ચપળ નેત્રો, પ્રેમાળ વાતો, માનવતાથી ભરપુર અને સંગીતપ્રેમી સ્વભાવવાળા જાતકો મીન રાશિના હોઈ શકે. મીન રાશિ જળતત્વની અને દ્વિસ્વભાવ રાશિ છે, જળતત્વ હોઈ તેમાં સંવેદના, લાગણી અને અનુભવનો સમન્વય છે. પરંપરાગત જ્યોતિષમાં આ રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે, જયારે પશ્ચિમના વિદ્વાનોએ મીન રાશિની આધિપત્ય નેપ્ચુન ગ્રહને આપ્યું છે. મીન રાશિ કાળચક્રમાં છેલ્લે આવતી બારમી રાશિ છે, તેમાં માનવીય ગુણો અને વિકાસ ભરપુર છે.તેઓ દ્વિસ્વભાવ ગુણને લીધે એકસારા હમદર્દ મિત્ર છે. આ રાશિના જાતકો પોતાના પહેલાં પોતાના સ્વજનો, મિત્રો અને સમાજને મુકે છે, તેઓ આનંદની ક્ષણો એકલાં નહીં, પણ અન્ય સ્વજનો સાથે જ માણવાનું યથાર્થ માને છે. મીન રાશિના જાતકોને પોતાની માન્યતાઓ વિષે કઠોરતા નથી હોતી પણ સાચી સમજ જરૂર હોય છે. ઘણાં તેમને માત્ર લાગણીશીલ માને છે, પરંતુ તેઓ સમજદાર લાગણીશીલ છે. તેઓ જીવનને આનંદપૂર્વક માણે છે, કોઈ તકલીફ, ચિંતા તળે દબાવું તેમને પસંદ નથી. તેઓ પોતાની કલ્પના મુજબ જીવનને જીવી શકે છે. અઘરાં લાગતાં લક્ષ્યો સાથે પણ કેવી રીતે કામ કરી શકાય તે મીન રાશિના જાતકો સારી રીતે જાણે છે, અન્ય રાશિના જાતકો તરત કોઈ પ્રતિભાવ આપી દેશે, પરંતુ આને મીનરાશિની ખાસિયત જ કહેવાય કે આ રાશિના જાતકો ક્યારેય ઉતાવળિયા થઈને પગલું નથી ભરતાં.
મીન રાશિના જાતકોને આર્થિક બાબતે ઉન્નતિ લગભગ ૨૮માં વર્ષની આસપાસ થતી હોય છે. તેઓ કાયદાકીય સલાહકાર, ન્યાયાધીશ, સેવાભાવી સંસ્થાના વડા, પ્રોફેસર અને ડોક્ટર તરીકે ખૂબ નામના મેળવે છે. મીન રાશિના જાતકો અન્ય જાતકોનું મન અને મુસીબત તરત જ સમજી શકે છે, માટે માણસોનું જ્યાં સીધું કામ છે જેમ કે તબીબી શાખા, તેમાં મીન રાશિના જાતકો ખૂબ સફળ બને છે. આ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે, ગુરુ જ્ઞાનનો કારક છે માટે મીન રાશિના જાતકો શિક્ષણની સંસ્થાઓમાં પણ નામના મેળવે છે. મીન રાશિના જાતકોને ઘરેણાં, વાહન અને કીમતી ચીજોનો શોખ વિશેષ હોય છે. તેઓ મોંઘી વસ્તુઓને વાપરવાનો આગ્રહ રાખતા હોય છે. મીન રાશિના જાતકો લોખંડનું કામ, બિલ્ડર, કસરતના સાધનો અને પશુપાલનના વ્યવસાયમાં વિશેષ સફળતા મેળવી શકે છે. જ્યાં કલ્પના હોય તેવા વિષયોમાં પણ તેઓ સફળ થઇ શકે છે. દ્વિસ્વભાવ રાશિ હોવાને લીધે તેઓ ઘણીવાર અનિર્ણિત રહે અથવા પોતાના એક વ્યવસાયમાં સ્થિર ન રહે તેની સંભાવના પણ વધુ છે. મીન રાશિના જાતકોને ધર્મશાસ્ત્રોમાં પણ વધુ રસ પડે છે, તેઓ ધાર્મિક બાબતોના જાણકાર પણ બની શકે છે.‘એકથી વધુ’ અથવા ‘એક નહીં તો બીજું’ આ મીન રાશિના પરિપ્રેક્ષ્યમાં સાચું છે, તેઓ બહુ ઓછા કિસ્સામાં એક જ ઘર કે એક જ વાહનના માલિક બની શકે છે. તેઓ એકથી વધુ ઘરના માલિક બને છે તે મહદઅંશે સાચું પડે છે. મીન રાશિના જાતકો પોતાના માતાપિતા પાસેથી ઘણું શીખે છે, તેઓ મોટેભાગે પોતાના માતાપિતા પ્રમાણે અભ્યાસ પણ તેમને મળતો આવતો જ કરે છે. પિતા વકીલ હોય તો પુત્ર પણ વકીલાતનું ભણે તેવું બનતું હોય છે. ઘરનું સુખ તેઓ ૩૨માં વર્ષની આસપાસ નિશ્ચિત મેળવતા હોય છે.
