અંતરિક્ષમાં થશે દુર્ઘટના તો જીવ બચાવશે આ કેપ્સુલ, ઈસરોએ કર્યું સફળ પરીક્ષણ

નવી દિલ્હી- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત માટે વધુ એક મોટી સફળતા મેળવી છે. ઈસરોએ સફળતાપૂર્વક એક કેપ્સુલનું પરીક્ષણ કર્યું છે. જેને અવકાશયાત્રીઓ પોતાની સાથે લઈ જઈ શકે છે. આ પરીક્ષણ શ્રીહરીકોટા ખાતે કરવામાં આવ્યું હતું. આ કેપ્સુલનો ઉપયોગ અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં કોઈ અકસ્માત દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે કરી શકે છે.આ ટેસ્ટના પ્રકારને સમજાવતા ઈસરોના ચેરમેને જણાવ્યું કે, ‘ક્રૂ બેલઆઉટ સિસ્ટમ પર કેપ્સુલ પરીક્ષણનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તે સંપૂર્ણપણે સફળ રહ્યો હતો. આ માટે એક માણસની જગ્યાએ ક્રૂ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મોડલ કેપ્સુલ સાથે એટેચ હતું અને તેને રોકેટ એન્જિન સાથે જોડવામાં આવ્યું હતું. લૉન્ચ થયાના થોડા સમય પછી પેરાશૂટ મોકલવામાં આવ્યું અને કેપ્સુલ સુરક્ષિત રીતે સમુદ્રમાં નિશ્ચિત સ્થાન પર લેન્ડ કર્યું હતું’.

ઈસરોના ચેરમેને જણાવ્યું હતું કે, 259 સેકન્ડ ચાલેલા આ પરીક્ષણમાં બધું જ સફળતાપૂર્વક અને યોજના પ્રમાણે પૂર્ણ થયું હતું. ચેરમેને એમ પણ જણાવ્યું કે, આ કેપ્સુલનો ઉદ્દેશ્ય સ્પેસક્રાફ્ટમાં અવકાશયાત્રીઓ સાથે દુર્ઘટનાની સ્થિતિમાં તેમની સલામતીને સુનિશ્ચિત કરવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં એરપ્લેન મોડમાં સ્પેસ કેપ્સુલ્સ લૉન્ચ કરવાની પણ યોજના છે. ઈસરોના ચેરમેને જણાવ્યું કે, ‘જો અમે અંતરિક્ષમાં અમારા યાત્રીઓ મોકલીએ છીએ તો તેમને સુરક્ષિત પરત લાવવાની જવાબદારી પણ અમારી રહે છે’.