વાસ્તુની આ શુદ્ધિ ટાળી શકે મેદસ્વિતા…

“તમારે મારી સાથે આવવું હોય ને તો સરખાં કપડાં પહેરવા પડશે. અને તમારું પેટ તો જુઓ. બસ વિકાસ તો આપણા ઘરમાં એક જ જગ્યાએ થયો હોય તેવું લાગે છે. મારા મિત્રો આગળ કેવું લાગે? આના ઘરમાં કોઈ વર્ક આઉટ જ નહીં કરતાં હોય?” આને સૂચના ગણવી, સલાહ ગણવી, મહેણું ગણવું કે પછી અવગણના ગણવી તે સવાલ પછી આવે પણ એવો વિચાર તો આવે જ કે વધારે પડતું મેદસ્વીપણું દેખાવને નકારાત્મક બનાવી તો શકે.

ક્યારેક એવા પણ મેદસ્વી માણસો દેખાય કે જે કદરૂપા ન દેખાતાં હોય પણ ચુસ્ત શરીર સુંદર તો લાગે જ એમાં કોઈ બેમત નથી. હા, ચુસ્ત શરીર એટલે જાંઘ જેવા બાવડાં લાગતા હોય તેવું પણ નહીં. વધારે પડતી કસરત પણ ક્યારેક શરીરને બેડોળ બનાવી દે છે. તો મેદસ્વીપણાને વાસ્તુના સંદર્ભમાં પણ વિચારીએ. આજકાલ જીવનશૈલી ખૂબ જ ભાગદોડવાળી થઇ ગઈ છે. જેને જૂઓ તે હજુ એક સપનું પૂરું નથી થયું ત્યાં બીજા પાછળ દોટ મૂકે છે. ન ખાવાના ઠેકાણાં અને ન સૂવાના. એમાંય વળી કોર્પોરેટ ઓફિસમાતો આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવાનું. કામનું ભારણ પણ એવું જ. તો પછી ઉમર તો એનું કામ કરેજ ને? બેઠાડું જીવન મેદસ્વિતા આપી શકે છે.અને એકવાર શરીર વધવાનું શરુ થઇ ગયું એટલે પછી તેને ઓછું કરવા સાચે જ મહેનત કરવી પડે. વાયવ્યના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે મેદસ્વિતા આવી શકે.

ચરોતરમાં એક સાવ સુકલકડી બહેન લગ્ન કરીને અમદાવાદ આવ્યા. લગ્નના બે વરસમાંતો શરીર વધવા લાગ્યું. એક મિત્ર તો મજાકમાં કહેતા પણ ખરા કે તું તો પાણીમાં ચણો સુકાય એમ સૂકાઈ ગઈ. ઉપવાસ કરે કે ચિંતા કરે પણ શરીર વધ્યાં જ કરે. તેમના ઘરનું દ્વાર ઉત્તરી ઇશાનનું હતું. વાયવ્યના ત્રણેય અક્ષ નકારાત્મક હતા અને વળી બાકી હતું તો બ્રહ્મમાં હીંચકો હતો. એટલે વજન વધવાની ચિંતામાં વજન વધ્યા કરે. જાતજાતની દવાઓ અને પાવડર પણ લીધા પણ શરીર ઉતરે જ નહીં. તેમના પિયરમાં ઇશાન પૂર્વનું દ્વાર હતું. બહેન અગ્નિની રૂમમાં રહેતા અને ઇશાનમાં તુલસીનું વન હતું. અહી તેમનું શરીર એકવડિયું અને ચુસ્ત હતું તેથી બધાં કહેતાં કે સાસરું વધારે પડતું ફળી ગયું.

ઘણી વખત માણસો કસરત કરે એના કારણે ભૂખ વધારે લાગે અને તેના લીધે પણ શરીર વધે તેવું બને છે. જયારે વાયવ્યના અક્ષથી બનતો ત્રિકોણ અને અગ્નિનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિને સુંદર દેખાવા માટેનો તણાવ વધારે હોય છે. ક્યારે તે વધારે પડતી આડેધડ કસરત કરે તેથી યા તો ઝાડ જેવું નીચેથી સાંકડું અને ઉપરથી ઘેરાયેલું શરીર બની જાય યા તો સંપૂર્ણ બેડોળ શરીર બની જાય.ગાલ બેસી ગયા હોય અને ઉમર પણ વધારે લાગતી હોય માત્ર શરીરમાં માંસપેશીઓનો વિકાસ થયો હોય તેવું જ લાગે. કહે છે કે સુંદરતા જોવાવાળાની આંખમાં રહેલી છે. તો પછી નયનરમ્ય દેખાવ તો હોવો જ જોઈએને? જો વ્યક્તિ વધારે સુંદર દેખાવાની લ્હાયમાં પોતાની જાતને કૈક વિકૃત દેખાવ તરફ લઇ જાય તો તે યા તો દેખાદેખી હોઈ શકે યા તો સારા દેખાવાનો તણાવ હોઈ શકે.

આ સમયે મને આસનાબહેન યાદ આવે છે. શ્યામ વર્ણ, રુક્ષ ત્વચા અને મેદસ્વી શરીર. અરીસામાં જોવાની ઈચ્છા લગભગ મારી ગઈ હતી. અભ્યાસ ખૂબ જ સારો પણ જયારે પણ કોઈનું માગું આવે કે તેમની ઊંઘ ઉડી જાય. એક એવો નકારાત્મક વિશ્વાસ આવી ગયો હતો કે અંતે તો મારા દેખાવને વચ્ચે લાવીને ના જ પાડી દેશે. જાતજાતની ટ્રીટમેન્ટ કરાવીને પણ હવે કંટાળો આવતો હતો. તેમના ઘરમાં અગ્નિના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હતો અને ઘરનું મુખ્ય દ્વાર વાયવ્ય પશ્ચિમનું હતું. તેમના ઘરની વાસ્તુ રચના સમજ્યા બાદ તેમને આપેલા સૂચનોથી તેમના ચહેરા પર આત્મવિશ્વાસનું તેજ દેખાવાનું શરુ થયું. ચહેરાની આભા બદલાતી હોય તેવું લાગ્યું. વાળ સાવ રુક્ષ હતાં તે સુવાળાં બન્યાં અને શરીર પણ પહેલાં કરતા ચુસ્ત બન્યું. હવે તેમને બહાર નીકળવું ગમતું. તેમનામાં આવેલા ફેરફાર ચર્ચાનો વિષય પણ બન્યાં. અને સહુના આશ્ચર્ય વચ્ચે પહેલા જે વ્યક્તિએ ના પડી હતી તેને ત્યાંથી માગું આવ્યું. આત્મવિશ્વાસ વધ્યો હતો તેથી હવે ના નો જવાબ આસનાબહેન તરફથી ગયો. થોડાજ સમયમાં તેમના મનગમતા યુવાન સાથે તેમના લગ્ન થઇ ગયાં.

આમ હકારાત્મક ઊર્જા માનવીના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા સક્ષમ છે. ભારતીય વાસ્તુમાં તોડફોડ વિના અને કોઈ પણ માનવસર્જિત પદાર્થોની મદદ વિના ખૂબ જ સારા પરિણામો મળી શકે છે. અને એક એવું વિશ્વ આપણે કલ્પી શકીએ છીએ જેમાં સહુ કોઈ સુંદર હોય. કોઈ પણ સમાધાન શોધવા માટે જે તે મકાનનો બારીક અભ્યાસ જરૂરી છે. અને તેની સાચી સમજ પછી સુંદરતા માટેના નિયમો દર્શાવી શકાય છે.