પશ્ચિમ તરફ ખુલે છે, જેના કારણે પૈસા ટકે નહિ. દાદરનું સ્થાન યોગ્ય ગણાય. પરંતુ દાદરા નીચે મંદિર યોગ્ય ન જ ગણાય. મંદિર પરથી પસાર થવાથી નકારાત્મકતા વધે. મંદિર પર કોઈપણ પ્રકારનું વજન આવે તે યોગ્ય ન ગણાય. વળી દક્ષિણમાં પશ્ચિમ તરફ મુખ રાખીને પૂજા કરવાની વ્યવસ્થા છે, જે વ્યગ્રતા અને ઉગ્રતા આપે. પૂજા કરતી વખતે વિચારો આવે અને મન શાંત ન રહે તેવું પણ બની શકે. રસોડું યોગ્ય જગ્યાએ છે. જેના કારણે રસોઈ સારી બને. પણ પ્લેટફોર્મની દિશા દક્ષિણ તરફ છે. દક્ષિણ તરફ મુખ રાખીને રસોઈ કરવાની સ્થિતિ ગુસ્સો આપે. આ ઉપરાંત ગોઠણથી નીચેનો પગનો ભાગ દુખે તેવું પણ બને.
ફ્રિજનું સ્થાન યોગ્ય નથી. તેથી હૃદયને ન ગમે તેવા બનાવો બની શકે યા તો હૃદયને લગતી તકલીફ આવી શકે. પાણી વધારે પીવું જોઈએ તેવી સલાહ છે. પાછળનો ચોક યોગ્ય જગ્યાએ છે જે આ સમસ્યાનું પ્રમાણ ઓછું કરી આપે. ટોયલેટ પૂર્વ અગ્નિમાં બહાર નીકળેલું છે જે યોગ્ય ન જ ગણાય. નારીને લગતી સમસ્યા આવે. કાન, આંખ યા દાંતની સમસ્યા આવી શકે. નારીને માનસિક રીતે પણ અજંપો રહે તેવું બને. ખાસ કરીને ઘરની વહુને તકલીફ રહે.
ઓવરઓલ ત્રણ અક્સ નકારાત્મક થવાથી ઘરમાં અશાંતિ, અજંપો, ઉગ્રતા અને અસંતોષ રહે. તો શું ઘર ખાલી કરી દેવું જોઈએ? અને નવું ઘર પણ યોગ્ય ન નીકળ્યું તો? આવા વિચારો જરૂર આવે. પણ એનો જવાબ ના ગણી શકાય, કારણકે ભારતીય વાસ્તુમાં આ જ જગ્યાને હકારાત્મક બનાવવાના નિયમો છે. આ જગ્યાએ સારી ઉર્જા મેળવવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નક્સ પ્રમાણેની રચના કરવી જરૂરી છે. ઈશાનમાં પાંચ તુલસી, પૂર્વઅગ્નિમાં બે ફૂલ દાડમ, વાયવ્યમાં બે બીલી વાવવા ઉપરાંત ઘરમાં ગુગલ મટ્ટીપલનો ધૂપ સવાર, સાંજ ફેરવવો જરૂરી છે. ટોયલેટના દરવાજા પર ચાંદીનો તાર લગાવવો. રસોડાના પ્લેટફોર્મ પર તાંબાના કળશમાં ગાળેલું પાણી રાખવું અને પાણીયારા પર ઉભી વાટનો દીવો કરવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, શેરડીનો તાજો રસ, પાણીથી અભિષેક કરવો. વડીલોને સન્માન આપવું.