ડિપ્રેશનઃ મન કે હારે હાર

દીપિકા પદુકોણ, અનુષ્કા શર્મા, કરણ જોહર, ટાઇગર શ્રોફ આ બધા વચ્ચે શું સમાનતા રહેલી છે? એ બધા મોટાં માથાંઓ કલાકારો છે તે તો સામ્યતા છે જ પરંતુ સાથે તેઓ ડિપ્રેશનના શિકાર પણ રહી ચૂક્યા છે. ડિપ્રેશન એટલે હતાશા. કોઈ પણ વ્યક્તિના જીવનમાં હતાશા આવતી જ હોય છે. પરંતુ આ હતાશા રોગની હદે વકરી જાય તો તે નુકસાનકારક હોય છે.

આવી સ્થિતિમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને મંત્રજાપ વગેરે પદ્ધતિઓ તો લાભદાયક હોય જ છે, પરંતુ સાથે સાથે એ વાતનું ધ્યાન રાખો કે તમે પોતે ડૉક્ટર ન બની જાવ. ઘણા લોકોને ટેવ હોય છે કે પોતાને કંઈક થાય તો વૉટ્સએપ કે ઇન્ટરનેટ પર વાંચીને પોતે જ નિદાન કરી નાખતા હોય છે કે પોતાને શું થયું છે? એટલું જ નહીં, તેઓ પછી પોતાની જાતે દવા લઈ આવે છે, પછી કંઈ ગરબડ થાય તો ડૉક્ટર પાસે પહોંચે છે. ત્યારે ડૉક્ટર પણ બિચારો શું કરે? તો ઘણાને ટેવ હોય છે કે કંઈ પણ આરોગ્યને લગતી માહિતી વાંચે તો તેમાં પોતાની જાતને બંધબેસતી કરી નાખે છે. વળી, આવા લોકો ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટરને નિદાન કરવા દેવાના બદલે પોતે જ કહેતા હોય છે કે “મને લાગે છે કે મને ફલાણો રોગ થયો છે.” જો ડૉક્ટર સાચેસાચું કહે કે તમને આવું કંઈ થયું નથી તો તેઓ ડૉક્ટરને કહી દે છે, “તમારું નિદાન બરાબર નથી” અથવા “તમે શું ભણ્યા છો?” આવા લોકો પોતાને ગમતો જવાબ ડૉક્ટર પાસે ન મળે એટલે બીજા ડૉક્ટર પાસે ભાગે. આવું જો બેત્રણ ડૉક્ટરો તરફથી થાય તો તેમની હતાશા ઓર વધી જાય.

જો પશ્ચિમી મેડિકલ વિજ્ઞાન પ્રમાણે તમે મનોચિકિત્સકને બતાવવા જતા હો તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે. તમે જ્યારે સાઇકિયાટ્રિસ્ટને બતાવવા જાવ ત્યારે પ્રશ્નો પૂછો. તે કહે તેમ સીધેસીધું માની ન લો. તમને જે સારવારની ભલામણ કરવામાં આવે તે સ્વીકારી ન લો. તમે જ્યારે સારાં એવાં નાણાં ખર્ચો છો ત્યારે ડૉક્ટરની ફરજ છે કે પૂરતો સમય આપી તે તમને સમજાવે કે તે શા માટે કોઈ દવા કે સારવારની ભલામણ કરી રહ્યા છે.

બીજી ખાસ વાત એ પણ ધ્યાનમાં રાખો કે ડૉક્ટર પર આંખ મીંચીને ભરોસો ન કરી લો. ડૉક્ટર પણ આખરે માનવી છે અને કેટલાક અપવાદરૂપ ડૉક્ટરો કસાઈ જેવા પણ હોય છે જે તમને ખર્ચના ખાડામાં ઉતારી દઈ શકે અને સાથે સાથે તમારી બીમારી અથવા સ્થિતિ ઘટવાના બદલે વધી જઈ શકે અને તેનાથી બીજી બીમારીઓ પણ આવી શકે. તમે ટીવી કે ફૉન ખરીદવા જાવ છો તો પહેલાં કેટલી મથામણ કરો છો. બેચાર વેબસાઇટ ફંફોળો છો, બે ચાર મિત્રોની સલાહ લો છો, બે ચાર દુકાને જાવ છો, તો પછી આ તો તમારી જિંદગી સાથે જોડાયેલી બાબતો છે. તમે બીજા કે ત્રીજા ડૉક્ટરની સલાહ લો. જો બે કે ત્રણ ડૉક્ટરનું નિદાન સામાન્ય આવતું હોય તો તો કોઈ પ્રશ્ન નથી કારણકે નિદાન એ લક્ષણો પર આધારિત વધુ હોય છે અને ટેસ્ટ કે શારીરિક તથ્યોના આધારે ઓછું. અને હા, બીજા કે ત્રીજા ડૉક્ટરની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે.

આની સાથે કોઈ પણ દવા હોય, ઇન્ટરનેટ પર માહિતી આપેલી જ હોય છે. તેના વિશે પૂરતું સંશોધન કરો. એન્ટી ડિપ્રેસન્ટ દવાઓ વિશે અનેક વેબસાઇટ પર માહિતી મળી રહેશે. જો તમને કદાચ તબીબી અંગ્રેજી કે તબીબી પરિભાષા ન સમજાતી હોય તો કોઈ અંગ્રેજીના સારી રીતે જાણકાર મિત્રની મદદ લો.