વાસ્તુ: ઈશાનમાં જમીન પર પાણીની ટાંકી ન રખાય

સમય અને સંજોગો માણસને અંદરથી એનો એ હોવા છતાં બહારથી બદલી નાખી શકે છે. અને તો પણ અંતે તો માણસ પોતાને બદલી શકતો નથી. અંદર અને બહાર વચ્ચેની મથામણમાં ક્યારેક એને એ પણ નથી સમજાતું કે ક્યાં જવું. અને અચાનક કોઈ ઝબકારો મનમાં થતા જ એ સાચો નિર્ણય લે છે. પણ શું આવું બધાની સાથે થાય ખરું? ઝબકારો સકારાત્મક ઉર્જાનો હોય છે. અને એ સકારાત્મક ઉર્જા મળે છે વાસ્તુ નિયમો થકી. ભારતીય વાસ્તુ એ જે તે સમયે ભારતમાં ચાલતા આર્કિટેક્ચર સાથે સંકળાયેલ છે. તેથી જ તે માત્ર અંધશ્રદ્ધા નથી તેમાં વિજ્ઞાાન પણ છે અને ગણિત પણ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપના મનમાં પણ કોઈ સવાલ કે મૂંઝવણ હોય તો આપ નીચે જણાવેલ ઈમેલ પર જરૂર પૂછી શકો છો.

સવાલ: મને ખુબ જ ડર લાગે છે. મારા ઘરના બધા સારા છે મારા ગામમાં પણ બધા સારા છે. મિત્રો પણ સારા છે પણ જ્યારે જ્યારે કોઈ નેગેટિવ સમાચારો જોઉં છું ત્યારે મને ડર લાગે છે. પેલી છોકરીને જાહેરમાં મારી નાખી અને કોઈ બચાવવા ન ગયું. બાર વરસના બાળકો ગેંગ રેપ કરે છે. શું આટલા નિમ્ન સ્તરે આપણે જીવી રહ્યા છીએ? મારી મમ્મી ભણતી ત્યારે રાત્રે મૂવી જોઈને એ લોકો ચાલીને આવતા અને ધોળા દિવસે આ બધું થાય છે. ક્યારેક રાત્રે ઊંઘ ઊડી જાય છે. એકલા બહાર જતા ડર લાગે છે. કાંઈજ સમજાતું નથી. જવાબ આપી રસ્તો બતાવો.

જવાબ: ભારતીય વિચારધારા જ્યાં સુધી અભ્યાસમાં પ્રચલિત હતી ત્યાં સુધી માણસો એની સાથે જોડાયેલા હતા. ધીમે ધીમે પશ્ચિમી રંગો ચઢતા ગયા અને આપણે ભારતીય વિચારોથી વિમુખ થતા ગયા. બનાવટી આબરૂ સાચવવા સાચા નિર્ણય લેતા ગભરાતી પ્રજા વધતી ગઈ. કોઈ એક અત્યંત નકારાત્મક ઘટના હચમચાવી મૂકે અને સોશિયલ મીડિયા પર સ્ટેટસ બદલી લોકો સમાજ માટે કંઈક કર્યાનો આનંદ લઈ મુક્ત થઈ જાય છે. કાયમ ભય સાથે ન જીવાય. પણ સતર્ક તો રહેવું જ પડે. રેડિયેશન, ઓછા થતા વૃક્ષો અને પ્રદૂષણ આ બધા કારણોથી માણસ બદલાઈને નકારાત્મક વાત કરે છે. તમે ઘરમાં સવાર સાંજ ગૂગળનો ધૂપ કરો. મહામૃત્યુંજય મંત્ર જાપ કરો. સાચી રાહ મળશે.

સવાલ: મારા ઘરના ઈશાનમાં ચોકડી અને પાણીની ટાંકી છે. કોઈ એવું કહેતું હતું કે એનાથી પ્રેમી તરછોડી જાય. આ સાચું છે?

જવાબ: તમારી આખી વાત વાંચી. એ જાણી જોઈને અહીં નથી મૂકી. આ વિભાગમાં કોઈની અંગત વાતોને લોકો સામે મૂકી તેને વિમાસણમાં મૂકવાનો વિચાર ક્યારેય નથી આવ્યો. તમે ખોટા માણસને પ્રેમ કર્યો. એને માત્ર તમારા પૈસા અને શરીરમાં રસ હતો. એ ન મળતા આ સંજોગો ઉભા થયા. ઈશાન હ્રદય સાથે જોડાયેલ છે. તેથી હ્રદયને તકલીફ પડે એવી ઘટના બને. પણ પ્રેમી છોડી જ દે એવું ન કહી શકાય. તમે ઈશાનમાં તુલસીનું વન બનાવો, ટાંકી ખસેડી દો. મન શાંત થઈ જશે.

સૂચન : ઈશાનમાં જમીન પર પાણીની ટાંકી ન રખાય.
(Email : vastunirmaan@gmail.com)