વાસ્તુ વિજ્ઞાન: ક્યારેક પત્નીને મારીને ભાગી જવાના વિચાર આવે છે

સાહેબ શ્રી હું ઉંમરમાં તમારાથી ઘણો નાનો છું પણ મારી સમસ્યાઓ મોટી છે. અમારા ઘરમાં હું સહુથી નાનો. બાપા ખેતી કરતા પણ એ નાનપણમાં જતા રહ્યા, માં અને ભાઈઓએ મને મોટો કર્યો. સારી નોકરી મળી. એક વગદાર પૈસાપાત્ર માણસની દીકરી સાથે મારા ભાઈએ મારું લગ્ન કરાવ્યું. પણ અમારું ધાર્યું ન થયું. એના માબાપે કઈ ખાસ આપ્યું નહિ. મારી પત્ની જે કમાતી એ પોતાના અલગ ખાતામાં મૂકી દેતી. એક બાજુ ભાઈ પૈસા માંગતો અને આ બાજુ મને કઈ જવાબ મળતો નહિ. એક દિવસ ખબર પડી કે એણે લગ્ન પહેલા જે પૈસા કમાયા હતા એની એફડી પણ એના નામે જ હતી. મેં એને વધારે સાચવવાનું શરુ કર્યું. મારા સસરા સાથે સંબંધ વધાર્યો. પણ કોઈ ફાયદો નહી.

મને સામા જવાબ આપે એવી સ્ત્રી ગમેજ નહી. એક દિવસ અમારા ઝગડાથી થાકીને મારા ભાઈએ અમને નવા ઘરે મોકલી દીધા. મારી પત્નીના સ્વભાવથી હું થાક્યો હતો. એ ઘરમાં એક પણ રૂપિયો આપતી ન હતી. એ દરમિયાન મારે કામ અંગે બહાર જવાનું થવા લાગ્યું. એક મિત્ર બની ગઈ. અમારે લગ્ન કરવા છે. પણ મારી પત્નીને સમજાવે કોણ? મારા સસરા વગદાર છે. એક વડીલને સલાહ લેવા ફોન કર્યો તો એમણે મને સમજાવવાનું શરુ કર્યું. હવે ડર લાગે છે કે એ ઘરે કહી દેશે તો? ક્યારેક પત્નીને મારીને ભાગી જવાના વિચાર પણ આવે છે. પણ જો પકડાઈ જવાય તો? મારી પત્ની ચાલાક છે. એને જો મારી મિત્ર વિષે પણ ખબર પડી જાય તો મારું આવી બને. એને નવું ઘર બનાવવું છે. એના માટે એ પૈસા આપી શકે. તો કોઈ એવો ઉપાય છે કે એ મને ઘર બનવવાના બહાને બધાજ પૈસા આપી દે અને પછી મને છુટાછેડા આપી દે? પેલી બીજી છોકરી સારું કમાય છે. તો મારી પાછલી જિંદગી સુધારી જાય. થોડું સત્વરે જવાબ આપવા વિનંતી.

ભાઈ શ્રી. તમે ઉમરમાં નાના છો પણ તમારા વિચારો ખરેખર ખુબ મોટા અને ભયાનક છે. દુનિયાની સહુથી સુંદર સ્ત્રી ક્લીઓપેટ્રાના જીવનની કરુણતા એ હતી કે એના લગ્ન માત્ર એના સમ્રાજ્યના વિસ્તરણ માટે થયા હતા. તમારી પત્ની માટે પણ આવું વિચારી શકાય. ભારતમાં લખાયેલ દરેક શાસ્ત્રનો અભિગમ હકારાત્મક રહ્યો છે. કોઈનું નુકશાન કરવાના નિયમો એમાં નથી. તમને એવું નથી લાગતું કે તમે વધારે પડતું પ્લાનિંગ કરી રહ્યા છો. એક ક્ષણ પછી શું થવાનું છે એ કોઈને ખબર નથી અને પાછલી જિંદગીના પ્લાનીંગમાં આ ક્ષણ ખોઈ બેસાય છે. તમે લગ્ન શા માટે કર્યા? કમાતી નારીના પૈસા માટે? વગદાર સસરા માટે? ધનવાન થવા માટે? કે પછી એક સારી સ્ત્રીના સહવાસ થકી જીવનને સમૃદ્ધ બનવવા માટે? જો લગ્ન એ એક સોદો હતો તો તમારી પત્નીએ હકીકત જણાવી દો. કદાચ એ તમને માફ કરીને છોડી દેશે. આમ પણ તમારા લગ્નને વધારે સમય નથી થયો. પણ હા, એના પૈસા પર તમારો કોઈ અધિકાર નથી. તમારી સ્ત્રી મિત્ર પણ કદાચ એના પૈસા તમને ન આપે એવું બને. એ સારું કમાય છે પણ એમાંથી તમને શું આપશે? પૂછ્યું છે એને? માનો કે એ પણ નહિ આપે તો? તો ત્રીજી પત્ની કરશો? તમારા પ્રેમમાં ભારોભાર ભૌતિકતા ભરેલી છે. અને હા, ભૂલથી પણ તમારી પત્નીને નુકશાન થાય તેવું કઈ કરતા નહિ. તમારી તકલીફો વધી જશે. તમારી પત્નીને ચાહો. એને ગમતું કરો. એને સમજો. તમે સારું કમાવ છો. એના પૈસાની અપેક્ષા ન રાખો. ભવિષ્યમાં એ તમારા બાળકો માટે ચોક્કસ કામ આવશે. ઘર બનાવો પણ બંને સાથે રહેવા બનાવો.

વાસ્તુના પરિપેક્ષમાં આ જોઈએ તો તમારા સસરાના ઘરમાં વયાવ્યથી અગ્નિનો અક્ષ નકારાત્મક છે. તમારા ઘરમાં અગ્નિમાં કુવો છે. તમે જે નવા ઘરમાં રહો છો ત્યાં પશ્ચિમનો અક્ષ નકારાત્મક છે અને તમે પૂર્વમાં રહો છો. તમે નૈરુત્ય તરફ માથું રાખીને સુવો છો. અને બ્રહ્મમાં ઊંચું વૃક્ષ છે. તમારા ઘરમાં ઉત્તરમાં દાદરો અને સંડાસ છે. તમે નોકરીમાં ઉપરના પૈસા કમાવ છો એનું મુખ્ય કારણ આ ભૌતિક્તાવાદી સ્વભાવ છે. તમને કાયદાનો ડર નથી એવું તમે કહો છો પણ કાયદો એનું કામ કરે જ છે. સંવિધાન અને કુદરત બંનેને આધીન. તમે પૂર્વમાં માથું રાખીને સુવો. શિવલિંગ પર પાણી દૂધ પંચામૃત પાણીથી અભિષેક કરો. વડીલોનું સન્માન કરો. બેસતા મહીને પત્નીને થોડા પૈસા આપો અને એના હાથે કીડીયારું પુરાવો. તમને ચોક્કસ સારું લાગશે. અન્યના પૈસા પચાવી પડવાની વૃત્તિ ઓછી થશે. સાચા સુખની સમજણ આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]