જન્મ થઇ ચૂકયો છે તો મૃત્યુ પણ નિશ્ચિત જ છે. એ બંનેને આપણે બદલી નથી શકતા પણ એ બંને ઘટનાઓની વચ્ચે જે જીવન છે તે આપણા હાથમાં છે. એની ક્ષણે ક્ષણ આપણે જીવતા શીખવું પડશે. જો આપણું જીવન એ આપણી ઓળખાણ બની જાય તો કેવી મજા પડે? મોટા ભાગે લોકો શું કહેશે? તેની ચિંતામા આપણે આપણા ધ્યેયથી વિચલિત થઇ જઈ એ છીએ. લોકો તો જરૂરિયાત આધારિત બોલતા હોય છે ક્યારેક સારું પણ બોલે અને ક્યારેક ખરાબ પણ બોલે. અગ્નિ પરીક્ષા પછી પણ સીતાજી પર આંગળી ચિંધનાર વ્યક્તિ રામરાજ્યમાં પણ હતી જ. તો શું આપણે આપણી રીતે ના જીવી શકીએ? જીવનના મુલ્યોની સમજણ એ જ જીવનની સમજણ આપે છે.
મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા હોય તો આપ જરૂરથી નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.
સવાલ: મારા પરિવાર માટે નાનપણથી મેં ખુબજ ઘસારો વેઠ્યો છે. હું મારા ભાઈ બેનો જેટલો સદ્ધર નથી. પણ એમને કામ હોય તો મારા સો કામ પડતા મુકીને હું પહોંચી જાઉં. મારે કામ હોય ત્યારે એ લોકો સમયનું બહાનું કાઢીને ન આવે. મારી પાસે જે હોય તે હું સહજ રીતે આપી દઉં અને એ લોકો ગણતરીમાં રહે. એમને મારી પાસે કેટલીક અપેક્ષાઓ હતી જે વ્યાજબી ન હતી તેથી મેં ના પાડી. હવે એ લોકોએ મારી સાથે સંબંધ કાપી નાખ્યો છે. ખબર નહિ કેમ પણ મને બહુ સારું લાગે છે. આવું કેમ થતું હશે?
જવાબ: જયારે એકપક્ષીય સંબંધો હોય ત્યારે આવું જ થાય. તમે માત્ર ખેંચાઈ રહ્યા હતા. એ લોકો માટે તમે એક વસ્તુ હતા અને વસ્તુઓ માટે પ્રેમ કાયમ ન હોય. વળી તમે તો એવી વસ્તુ હતા જે જાહેરમાં દેખાડી પણ ન શકાય. આ નિર્ણય તમારા માટે લાભદાયક છે. તમે ગુલામીમાંથી મુક્ત થયા છો. તેથી તમને આનદ થાય છે. ચિંતા ન કરો, માત્ર લોહીથી જ સંબંધ બંધાય એવું થોડું જ હોય છે? સંબંધો તો આત્માના હોય છે. કોઈક એવું તમારા જીવનમાં પણ હશે જે તમને નિસ્વાર્થ ભાવે ચાહતું હશે. તમે જેવા છો તેવા સ્વીકારતું હશે. બસ એમને તમારા સ્નેહી માનવા લાગો.
સવાલ: મેં ઉત્તરમાં લીલો કલર કરાવ્યા બાદ જીવનમાં નકારાત્મકતા આવી છે. આવું થવાનું કારણ શું હોઈ શકે?
જવાબ: ઉત્તરમાં લીલો રંગ કેવો, કેટલો અને ક્યાં એ તમને ખબર નથી. વળી લીલો જ કરાય એની પણ જાણ નથી. અધૂરું જ્ઞાન હંમેશા હાનીકારક હોય છે. આપણા શાસ્ત્રો એ શોખનો વિષય નથી. જ્યાં જરૂર છે ત્યાં તમે ઉપાય કરો. જ્યાં જરૂરી નથી ત્યાં અખતરા શા માટે કરવા જોઈએ? આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં મેડીકલ સ્ટોરમાં જઈને લોકો સીધા જ તાવની દવા માંગતા જોવા મળે છે. તો પછી વાસ્તુ જેવા વિષયમાં તો આવું બને જ. શું તમને એવું નથી લાગતું કે સુખી થવાના નિયમો કોઈ જાણકાર પાસેથી જાણવા જોઈએ?
સુચન: વાસ્તુ એ શોખનો વિષય નથી. સાચા નિયમો જાણ્યા પછી જ એનો પ્રયોગ કરી શકાય.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)