વાયુતત્વની નકારાત્મક અસર હોય તો કારણ વિનાની અસ્થિરતા આવે

“વાયુ”ની વાત આવી એટલે જાત જાતની વાતો પણ શરુ થઇ. કોઈને પત્ની યાદ આવી તો વળી કોઈને મફતમાં દીવથી કોઈ પેટી આંગણામાં આવીને પડે તેવી કલ્પના પણ થઇ. વાવાજોડું આવે અને બધુજ ખેદન મેદાન કરી જાય તે કલ્પના પણ કેવી ભયાનક છે? અને એમાં પણ રમુજ સુજે ત્યારે દરેક વાતને કોઈ ભય વિના સ્વીકારવાની સાધુ વૃત્તિ દેખાય. જયારે કોઈ વાતનો મોહ કે ભય નથી રહેતી ત્યારે સાધુ ભાવ જાગે પણ જો મોહ રહી જાય તો તોફાનમાં પણ કોઈક પેટી આંગણામાં આવે તેવા વિચારો આવે. પણ એ પેટી જો આવે તો સાથે બાકી બધું ઉડાડી મુકે તેવો પવન પણ આવે. જે વાયુ જીવન માટે જરૂરી છે તે જયારે ઘટક બને તો તેનો ભય ઉદ્ભવે.“જે પોષતું તે મારતું તે ક્રમ દિશે છે કુદરતી.” કુદરતના દરેક તત્વો જે જીવન માટે જરૂરી છે તે નુકશાન પણ કરી શકે છે.

વાયુ તત્વનું આધિપત્ય ધરાવતી દિશા એટલે વાયવ્ય. વાયુ તત્વથી પ્રભાવિત વ્યક્તિત્વ એટલે વાતોડિયા, વિચારશીલ, ક્રિએટીવ, માણસો. પણ જો વાયુ તત્વની નકારાત્મક અસર હોય તો તેઓ કારણ વિનાની વાતો કર્યાકરે. એક જગ્યાએ સ્થિર થઈને ન રહે. કારણ વિનાનું વિચાર્યા કરે. ધડ માથા વિનાની રજુઆતો કરે અને બસ ચર્ચાઓ કર્યા કરે. આમ કોઈ પણ તત્વની હકારાત્મક અને નકારાત્મક બાબતો એક બીજાથી વિપરીત જોવા મળે છે. જો વાયુ તત્વ સાથે અવકાશ તત્વનો દોષ ભળે તો માનસિક બીમારી પણ આવી શકે. આવી વ્યક્તિઓને સતત એવો ભય રહ્યા કરેકે કોઈક તેમના વિષે નકારાત્મક વિચારે છે. કોઈ સતત તેમનું નુકશાન કરવા પ્રયત્ન કરે છે. જેના કારણે તેઓ પોતાના ધાર્યા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકતા નથી.

વાયુ તત્વની નાકરાત્મકતા ભાગેડુ વૃત્તિ પણ આપી શકે છે. વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટતા તે પરિસ્થિતિને સમજવા કે તેનો સામનો કરવા સક્ષમ રહેતી નથી અને તે તેમાંથી છુટી જવા પ્રયત્ન કરે છે. અન્ય રીતે વિચારીએ તો તેમની સહનશક્તિ ઓછી થતી જાય છે. તેમને નાની નાની બાબતો પણ અસહ્ય લાગે તેવું બને. એક ભાઈએ તેના પાડોશીને ફોન કર્યો કે મારા ઘરમાં સાપનું બચ્ચું ઘુસી ગયું છે. તાત્કાલિક આવો. મારા પલંગ નીચે છે. મારાથી નીચે નહિ ઉતરાય. લોકો બારી તોડીને ઘરમાં આવ્યા અને પછી ખબર પડીકે એ તો અળસિયું હતું. વ્યક્તિનો આત્મવિશ્વાસ તળીએ બેઠો હોય ત્યારે તેને અળસિયું પણ સાપ લાગે તેવું બને.

આ ઘરમાં બ્રહ્મમાં દાદરો હતો અને તેની આસપાસ બગીચો બનાવવામાં આવેલ હતો. વાયવ્ય નું દ્વાર હતું અને તેની ઉપર ત્રાંસી બાલ્કની હતી. વળી જમીનમાં પાણીની ટાંકી પણ આજ દિશામાં હતી. અન્ય એક જગ્યાએ બ્રહ્મમાં ખાડો હતો અને વાયવ્યમાં ભોયરું હતું. આઘરમાં કોઈએ લગ્ન જ નહતા કર્યા. કારણ એ હતું કે બધાને એવો ડર હતોકે લગ્ન કરીને આવનાર વ્યક્તિ તેમના ઘર પર કબજો કરી અને તેમને બહાર મોકલી દેશે. જયારે પણ લગ્ન માટે કોઈની સાથે વાત થતી ત્યારે તેઓ ગભરાઈ જતા. યા તો મળવાનું ટાળતા યા એવી વાતો કરતા કે સામે વાળાને વિચિત્ર લાગે. એવું કહે છે કે ભય વિના પ્રીતિ ન હોય. પણ અહીતો પ્રીતિ માટેનો જ ભય હતો.

વાયવ્ય ની ઉર્જા સારી હોય તો વાયુ તત્વની હકારાત્મક ઉર્જા મળે છે. પણ માત્ર વાયવ્ય પર વાયુ તત્વનું આધિપત્ય નથી. તે બાજુની દિશાઓ પર આંશિક પ્રભાવ આપે છે તે સમજવું જરૂરી છે. તેથીજ વાયવ્ય અને ઉત્તર બંને નો દોષ હોય તો પુરુષનો આત્મ વિશ્વાસ ઘટે છે તે તેની શારીરિક બાબતોને પણ અસર કરી શકે. ક્યારેક જો અન્ય દિશાઓની અમુક નકારાત્મકતા હોય તો નપુશકતા જેવીસ્થિતિ પણ ઉદ્ભવે.વાયું તત્વની નકારાત્મકતા નારીને અસંતોષ પણ આપી શકે. તેથીઆ દિશાઓને સમજવી ખુબજ જરૂરી છે. પશ્ચિમ માં પશ્ચિમ મુખી પૂજા વધારે પડતા વિચારો આપે છે. જેના લીધે વ્યક્તિને ઈશ્વર પ્રત્યે આસ્થા ઓછી થાય છે. વાયવ્યમાં આ પ્રકારની પૂજા હોય તો હજુ પણ વિપરીત સ્થિતિ વિચારી શકાય. જો ઉત્તર અને વાયવ્ય બંને સકારાત્મક ઉર્જા ધરાવતા હોય તો વ્યક્તિ વિચારશીલ, આત્મવિશ્વાસ થી ભરપુર અને વિચક્ષણ બુદ્ધિ ધરાવનાર બની શકે. તેની હકારાત્મકતા અન્યને પણ લાભ કરી શકે છે. તેથીજ આ તત્વની લહેરખીઓ વાવાજોડું ન બને તેનું ધ્યાન રાખવું ખુબા જ જરૂરી છે.