ચર સ્વભાવ અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ એટલે મકર રાશિ. મકર રાશિના જાતકો નિત્ય કર્મશીલ અને સતત પોતાના કાર્યને પાર પાડવા માટે લાગેલાં રહે છે. આ રાશિના જાતકોમાં કાર્યપદ્ધતિને સમજીને તેના આર્થિક અને નૈતિક મૂલ્યો પર ખરાં ઉતરવાની ક્ષમતા રહેલી છે. તેઓ હમેશાં મોટું અને ઊંચું વિચારે છે, અર્થાત તેમના કાર્યો પાછળ કારકિર્દીને ઉંચે લઇ જવાનો આશય મહત્વનો હોય છે. આ રાશિ કાલપુરુષની કુંડળીમાં દસમે હોઈ આ રાશિના જાતકો કાર્ય અને કારકિર્દીને ખૂબ વધુ મહત્વ આપે તે સહજ છે.
મકર રાશિનો માલિક ગ્રહ શનિ છે, શનિ પોતે કર્મફળ દાતા ગ્રહ છે, સત્ય અને ન્યાયને મહત્વ આપતો ગ્રહ છે, માટે આ રાશિના જાતકો મોટેભાગે કર્મને નસીબ સમકક્ષ કે નસીબથી વધારે મહત્વનું ગણતા હોય છે. તેઓ કર્મને વધુ મહત્વ આપવાની સાથે કર્મ કરતી વખતે ઊંડી જવાબદારીની લાગણી પણ ધરાવતા હોય છે. તેઓ નાની નાની બાબતોને પણ ઘણીવાર જવાબદારી સમજે છે અને તેને લઈને ખૂબ વધુ માનસિક પરિશ્રમ પણ કરે છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ રાશિના જાતકોના અભિગમમાં જવાબદારીની ભાવના ખૂબ વધુ જોવા મળે છે. મકર રાશિના જાતકોએ પોતાના યોગ્ય અનુગામીને પણ જવાબદારી આપવાથી તેમને પોતાને કાર્યોમાં ચોક્કસ નવી દિશા મળી શકશે. તેઓ ઘણીવાર સત્તાલક્ષી અને કઠોર બને છે જેના મૂળમાં પોતાના મહત્વના કાર્યનો ઉદ્દેશ જ સમાયેલો હોય છે, તો બીજી તરફ તેઓ ગંભીર અને મહેનતુ પણ છે તે તેમના જમા પાસાં છે.મકર રાશિના જાતકો માટે આર્થિક ઉન્નતિ ખૂબ મહત્વની હોય છે, તેઓ પરિવાર અને સંચિત ધન માટે ખૂબ પરિશ્રમ કરે છે. ધનભાવ પણ શનિની માલિકીમાં આવતો હોઈ, ધન અને કુટુંબ તેમની જવાબદારીના વિષય બની જાય છે. તેઓ આર્થિક બાબતોમાં સાહસ કે ખોટું પગલું ક્યારેય નથી લેતાં. પરિવાર માટે તેઓ હમેશાં વધુ મહેનત અને વ્યવહારુ અભિગમ રાખે છે.
દશાઓ જોઈએ તો, જીવનમાં શરૂઆતના તબક્કે સૂર્ય અને ચંદ્રની મહાદશાઓ જીવનનો શરુઆતી સંઘર્ષ દર્શાવે છે, જાતક પોતાને સાબિત કરવા અને પડકારજનક સ્થિતિમાં મહેનતથી બહાર આવવા સતત પ્રયત્ન કરે છે. મંગળની દશામાં જીવનના મહત્વના અનુભવો લે છે, મોટેભાગે આ અનુભવો અચાનક બદલાતી પરિસ્થિતિઓના જ હોય છે. રાહુની મહાદશામાં તેઓ જીવનમાં અનેક સંભાવનાઓ જુએ છે અને પછી આવતી ગુરુની દશામાં તેઓ પ્રગતિ નિશ્ચિત કરે છે. જીવન દરમિયાન કોઈ એક કાર્યમાં તેમનો અનુભવ ખૂબ કીમતી હોય છે, તેમ ચોક્કસ કહી શકાય.
ભાઈબહેન સાથે તેમનો સંબંધ હમેશાં સારો રહે છે, તેઓ પોતાના ભાઈબહેનને વધુ સુખી જુએ છે. ભાઈ કે બહેન માટે તેઓ હમેશાં મદદરૂપ બને છે. જરૂર પડ્યે દોડધામ કરવામાં પણ પાછીપાની નથી કરતાં. ભાઈ કે બહેન મોટેભાગે સુખી હોય છે, તેનું કારણ ભાત્રુ ભાવનો સ્વામી ગુરુ છે.
મકર રાશિના જાતકો ઓછી જરૂરિયાતને મહત્વ આપે છે, પરંતુ તેઓની પસંદ ઉંચી હોય છે. તેઓ પોતાની જરૂરિયાત મુજબ પરંતુ ઉત્તમ ગુણવત્તાની ચીજો જ વાપરે છે. મકાનના સ્થાનનો માલિક ગ્રહ મંગળ બને છે, મકર રાશિના જાતકોને પોતાનું રહેઠાણ અચાનક કે તરત આવી પડતા સંજોગોને લીધે બદલવું પડતું હોય છે. તેઓનો મકાન ખરીદીનો નિર્ણય અણધાર્યો કે તરત હોય છે. ૨૮માં વર્ષ પછી મકાનની પ્રાપ્તિ થાય છે અથવા રહેઠાણમાં પરિવર્તન આવે છે. માતા સાથે તેમનો સંબંધ સારો હોય છે, પરંતુ માતાનું સુખ મધ્યમ રહે છે, તેનું કારણ માતૃભાવનો સ્વામી મંગળ છે.
