શું બિલ્ડીંગ મટીરીયલની કોઈ અસર વાસ્તુની ઉર્જા પર થઇ શકે?

સરકાર અને સરકારી બંને શબ્દોને એક બીજાના પુરક માની શકાય? સરકારી વ્યવસ્થા એ માત્ર સરકારને જ આધીન નથી. એ વિવિધ વ્યક્તિઓથી ચાલે છે. અને તેથીજ એની સાથે જોડાયેલી દરેક વ્યક્તિના નિર્ણય સરકારના જ છે એવું ન માની શકાય. એવું જ જીવનમાં પણ બને છે. માનવ જે કાઈ કરે છે એ ના આધારે માનવતાને ન આંકી શકાય. વિવધ માનવો વિવિધ વ્યવહાર કરતા હોય છે. એમાં સારા અને નરસા બંને અનુભવો થાય. અને વળી ક્યાંક આવા વ્યવહારોનો દોષ કલિયુગને પણ અપાય. કલિયુગ શરુ થયાને કેટલા વરસ થયા? શું અચાનક કલિયુગ આવી ગયો? મનને મનાવવું હોય તો ઘણા કારણો દેખાય. પણ સત્ય એ છે કે માનવ બદલાઈ રહ્યો છે. બધું જ સહન કરી અને એકાંતમાં ફરિયાદ કરવાની વાત આપણી સંસ્કૃતિની નથી. વળી સ્પ્રિંગ દબાય તો વધારે ઉછળી શકે. એના કરતા જે નથી ગમતું એ શરૂઆતમાં જ સમજાવી દેવાય તો? જ્યાં ખોટું થાય છે એનો વિરોધ કરી શકાય. પણ હા, એના માટે પણ કોઈને નુકશાન કરવાની રાહ ન અપનાવાય. રસ્તા પર ખાડો છે એની ફરિયાદ કરવા કરતા આસપાસ વાળા પોતે જ એમાં માટી પૂરી દે તો?

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: મારે એક સરકારી બેંકમાં ખાતું ખોલાવવું છે. પહેલા આ કામ આસાની થી થઇ જતું. હવે એવું લાગે છે કે કોઈને નવા ખાતા ખોલવામાં રસ જ નથી. મોટી ઉમરે ધક્કા ખાવાનું ફાવતું નથી. અને એમને કાઈ પડી નથી. બીજા દેશમાં સીનીયર સીટીઝન માટે જે માન સન્માન છે એ અમને કેમ નથી મળતું? શું અમે હવે નક્કામાં થઇ ગયા છીએ? પહેલા વડીલોને જોઇને સ્ટાફ મદદ કરવા આવતો. હવે યોગ્ય રીતે વાત પણ નથી કરી શકતો. ડીજીટલ ભારત માં આવા લોકો? શું હવે બેન્કોના ઇન્ટીરીયર મોર્ડન થઇ રહ્યા છે એટલે કોઈ વાસ્તુ દોષ હશે?

જવાબ: પહેલા દરેક ટેબલની સામે બેસવા માટે ખુરસીઓ હોતી હતી. ગ્રાહકને ભગવાન માનવામાં આવતા. આ ભારતીય વ્યવસ્થા લગભગ બધે જોવા મળતી. સૌજન્ય્શીલતા એ આપણો ગુણધર્મ હતો. હવે વ્યવસ્થા બદલાઈ છે. ઓછો સ્ટાફ અને ટાર્ગેટ વધારે. એટલે આવું ક્યાંક ક્યાંક જોવા મળે છે. પણ એ બધું સરકારના કહેવાથી ન થતું હોય. પ્રાયવેટ બેંકમાં એક ખાસ ઓફિસર મદદ માટે હોય છે. એવી વ્યવસ્થા સરકારી બેંકમાં પણ હોય છે. ક્યારેક એવું બને કે એના વિશેની પૂરી માહિતી જે તે સ્ટાફ પાસે પણ નથી હોતી. સરકારે નિયમો તો સારા જ બનાવ્યા છે પણ જે તે વ્યક્તિના આવા વ્યવહારના લીધે આવા અનુભવ થઇ શકે. હવેના ઇન્ટીરીયર માં કમ્ફર્ટ શબ્દ ક્યાંક ખૂટતો લાગે છે. એ વાત સાચી છે. વળી કેટલાક રંગો પણ માનવીય સ્વભાવને અસર કરતા હોય છે. આધુનિક મટીરીયલ માં કેટલાક એવા છે કે જેની પોતાની કોઈ ઉર્જા નથી.

જે તે બેંક ની વેબસાઈટ પર જઈ અને આપ અરજી કરી શકશો. આ જ જગ્યાએ ફરિયાદ પણ થઇ શકે. એની પણ અદ્ભુત વ્યવસ્થા હોય છે. જે બેંકમાં ખાતું ખોલાવવામાં આટલી તકલીફ પડે છે ત્યાં ખાતું ખુલી પણ જશે તો તમને ફાવશે? વિચારજો.

સવાલ: શું બિલ્ડીંગ મટીરીયલની કોઈ અસર વાસ્તુની ઉર્જા પર થઇ શકે?

જવાબ: હા, ચોક્કસ થઇ શકે. જેમકે લાકડાનું મકાન હોય એ જગ્યાએ માણસો દિલદાર હોઈ શકે. માટીના મકાનમાં વધારે લાગણીશીલ હોઈ શકે. પત્થરના મકાનમાં થોડા ઈગો વાળા હોઈ શકે. આવું અન્ય મટીરીયલ માટે પણ લાગુ પડે છે. કાચ રેતી માંથી બને છે. વળી એ તૂટે તો કરચો થઇ જાય છે. તેથી વધારે પડતો કાચનો ઉપયોગ પણ ન જ કરાય. આપણા દેશમાં એટલે જ લાકડા અને ચૂનાનો ઉપયોગ વધારે થતો હતો.

સુચન: મનને શાંત રાખવા માટે સૂર્ય અને ચંદ્ર બંનેના સકારાત્મક પ્રકાશની જરૂર પડે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]