વાસ્તુ: નવા વરસમાં સુખી થવા શું કરવું?

નવું વરસ. નવા સપના. નવા અનુભવો. અને નવો ડર પણ. કહે છે કે ભય વિના પ્રીતિ નહિ. એવું જ કશુક કાયમ જોવા મળે છે. કોરોના આવ્યો એટલે જીવનનું મહત્વ સમજાયું. માણસ ગભરાય એટલે સજ્જન બની જાય અને ભયમુક્ત થતા જ એની દિશા બદલાય. અન્યને મોક્ષ આપવાનું વચન આપનારને પણ સ્વ રક્ષણ માટે ગાર્ડસ જોઈએ. પોતાને ઈશ્વરના દૂત સમજનારને પણ ભય તો સતાવે જ. વળી વિશ્વમાં પણ સહુથી મોટો વેપાર તો ભયનો જ છે ને? નિર્ભય માનસ જ સાચું જીવન સમજી શકે છે. જીવી શકે છે. પણ એવા માસોને સમજવા વાળા કેટલા?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: નમસ્તે. છેલ્લા કેટલાક સમયથી એક્સિડન્ટ ના સમાચારો વધી રહ્યા છે. નાની નાની વાતમાં અથડામણ પણ વધી રહી છે. 2024 નું વરસ ખરાબ છે એવું પણ ક્યાંક વાંચવામાં આવ્યું છે. દરેક નવું વરસ આગળના વરસો કરતા વધારે ને વધારે ખરાબ દેખાય છે. લોકો સુખી ન હોવા છતાં સુખી હોવાનો ડોળ કરે છે. બિચારા સકારાત્મક વિચારીને પણ થાકી ગયા હશે. વ્યક્તિ ક્યાં સુધી સકારાત્મક રહી શકે? દુખી હોવા છતાં સતત વિચારવાનું કે પોતે સુખી છે. આવું દંભી જીવન ક્યાં સુધી? શું એનો કોઈ ઉપાય ન હોઈ શકે? સાચા અર્થમાં સકારાત્મક થઇ અને આગામી વરસને સુધારી ન શકાય?

જવાબ: તમારો સવાલ કદાચ આપણા સમાજ તરફથી આવ્યો હોય એવો સવાલ છે. નિર્ભયતા એ માણસનો ગુણધર્મ છે. પણ સતત એના મન પર થયેલા પ્રહારોથી એ ભયભીત બની ગયો છે. વળી ભયના લીધે એનું મન સતત કાર્યરત રહે છે. એટલે એની શારીરિક અને માનસિક અથડામણો પણ વધી છે. વ્યક્તિ પોતે જયારે પોતાના કાબુમાં ન હોય ત્યારે તકલીફ તો પડવાની જ. ભૌતિકતા પાછળની રેસમાં માણસ પોતાની મૂળભૂત જરૂરિયાતો પણ ભૂલી ગયો છે. સગા માટે સમય નથી. સંબંધોમાં રસ નથી. આભાસી મિત્રોના લાઈક્સ જોઇને રાજી થાય છે. પછી સુખ પણ આભાસી જ મળવાનું ને? બધાને ઉતાવળ છે પણ કોઈ સમયસર પહોંચતું નથી. એક બીજામાં દેવ જોવાની વાત વિસરાઈ ગઈ છે. પણ એ જ અત્યારની સ્થિતિ છે. સર્વ પ્રથમ તો એ વાતને સ્વીકારી લો.

આગામી વરસમાં સુખી થવું હોય તો ઘરમાં મહામૃત્યુંન્જય મંત્રના જાપ કરો. દર બુધવારે સમીના વૃક્ષને દૂધ ચડાવો. બેસતા મહીને કીડીયારું પૂરો. ચોક્કસ સારું રહેશે.

સવાલ:  આવનાર વરસ માટે શુભેચ્છા. મારા ઘરમાં વાયવ્યનો દોષ છે. તો એના વિષે થોડું સમજાવી અને નિરાકરણ આપવા વિનંતી.

જવાબ: આપને પણ શુભેચ્છા. વાયવ્યના ઘણા બધા દોષ હોઈ શકે. આપના ઘરના નકશામાં જોવાથી સમજાય છે કે તમારું મુખ્ય દ્વાર વાયવ્યનું છે. આવા દ્વારના લીધે ઘરની બે પેઢી એક સાથે ન રહી શકે. અને બાળકોની ચિંતા રહે. એના ઉપાય માટે આપના ઘરના વાયવ્યમાં બીલીપત્રના બે છોડ લગાવી દો. ઘરમાં શિવ પૂજા કરો.

સુચન: વડીલોને સન્માન આપવાથી સમાજમાં સન્માન મળે છે.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)