મકર રાશિના જાતકો અભ્યાસ ખૂબ ખંતપૂર્વક કરે છે. તેઓનો શરૂઆતનો અભ્યાસ સુંદર હોય છે, નાનપણમાં કળાવિષયક બાબતો તેમને ખૂબ આકર્ષે છે. તેઓ કળાના વિષયમાં ખૂબ ચીવટ અને ચોકસાઈથી કાર્ય કરે છે, તેમનો કળાનો અભિગમ પરંપરાગત અને સંસ્કૃતિની જાળવણી કરનારો હોય છે. ઉચ્ચ અભ્યાસમાં તેઓને અચૂક ફેરબદલ થાય છે, તેમના ગમતાં વિષયોથી તેઓ એકવાર દૂર જાય છે. ઉચ્ચ અભ્યાસમાં તકલીફોની સામે તેઓ મહેનતથી લાગેલાં રહે છે, તેમની મહેનત મુજબ જ જાણે તેમને પરિણામ મળતું હોય છે, તેવા તેમને ચોક્કસ અનુભવ થાય છે.
તેઓ જલદી બીમાર થતાં નથી તેનું કારણ તેમનો મહેનતી સ્વભાવ છે, રોગોની બાબતમાં તેઓ પોતાના અભિપ્રાયને વળગેલાં રહે છે, જલદી દવા કે દાકતર બદલાતા નથી. રોગસ્થાનનો માલિક ગ્રહ બુધ છે, મોટી ઉમરે વાક્ શક્તિ દુર્બળ થવી, ઉચ્ચારણ બરાબર ન થવું, મગજ અને ચેતાતંત્રને લગતા રોગ, વાયુના દર્દ અને યાદશક્તિ ગુમાવવી વગેરે તેમને તકલીફ આપી શકે છે. વિચારવાયુ થઈને અનિદ્રા થવી મોટી ઉમરે અચૂક રીતે વધુ અનુભવાતું હોય છે.
મકર રાશિના જતાકોનું લગ્નજીવન અંદાજે ૨૪માં વર્ષે શરુ થતું હોય છે. સપ્તમ ભાવનો માલિક ચંદ્ર છે અને તે મકર રાશિના સ્વામી શનિનો શત્રુ ગ્રહ છે. આ રાશિના જાતકો પોતાના જીવનસાથીની ખુશી માટે પોતાની ખુશીઓ પર બ્રેક પણ મારી શકે છે. અર્થાત આ રાશિના જાતકો પોતાના જીવનસાથી માટે નાનોમોટો ત્યાગ પણ કરી શકે છે. લગ્નજીવન શરૂઆતી તકલીફ અને મતમતાંતરમાંથી પસાર થાય છે, પરંતુ તેઓ આગળ ચાલતાં એકબીજાના પૂરક બને છે, મકર રાશિના જાતક પાસે જે નથી તે તેને તેનો જીવનસાથી આપી શકે છે. મકર રાશિના જાતકોએ લગ્નજીવન બાબતે નરમદિલ રહીને મનમેળ કરવો જોઈએ, જે તેમના લગ્નજીવનને ચોક્કસ સફળ બનાવશે.
મકર રાશિના જાતકો નોકરી કે વ્યવસાય બંનેમાં મહેનતને પ્રાધાન્ય આપે છે જે તેમને અન્ય લોકોથી અલગ કરે છે. તેઓ કાર્યના ઉત્તમ પરિણામ માટે છેવટ સુધી મહેનત કરતાં હોય છે. નોકરીમાં તેઓ સમયપાલન અને ફરજને ખૂબ મહત્વ આપે છે. તેઓ પોતાને આપવામાં આવતા કાર્યને વિશેષ જવાબદારીપૂર્વક આગળ લઇ જાય છે. મકર રાશિના જાતકો નોકરી કે વ્યવસાયમાં એક જ હોદ્દા પર કાર્ય કરી શકતાં નથી, સતત પ્રગતિ કરવી અને કારકિર્દીમાં ઉંચાઈ પામવી એ તેમની માટે અનિવાર્ય હોય છે. જ્યાં પ્રગતિ અને સત્તા નથી તેવા કાર્યમાં તેઓ લાંબો સમય નથી રહી શકતાં. વ્યવસાયમાં તેઓ જલદી આગળ વધે છે, શુક્ર શુભ ગ્રહ માલિક હોઈ વ્યવસાયમાં તેઓની પ્રગતિ નક્કી હોય છે, તેઓ રૂઢિચુસ્ત અને કરકસરયુક્ત અભિગમ રાખે છે.
મકર રાશિના જાતકોને પોતાની રાશિ, કન્યા અને વૃષભ રાશિના જાતકો સાથે વિનાવિઘ્ને મનમેળ થાય છે. મીન, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો સાથે તેમનો સંબંધ એકબીજાને પોષક હોય છે. મેષ, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે તેમનો સંબંધ મધ્યમ ફળદાયી હોય છે. જયારે ધન, મિથુન અને મીન રાશિના જાતકો સાથે તેમનો વ્યવહાર લાંબો સમય સુધી ચાલતો નથી, અર્થાત આ રાશિઓ સાથે તેમને સંબંધ જાળવવામાં વધુ પ્રયત્ન કરવા પડે છે. મકર રાશિના જાતકો માટે શુક્ર શુભગ્રહ છે. ચંદ્ર અને સૂર્ય તેમને જલદી ફળતાં નથી.