ધનપ્રાપ્તિના સૂચક ગ્રહો: અતિધન, વૈભવ, સમૃદ્ધિ…

નુષ્યની જીવનશૈલી સમય સાથે આધુનિક બની રહી છે, આધુનિકતા સાથે મનુષ્યને અનેક સગવડો અને આરામ પણ પ્રાપ્ત થયા છે. મનુષ્ય હવે ભાવનાત્મક તકલીફો કે માનસિક આવેગોમાંથી બહાર આવીને પુરુષાર્થ તરફ ચાલી રહ્યો છે. આજે દરેક મનુષ્યને સૌથી વધુ જરૂર હોય તેવી કોઈ એક ચીજ કહીએ તો તે ‘ધન’ એટલેકે આર્થિક સમૃદ્ધિ જ હશે. તબિયત અને માનપાન પણ જાણે આર્થિક સમૃદ્ધિની આસપાસ આવી ચૂક્યાં છે, ધન હોય તો જ દવા થાય તેવા દિવસ પણ આજે આપણે જોઈ રહ્યા છીએ.

ધન વૈભવી અનેક કુંડળીઓ જોઈ છે, જ્યોતિષના ગ્રંથો મુજબ લખેલા ધનયોગ આજના જમાનામાં સીધા બંધ બેસે તેવું જરૂરી નથી. સામે પક્ષે દેશનું અર્થતંત્ર અને સામાજિક-આર્થિક નીતિઓ પણ જોવી પડે છે, તો જ કોઈ જાતકની આર્થિક ઉજ્જવળતાનું ભવિષ્ય જોઈ શકાય છે. દ્વિતીય ભાવનો માલિક બળવાન હોય છતાં ધન વૈભવ સામાન્ય હોય તેવું પણ બને છે. અસલમાં બીજું સ્થાનએ પૈતૃક સંપતિ અને સંચિત ધનનું સ્થાન છે. દ્વિતીય ભાવ વડે મનુષ્યના કુટુંબની સ્થિતિનો અંદાજ ચોક્કસ રીતે આવી જાય છે. મનુષ્ય પોતાના પુરુષાર્થ વડે ધન કમાય છે તે જોવા માટે લાભ ભાવ અને છઠો ભાવ વગેરે ઉપચય ભાવ ખુબ જ મહત્વના છે. ઉપચયના માલિક ગ્રહો (૩,૬,૧૦,૧૧) બળવાન હોય તો ધનપ્રાપ્તિ વધુ થઇ શકે, પરંતુ તેની સાથે જ શરીર સુખ અલ્પ અથવા શારીરિક વ્યાધિઓ વધુ હોય તેવું પણ બની શકે.

ધન સમૃદ્ધિ વધુ હોવા માટે મનુષ્યનું ‘મન’ સંકલ્પબદ્ધ રહે તે જરૂરી છે, અનેક કુંડળીઓમાં જ્યાં ચંદ્ર બળવાન છે તે જાતકો જીવનમાં ખુબ જલ્દી સમજણ હાંસલ કરે છે અને આર્થિક સમૃદ્ધિ તરફ જલ્દી પ્રયાણ કરે છે. ચંદ્રની સાથે સૂર્ય,ગુરુ કે મંગળનો દ્રષ્ટિ, યુતિ સંબંધ હોય તો ચંદ્ર બળવાન બને છે, અને આર્થિક સમૃદ્ધિના યોગ બને છે. વૃષભ, મીન અને કર્ક રાશિના જાતકો તથા પુનમ, પાંચમ, દસમ અને અમાસે પણ જન્મેલા જાતકો આર્થિક રીતે સમૃદ્ધ હોઈ શકે છે. પૂનમ પર જન્મેલા અને વૃષભ રાશિના જાતકો આર્થિક રીતે સુખી હોય છે તેવું અત્યાર સુધીના અનુભવના આધારે કહી શકાય. જે જાતકોને ચંદ્ર દુષિત હોય અથવા ચંદ્ર નિર્બળ બન્યો હોય સ્થાન કે રાશિના લીધે તેમણે જીવનમાં આર્થિક તકલીફો નિવારવા માટે ચંદ્રના ઉપાય જેવા કે, મહાદેવની ઉપાસના, ચંદ્રનુંમોતી ધારણ કરવું વગેરે કરવા ખુબ જરૂરી છે.

જયારે આપણે ઓછા પ્રયત્ને પણ અતિધન-વૈભવ જોઈએ છીએ, ત્યારે એક યોગ મને યાદ આવે છે, તે છે, પંચમેશ બળવાન! કોઈ પણ કુંડળીમાં જો પંચમેશ બળવાન હશે તો પૂર્વપુણ્ય કહો કે સંચિત કર્મ કહો, ધન મળવાની સંભાવનાઓ ખુબ વધુ હોય છે. આવી અનેક કુંડળીઓ છે જેમાં પંચમેશ સ્વગૃહી હોય અથવા પંચમેશ શુભ સ્થાનોમાં મિત્ર ગ્રહની રાશિમાં હોય. જો પંચમેશ પાપગ્રહ (શનિ, મંગળ) હોય તો ૬,૮ સ્થાનમાં પણ ખુબ સારું ફળ આપે છે.પંચમેશની દશા-અંતર્દશામાં અચાનક આવક વધી જાય છે, પાપગ્રહ (શનિ, મંગળ) પંચમેશ બનતો હોય તો ઘણીવાર ખોટા રસ્તે પણ ધનપ્રાપ્તિ થતી હોય તેવું જોવા મળે છે.

અનુભવે પંચમેશ અને નવમેશ, બંનેમાં પંચમેશ આર્થિક બાબતો માટે જલ્દી ફળ આપે છે, તેનું કારણ પંચમેશ તેની સામે રહેલા લાભભાવ પર પોતાની દ્રષ્ટિને લીધે આમ આર્થિક બાબતોમાં અનેક ગણું ફળ આપતો હશે તેવું કહી શકાય. પંચમેશ શુભગ્રહ (ગુરુ, શુક્ર, ચંદ્ર) બનતો હોય તો પાંચમાં સ્થાનમાં કે કેન્દ્રના સ્થાનોમાં હોવો જોઈએ તોતે ખુબ યોગકારક બની જાય છે. પંચમેશ સંતાન પ્રાપ્તિ માટે મહત્વનો ગ્રહ છે, પણ ધન સાથે તેનો સંબંધ ‘પૂર્વપુણ્ય’ના લીધે છે. ભાગ્યશાળી, સંસ્કારી સંતાનો પણ તેમના માં-બાપની સાચી સંપતિ જેવા જ કહીએ તો ખોટું નથી. સંપતિની જરૂર મનુષ્યને ડગલે ને પગલે પડે જ છે, પણ વૃદ્ધાવસ્થાએ સંપતિ હોય તો જ કોઈ આપણો બોલ ઝીલે કે હાથ ઝાલે તે પણ હવે સત્ય છે, વૃદ્ધાવસ્થાએ સંસ્કારી સંતાનો જ સાચી સંપતિ જેવા બની જાય છે.

વિચાર પુષ્પ: આધુનિક યુગનું સત્ય, પૈસામાં બધું નથી પણ બધામાં પૈસાની જરૂર હોય છે.