માન્યતા છે કે એપાર્ટમેન્ટમાં વાસ્તુ નિયમો ન લાગે, પણ…

ભારતીય વાસ્તુ માનવજાતને મદદ કરવા રચાયું છે. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે એક એપાર્ટમેન્ટ છે. એક એવી ખોટી માન્યતા છે કે એપાર્ટમેન્ટમાં વાસ્તુ નિયમો ન લાગે. જ્યાં માનવ વસવાટ છે ત્યાં આ નિયમોની અસર જોવા મળે છે. સમચોરસથી થોડા મોટા લંબચોરસમાં ઈશાનનો ભાગ નથી જે નકારાત્મક ગણાય. ખાસ કરીને હૃદયને તકલીફ પડે તેવું બને.

ઘર માં અગ્નિમાં બાલ્કની છે જે નારીના સ્વાસ્થ્ય માટે યોગ્ય ન ગણાય. વળી અહીં હિંચકો આવેલો છે તેથી નારીનું મન ચંચળ બની શકે. વિચારો વધારે આવે અને મન અશાંત બને. ઘરનું મુખ્ય દ્વાર પૂર્વના પદનું છે. જેના કારણે ઘરના બધાં જ સદસ્યો એકસાથે ઘરમાં રહે તેવા સંજોગો ઘટે. લિવિંગ રૂમ પૂર્વથી અગ્નિના ભાગને કવર કરે છે. અહીં બેઠક વ્યવસ્થા અગ્નિમુખી છે. જેના કારણે ઘરમાં કોઈનો સ્વભાવ વાંક જોવાવાળો બની જાય. અન્યનું સારું પછી દેખાય અને દોષ પહેલાં દેખાય. જે ઘરના વાતાવરણને નકારાત્મક અસર કરે. પલંગ બે દરવાજાની વચ્ચે છે અને દક્ષિણ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા છે જે યોગ્ય ન ગણાય. તબિયત નરમ રહે. પૂર્વ તરફ મુખ રાખીને કોમ્પ્યુટર પર કામ કરવાથી આત્મસંતોષ મળે પરંતુ ધન ઉપાર્જન માટે આ વ્યવસ્થા યોગ્ય ન ગણાય. અહીં વિદ્યાર્થી ભણવા માટે બેસી શકે.

બ્રહ્મથી ઉત્તર તરફ ચાર દરવાજા એક જ જગ્યાએ ભેગાં થાય છે જે સ્ટ્રક્ચર, આર્કિટેક્ચર અને વાસ્તુ ત્રણેયની દ્રષ્ટિએ યોગ્ય ન જ ગણાય. ઉત્તરી ઈશાનમાં ટોયલેટ છે. જે હૃદયને લગતી સમસ્યા આપી શકે. પૂર્વનો અક્ષ નકારાત્મક હોવાથી જીવન અસનતુલિત રહે. સસોઈઘર વાયવ્યમાં હોઈ શકે. પણ તેના ઈશાનમાં આવેલું વજન નકારાત્મકતા આપે. અજંપો રહે અને અકળામણ થાય. પશ્ચિમ તરફ મુખ રાખીને રસોઈ કરવાથી રસોઈનો સ્વાદ બદલાય કરે. જેના થાકી નારીને માનસિક અસંતોષ રહે. સ્વભાવ ચીડચીડીઓ બને. અહીં દક્ષિણ તરફ સ્ટોરેજ છે જે સારું ગણાય. જે રસોઈઘરની ઊર્જા  વધારે.

નૈઋત્યમાં બેડરૂમ હોઈ શકે. અહીં બ્રહ્મમાં મંદિર છે જે યોગ્ય ન ગણાય. પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી ઊંઘ પૂરી થયાનો સંતોષ રહેતો નથી. નિંદ્રાને બદલે તંદ્રાની અનુભૂતિ થાય છે. પેટી પલંગમાં સૂવાથી શરીરની ઊર્જા ઓછી થાય છે અને શરીર દુખે તેવું બની શકે. તિજોરીનું સ્થાન યોગ્ય છે. તેથી આર્થિક સ્થિતિ સારી રહે. પરંતુ તિજોરીમાં ધન સાથે અન્ય વસ્તુઓ પણ છે જે યોગ્ય ન ગણાય. વળી ધનની ઉપર વજન આવેલું હોવાથી યોગ્ય જગ્યાએ તિજોરી હોવા છતાં તેની હકારાત્મકતાનો લાભ ન મળે અને જાવક વધે તેવા સંજોગો ઉદભવે.

ભારતીય વાસ્તુમાં આવી સમસ્યાઓનું નિરાકરણ છે. સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી અને ઘરના મુખ્ય દ્વાર પર દર ગુરુવારે આસોપાલવનું તોરણ લગાવી ઉંબરો પૂજી લેવો. ટોયલેટના દરવાજા પર ચાંદીનો તાર લગાવી દેવો. સવારે વહેલાં ઉઠી અને સૂર્યને જળ ચડાવવું. ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં મીઠું નાખીને પોતું કરવું. ગુગલ અંબરનો ધૂપ સવારસાંજ કરવો. બેઠકરૂમમાં કાચના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી. ઈશાન માં તાંબાના વાસણમાં આખા ગુલાબ અને હજારીના ફૂલ રાખવા. નારીએ ગાયત્રી મંત્ર કરવા. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]