નીલ મોહન નિમાયા Youtubeના નવા CEO

સેન બ્રુનો (કેલિફોર્નિયા): ભારતીય વંશના ઈન્ડિયન-અમેરિકન નાગરિક નીલ મોહન હવે યૂટ્યૂબના નવા ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) બન્યા છે. યૂટ્યૂબ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ (સર્વિસ) છે અને ગૂગલની પેટા-કંપની છે. નીલ મોહન સીઈઓ પદ ઉપરાંત વૈશ્વિક વીડિયો શેરિંગ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબના સીનિયર વાઈસ-પ્રેસિડન્ટનો હોદ્દો પણ સંભાળશે.

યૂટ્યૂબના સીઈઓ પદેથી સુસાન વોઝિંકીએ રાજીનામું આપતાં એમની જગ્યાએ નીલ મોહનની વરણી કરવામાં આવી છે. વોઝિંકી છેલ્લા 9 વર્ષથી દુનિયાની આ સૌથી મોટી વીડિયો વેબસાઈટનું નેતૃત્ત્વ સંભાળતાં હતાં. નીલ મોહન એમનાં જૂનિયર હોઈ હવે એમનું પદ તેઓ સંભાળશે.

સ્ટેનફોર્ડમાંથી ગ્રેજ્યુએટ થયેલા નીલ મોહન હાલ ચીફ પ્રોડક્ટ ઓફિસર પદે છે. તેઓ યૂટ્યૂબની પિતૃ કંપની ગૂગલમાં 2008માં જોડાયા હતા. એ પહેલાં એમણે માઈક્રોસોફ્ટ કંપનીમાં કામ કર્યું હતું.