વાસ્તુ: શું તમે ક્યારેય પ્રેમ કર્યો છે?

શું તમે ક્યારેય પ્રેમ કર્યો છે? આ સવાલનો જવાબ આપવા માટે જો તમારે સહેજ પણ વિચાર કરવો પડ્યો હોય તો એનો અર્થે વો થાય છે કે તમને પ્રેમ શું છે એની સાચી સમજણ જ નથી. મારા પુસ્તક વાસ્તુ- પ્રેમ અને કામમાં મેં લખ્યું છે કે પ્રેમ માણસના માટે એક મૂળભૂત જરૂરિયાત છે. હવા, પાણી અને ખોરાકની માફક જ માણસને પ્રેમની જરૂર હોય છે. જે દિવસે માણસને એ સમજાઈ જાય કે એને કોઈ પ્રેમ નથી કરતુ કે પછી એ કોઈને પ્રેમ કરવાને લાયક નથી રહ્યો એ દિવસે એ મૃત્યુ ની નજીક જવા લાગે છે. વળી પ્રેમ એટલે વિજાતીય પ્રેમ એવું થોડું જ હોય છે? પ્રેમ તો કોઈની પણ સાથે થઇ જાય. પ્રેમ એ હૃદય સાથે જોડાયેલી લાગણી છે. એમાં શરીર ક્યાં આવે? એક વ્યક્તિ પોતાના જીવન કાળ દરમિયાન હજારો વખત પ્રેમ કરે છે પણ એને એની સમજણ પણ નથી હોતી. પ્રેમ એ સાત્વિક લાગણી છે. વળી સૌથી પહેલા તો વ્યક્તિએ પોતાની જાતને પ્રેમ કરતા શીખવું પડે. પછી કુદરતને, રાષ્ટ્રને, પરિવારને, વિગેરે વિગેરે. વિજાતીય શબ્દ આકર્ષણ સાથે વધારે જોડાય છે. કારણકે પ્રેમ નિર્જીવ વસ્તુઓ સાથે પણ થઇ શકે. વળી વરસમાં એક જ દિવસ પ્રેમ થાય? અને આઈ લવ યુ ન કહીએ કે ભેટ ન આપીએ તો પ્રેમ ન ગણાય? જો કે આ બધું સમજવા માટે પ્રેમને સમજવો પડે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને વાસ્તુ આધારિત કોઈ પણ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેલ પર જરૂર પૂછી શકશો.

સવાલ: મેં આપનું પુસ્તક વાસ્તુ- પ્રેમ અને કામ વાંચ્યું છે. એમાં પ્રેમ વિષે અદ્ભુત વાતો કરવામાં આવી છે. પણ મનમાં એક સવાલ ઉદ્ભવે છે કે જો ઘરમાં ખુબ સારી ઉર્જા હોય તો વ્યક્તિને બધા પ્રેમ કરે. જો આવું થાય તો ઉપાધી ન થઇ જાય? વળી ઘરવાળી કાઢી મુકે એ નફામાં. આં અંગે આપ શું કહેશો?

જવાબ: આપનો સવાલ ખરેખર યોગ્ય છે. એક વ્યક્તિ એક સાથે અનેકને પ્રેમ કેમ ન કરી શકે? તમે પણ ચાર પાંચ વ્યક્તિઓને પ્રેમ કરતા જ હશો. નવાઈ લાગે છે ને? ચાલો આ વાતને પણ સમજીએ. તમે તમારા મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન, મિત્ર, કાકા, ફોઈ એમ અનેક વ્યક્તિઓને પ્રેમ કરતા હશો. તમને કોઈ વાહન ગમતું હોય તો એને પણ પ્રેમ કરતા હશો. ઘરનો કોઈ રૂમ ગમે તો એને પણ પ્રેમ કરો. હવે લીસ્ટ બનાવો કે તમે કેટલે લોકોને પ્રેમ કરો છો? આજ રીતે તમને પણ ઘણાબધા લોકો પ્રેમ કરી શકે. જો સારી ઉર્જા હશે તો ઘરવાળી પણ સમજદાર હશે. એને સાચા પ્રેમની સમજણ હશે. એટલે એ કાઢી નહિ મુકે. સાચી સમજણ સાથે પ્રેમ કરવો જરૂરી છે. એના માટેના નિયમો તો તમે મારા પુસ્તકમાં વાંચેલા જ છે.

સવાલ: સાહેબ. મારી ઓફિસમાં એક છોકરી મને ગમે છે. એ પણ મને પસંદ કરતી હતી. એને જે જોઈએ એ હું લાવી આપતો. છેલ્લા ત્રણ વરસથી વેલેન્ટાઇન ડે પર હું આખું અઠવાડિયું એને ગમતી મોંઘી ભેટ આપતો. પણ આ વખતે એણે મારા બોસ પાસેથી ગીફ્ટ લીધી. મને દુખ થાય છે. શું કરું?

જવાબ: ભાઈ શ્રી. આપને સંબંધનો આધાર જ ખોટો હતો. તમે લાગણી ના બદલે વસ્તુઓથી રીઝવવા પ્રયત્ન કરતા હતા. અને જે દિવસે વધારે સારી વસ્તુ મળી પેલી વ્યક્તિ જતી રહી. પ્રેમમાં અપેક્ષા નથી હોતી. સામેની વ્યક્તિ જેવી છે એવી સ્વીકારવાની ભાવના હોય છે. જો એ વ્યક્તિ તમને સાચો પ્રેમ કરતી હોત તો એ મોંઘી ભેટની લાલચમાં તમને છોડીને ન ગઈ હોત. પ્રેમ અમુલ્ય હોય છે. બની શકે કે એ તમને પ્રેમ કરતી હોય અને તમે એને વસ્તુઓથી રીઝવવા પ્રયત્ન કરતા હો. પ્રેમમાં લાગણી મહત્વની હોય છે. ભેટ નહિ.

સુચન: ઈશાનનો દોષ સાત્વિક પ્રેમમાં બાધક બને છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)