આ બે દિશાની નકારાત્મકતા ભળે તો સમસ્યા ઉદભવે

સૂર્ય તરફના પૃથ્વીના ઢોળાવને કારણે ઉત્તર તરફ સૂર્ય ક્યારેય આવતો નથી. તેથી જ ઉત્તર તરફથી આવતા પ્રકાશને આર્કિટેક્ચરમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે જ્યાં સુધી પરંપરાઓને વિજ્ઞાન સાથે જોડી શકીશું ત્યાં સુધી તેની પાછળના કારણો સમજી શકીશું. કેટલાક સવાલો ઉદભવે તે સ્વાભાવિક છે પણ તેના જવાબો મળતાં જ તે શમી જાય છે. આ વિભાગમાં અત્યારે આપણે વાસ્તુ અને સ્વાસ્થ્ય ની વાત કરીએ છીએ. ઉત્તર દિશા પુરુષ ના આત્મવિશ્વાષ સાથે જોડાયેલી દિશા છે. આ ઉપરાંત તે સ્ત્રીના સંતોષ સાથે જોડાયેલી દિશા પણ છે તેથી જો આ દિશાની નકારાત્મકતા ખૂબ વધારે હોય તો નપુંસક્તા જેવી સમસ્યા પણ આવી શકે.

આ ઉપરાંત આર્થિક બાબતો પર પણ આ નકારાત્મકતા અસર કરે તેથી અન્ય દિશાની સમસ્યામાં ખર્ચ થાય તે હદ સુધી વધી શકે. જેમ કે વાયવ્યની સમસ્યામાં પેટના અવયવોને લગતી તકલીફ આવે. જેમાં સામાન્ય ગેસ અને એસીડીટી જેવી સમસ્યા ગણાય પણ જો ઉત્તરની પણ નકારાત્મકતા તેમાં ભળે તો તેને લગતી સારવાર પાછળ ખર્ચ વધે અને અન્ય દિશાઓની નકારાત્મકતા વધતા ઓપરેશન પણ આવી શકે. પણ જો આ ઊર્જા હકારાત્મક બની જાય તો સમસ્યા ઓછી થવા લાગે.

જેનો જન્મ થયો છે તેને કોઈક તકલીફ ક્યારેક તો આવશે જ. ભગવાન પણ માનવ દેહ લઇને આવ્યાં હતાં ત્યારે તેમને પણ આવા અનુભવ થયાં હતાં. પરંતુ જો સમસ્યા તેનું નિરાકરણ લઈને આવે અથવા તો તેનું પ્રમાણ ઓછું હોય તો તે સમસ્યા મોટી નથી લાગતી. માણસના મનમાં સમસ્યાને કેવી રીતે લેવી તેનો ભાવ પણ આ સમસ્યાઓનું પ્રમાણ દર્શાવે છે. જો ઉત્તરનો દોષ મોટો હોય તો નાની સમસ્યાઓ પણ બિલોરી કાચમાં દેખાય છે. ખાસ તો સ્ત્રીના મનમાં અસંતોષ વધતા આગળ જતાં અચાનક વિરહ આવી શકે. મારા રીસર્ચમાં મેં અમુક રંગોની પણ આવી અસર જોઈ છે. ઉત્તર દિશામાં કેસરીનો એક ખાસ શેડ લગાવવાથી આવી તકલીફ  આવી શકે. પણ તેનું પ્રમાણ કેટલું છે તે સમજવું જરૂરી છે. કોઈ પણ એક દોષ મોટી સમસ્યા નથી આપતો નથી. અને કોઈ એક માત્ર નિરાકરણ બધી તકલીફો માટે મદદરૂપ ન પણ થાય.

ઉત્તર સાથે ઈશાનની નકારાત્મકતા ભળે તો અહંના લીધે સમસ્યાઓ ઉદભવે છે. અન્યની વાત ઓછી સાંભળવાનું ગમે તેવું બને. આનાથી વિપરીત જો આ બંને દિશાઓ સમૃદ્ધ હોય તો જ્ઞાનના લીધે સન્માન મળે છે. વ્યક્તિ લક્ષ્મી અને સરસ્વતી બંનેનું સુખ પામે છે. તે ચિંતક, વિચારક અને સલાહકાર બની શકે તેવી બૌદ્ધિકતા પ્રાપ્ત કરે છે. પણ જો તેની સાથે અગ્નિની નકારાત્મકતા ભળે તો જાતીય સમસ્યાઓ ઉદભવે અથવા હાનિ થઇ શકે. જો અગ્નિ પણ હકારાત્મક હોય તો એક ચુંબકીયતા ઉદભવે છે. જેનાથી પોપ્યુલારિટી પણ વધે. ઉત્તર દિશા અને અનુસંગત દિશાની અન્ય અસરની વાત આગામી સપ્તાહમાં કરીશું.

ભ્રમણા:

જે ઘરમાં ઉંબરો નથી તે ઘરમાં ચારિત્ર્યની સમસ્યાઓ ઉદભવે છે.

સત્ય:

પહેલાંના જમાનામાં દરવાજા માટે ચોકટ બનતી. જેમાં નીચેનો ભાગ ઉંબરો ગણાતો. ઉંબરો હોવા પાછળ ટેક્નિકલ અને અન્ય કારણો હતા. હવે ત્રિકટ બને છે. જેમાં ઉંબરો નથી હોતો. આ બંને વ્યવસ્થામાં દરવાજાની બારસાખની મજબૂતાઈનો ફેર પડે છે. પણ વ્યક્તિના ચારિત્ર્ય સાથે તેને કોઈ સીધો સંબંધ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]