વાસ્તુ: શિવ પૂજાના વિવિધ ફાયદા આ રીતે સમજો

શિવરાત્રી આવી રહી છે. ઘણા બધા સવાલો અને ઘણી બધી દ્વિધાઓ શિવ અને શિવરાત્રી વિષે જોવા મળે છે. શિવરાત્રી વિષે ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાક લોકો એને શિવજીનો જન્મદિવસ માને છે. આવી બધી માન્યતાઓ આપણાં શાસ્ત્રો વિષેની સમજણ ભૂલાવી દે છે. પ્રસાદમાં પીઝા અને દેવસ્થાનમાં કેક કાપવામાં ધર્મની સાચી સમજણ વીસરાઈ રહી છે. ધર્મ એટલે દેવસ્થાનમાં હાજરી આપવી એટલું જ? શું અન્ય કોઈ નીતિ નિયમો એમાં આવે જ નહીં? જેને ધર્મ અને સંસ્કૃતિ વિષે સમજણ ન હોય . એવી વ્યક્તિ નિયમો સમજાવે અને એવો પ્રભાવ પાડી શકે કારણ કે સોશિયલ મીડિયા પર એ સફળ હોય એવું બને. પણ શું એ રીતે જીવનની સાચી સમજણ લઈ શકાય ખરી?

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: શિવ પૂજાના વિવિધ ફાયદા છે. તો એના વિષે સમજ આપશો?

જવાબ: જગતના કણ કણમાં શિવ છે. શિવ પૂજા એટલે સ્વને સમૃદ્ધ કરવાની ક્રિયા. ચેતના જાગૃતિ માટે શિવપૂજા જરૂરી છે. વળી શિવ એ બ્રહ્માંડના મુખ્ય તત્વ છે. એટલે શિવપૂજા સમગ્ર બ્રહ્માંડની શક્તિ સાથે જોડવા સક્ષમ છે. શિવલિંગને સંપૂર્ણ સ્વરૂપે જોવામાં આવે તો એ શિવ અને શક્તિનું પ્રતિક છે. ઓહ્મ એ બ્રહ્માંડનો નાદ છે. જે શિવપૂજા સાથે જોડાયેલો છે. પણ હા, કોઈ પણ પૂજા મનથી થવી જોઈએ. યંત્રવત પૂજાનું કોઈ મહત્વ નથી. ભારતીય વાસ્તુની ઉર્જા વધારવા માટે પણ શિવપૂજા મદદરૂપ થાય છે. શિવપૂજા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ દ્રવ્યોનું પણ મહત્વ છે. દ્રવ્યો અને એના કોમ્બીનેશનના વિવિધ ફાયદા પણ છે. માત્ર શિવરાત્રી પર જ નહિ. શિવપૂજા દરરોજ કરવી જોઈએ. વળી કોઈ પણ વ્યક્તિ શિવપૂજા કરી શકે છે.

સવાલ: હું ખૂબ આધ્યાત્મિક છું. મને બધા માને પણ છે. મારા ઘરમાં ખુબ ઠંડક વાળો એક રૂમ છે. એ જગ્યાએ ખૂબ ડર લાગે છે. તો ત્યાં ભૂત હશે? મને વાસ્તુ શાસ્ત્રમાં કઈ સમજાતું નથી તો એનો પણ ડર લાગે છે. કોઈ તોડફોડ કરાવી જશે તો? શું કરું. હું બીજા લોકોને પણ કહું છું કે મને ડરાવો નહીં પણ કોઈ માનતું નથી.

જવાબ: તમને અજ્ઞાતનો ડર છે. જેના વિષે સમજણ નથી એનો ડર શાનો? નથી તમે ભૂત જોયું કે નથી શાસ્ત્રનું જ્ઞાન. વળી તમે આધ્યાત્મિક હો તો આત્માની સમજ હોવી જોઈએ. એવું પણ નથી લાગતું. આપણાં કોઈ શાસ્ત્રો ડરાવવા માટે નથી લખાયા. શાસ્ત્રોનો અભ્યાસ કરો. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં તો કોમેડી કરનારને પણ લોકો માને છે. પણ એનો અર્થ એ નથી કે એમને શાસ્ત્રોનું જ્ઞાન છે. સાચું જ્ઞાન મેળવી અને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરો. ખોટી અફવાઓ ન ફેલાવો. તમે જેનાથી ડરો છો એ વાત લોકોને કહો પણ એનું કારણ પણ જણાવો. અનુભવસિદ્ધ જ્ઞાન આપવામાં જ મજા છે. એનો અનુભવ કરી જુઓ. પછી ક્યારેય ડર નહિ લાગે. કારણકે જ્ઞાન નિર્ભયતા આપે છે.

સુચન : વાસ્તુ એટલે તોડફોડ એ માન્યતા ખોટી છે.

Email-vastunirmaan@gmail.com