વાસ્તુ: ઈશાન દિશામાં ફુવારો મૂકી શકાય?

રસ્તા પર પોદળો પડ્યો હોય તો આપણે ફરિયાદ કરીએ છીએ. પણ આપણે ત્યાં જ કચરો ફેંકીને સફાઈ કામદારો અથવા સરકારને દોષ દઈએ છીએ. પ્રાણી માટે કોઈ વ્યવસ્થા નથી કે પછી એમનામાં એવી સમજણ નથી. તો પણ એક વાર શીખી લીધા બાદ એ નિયમ મુજબ ચાલે છે. માણસ પાસે ઘણી સુવિધાઓ છે પણ બેફિકરાઈ તથા બેજવાબદાર વૃત્તિ એના વ્યવહારમાં દેખાય છે. જો અન્ય દેશોમાં રાષ્ટ્રભાવના હોય તો આપણે એ ન કેળવી શકીએ? આપણે ક્યાં કચરો નાંખીએ છીએ તે વિચારીએ તો પણ સમજાશે કે આપણે એ જગ્યાનો વપરાશ કરીએ છીએ અને તેને જ પ્રદૂષિત કરીએ છીએ. રોગચાળો ફાટી નિકળવાની શક્યતા પણ આપણે જ ઉભી કરીએ છીએ. શું આપણે આપણો દેશ સ્વચ્છ રાખવો જોઈએ?

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આપણે વિદેશ જઈએ ત્યારે ડાહ્યા, સમજદાર અને અનુશાસિત થઈ જઈએ છીએ. તો પછી આપણાં દેશમાં આવીને પાછા ખરાબ કેમ થઈ જઈએ છીએ? ફલાઈટમાં વંદા, ટ્રેનમાં ગંદકી, રસ્તા અને નદી પ્લાસ્ટિક થી ભરપૂર, દિવાલો પર પાનના ડાઘા. લિફ્ટમાં તમાકુની પિચકારી વિગેરે. આમ તો લિસ્ટ બહુ લાંબુ બને. પણ પોતાના રહેણાંક અને વપરાશની જગ્યાએ ગંદકી કરવાનું મન કેવી રીતે થાય? શું કાયદા કડક કરવાની જરૂર છે કે પછી માત્ર ફરિયાદ જ કરવાની. દરેક વ્યક્તિ આ કામ મારું નથી એમ કહીને છટકી જાય એવું થોડું ચાલે?

જવાબ: સહુથી પહેલાં તો એ સમજવું જોઈએ કે આ દેશ આપણો બધાનો છે. સરકાર આપણા પ્રતિનિધિ છે. એ બધાને સુધારવા સિવાય ઘણા અગત્યના કામ કરે તે જરૂરી છે. કાયદાનો અમલ કરવો એ આપણી ફરજ છે. માત્ર અન્યના વાંક કાઢવાની ટેવ પણ યોગ્ય નથી. એક માણસે કચરો નાંખ્યો એટલે હું પણ નાખું એ ભાવના ખોટી છે. બે ખોટા થી એક સાચું સાબિત ન થાય. જ્યારે ઈશ્વર સર્વત્ર છે એવી સમજણ હતી ત્યારે માણસ અનુશાસનમાં માનતો હતો. હવે એ મૂર્તિમાં છે એવી માન્યતા છે. તેથી કોઈ જોતું નથી તો ચાલશે એવી ભાવના વધી શકે. વ્યક્તિ પોતે તો પોતાના કર્મ વિશે જાણે જ છે. વળી ખોટુ કર્યા બાદ બેફિકરાઈ વર્તવાની ટેવ ઘાતક છે. જ્યારે દરેક વ્યક્તિ સજાગ થશે ત્યારે જ દેશ પ્રગતિ કરી શકશે. પ્રતિબંધિત વસ્તુઓ ન ખરીદવા માટે નિશ્ચય લેવાનું શકય છે? તમે શરૂઆત કરી શકો છો. ધીમે ધીમે આપણે બધા એ દિશામાં આગળ વધીને સ્વચ્છ ભારત બનાવી શકીશું.

સવાલ: ઈશાનમાં ફુવારો મૂકી શકાય?

જવાબ: ઈશાનમાં જમીનની ઉપર પાણી રાખવાનો નિષેધ છે. તેથી ફુવારો ન રાખવાની સલાહ છે

સૂચન : સ્વચ્છતા એ પ્રભુતા છે. સ્વચ્છ જગ્યાએ સકારાત્મક ઉર્જા વધારે હોય છે.

(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com)