મીન રાશિના જાતકોને ચંદ્ર વિદ્યાસ્થાનનો માલિક ગ્રહ બને છે. તેઓ અભ્યાસમાં એકથી વધુ વાર ફેરબદલ અનુભવે છે. તેમની પસંદના વિષયો નિશ્ચિત નથી થઇ શકતાં. તેઓ અભ્યાસમાં એકથી વધુ વિષયોમાં નિષ્ણાત થઇ શકે છે. મીન રાશિના જાતકો જ્ઞાનના ચાહક હોય છે તેઓ અભ્યાસમાં શરૂઆતથી જ સફળ હોય છે. જો તેઓ નાનપણમાં અભ્યાસમાં અવ્વલ હોય તો તેઓ સતત કોલેજકાળ સુધી અવ્વલ જ રહે છે. તેઓને જ્ઞાનની તરસ હોય છે પરંતુ તે જ્ઞાન અભ્યાસ સિવાયના વિષયોનું પણ હોઈ શકે છે, જેમ કે નાટ્ય કળા કે ફોટોગ્રાફી વગેરે.
તેઓને રોગસ્થાનનો સ્વામી ગ્રહ સૂર્ય બને છે, હાડકા નિર્બળ થવાં, હ્રદયરોગ થવો, હ્રદયના અનિયંત્રિત ધબકારા, નેત્રમાંથી પાણી નીકળવું, દ્રષ્ટિ નિર્બળ થવી, રાત્રિ દરમ્યાન અંધાપો થવો, અસમાન્ય પિત્તદોષ, પિત્તને લીધે માઈગ્રેન થવું વગેરે તકલીફો સૂર્યની નિર્બળ સ્થિતિને લીધે મોટી ઉમરે થઇ શકે. મીન રાશિના જાતકો જલદી માંદા પડતા નથી, તેઓ બદલાતી પરિસ્થિતિ કે હવામાનમાં પોતાને જલદી ઢાળી દે છે માટે તેઓ માંદા પડે તો પણ વ્યથિત નથી રહેતાં. એક અભ્યાસ મુજબ મીન રાશિના જાતકોને જટામાંસી, આદુ વગેરે ઔષધિ ખૂબ કામ આવી શકે. લીમડો, મહુડો અને આંબાના વૃક્ષ બની શકે તો જીવન દરમિયાન વાવી શકાય, જે તેમને ફળદાયી રહે. અલબત આ બધો અભ્યાસ અને સૂચન જન્મકુંડળીને ધ્યાનમાં લઈને કરવામાં આવે તો વધુ કારગર નીવડે એ શક્ય છે.
મીન રાશિના જાતકોને લગ્ન મોડાં થાય છે તેવું અનુભવે જોવામાં આવ્યું છે. તેઓના જીવન દરમિયાન એકથી વધુ વાર પ્રેમ પ્રસંગ થાય તે પણ શક્ય છે. મીન રાશિના જાતકો પોતાની જીદને જલદી સમજી લે છે અને તેની જગ્યાએ સમજદાર નિર્ણય કરે છે. તેઓ પરિસ્થિતિને અનુરૂપ થઈને નિર્ણય લે છે. તેઓ આસપાસના વાતાવરણ અને પોતાની સંગતમાં આવતી વ્યક્તિઓથી પ્રભાવિત થાય છે, માટે તેઓ સ્વતંત્ર નિર્ણય લે અને તેમાં જીદ હોય તેવું જલદી બનતું નથી. લગ્ન બાબતે તેમનો નિર્ણય અચૂક રીતે સફળ રહે છે. તેઓ લગભગ ૨૬માં વર્ષ પછી પરણવાનો આગ્રહ રાખે છે. લગ્ન બાબતે પાત્ર જોવામાં તેઓ વધુ સમય લે અને જલદી નિર્ણય ના કરે તેવું બનતું હોય છે. તેઓની પસંદ બધી કસોટીઓનું મિશ્રણ કહી શકાય અને તેઓ જે નિર્ણય લે છે તેમાં ઘણીવાર પસંદગીના બધા માપદંડ આવી જ જતાં હોય છે. તેમનું લગ્નજીવન સુખી અને સફળ હોય છે.
- મીન રાશિના જાતકોને શુક્ર, બુધ અને સૂર્ય જલદી ફળતાં નથી.
- ચંદ્ર, મંગળ અને ગુરુ શુભ લાભ કરાવનાર શુકનિયાળ ગ્રહો સાબિત થાય છે.
- ચંદ્રનું મોતી તેમને ફળે છે.
- મંગળ આ રાશિના જાતકોને અવશ્ય સુંદર ફળ આપે છે.
- શુભ સ્થાનમાં રહેલો મંગળ ૨૮માં વર્ષે અચૂક લાભ આપે છે.
- મીન રાશિના જાતકોને મીન, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો સાથે સારો મનમેળ રહે છે.
- વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે તેઓ જલદી ભળી જાય છે.
- ધન, મિથુન અને મેષ રાશિના જાતકો સાથે તેઓનો સંબંધ કામ પૂરતો રહે છે, જરુરિયાત મુજબ તેઓ સંબંધ આગળ લઇ જઈ શકે પરંતુ સંબંધમાં જલદી નરમાશ આવતી નથી.
- સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે તેમને સંબંધ રાખવામાં વધુ પ્રયાસ કરવા પડી શકે.
- સિંહ અને તુલા રાશિના જાતકો સાથે તેઓ બેશક કઈ નવું જાણી શકે.