કન્યાઃ માનવીય અભિગમ, વ્યવહાર કુશળતા ધરાવતી ઉત્તમ રાશિ

ન્યા રાશિએ પૃથ્વી તત્વ અને દ્વિસ્વભાવ ગુણ ધરાવતી રાશિ છે. કન્યા રાશિનો માલિક ગ્રહ બુધ છે. આ રાશિના જાતકોમાં માનવીય અભિગમ ભરપુર જોવા મળે છે. બીજા અર્થમાં આ રાશિના જાતકો માનવતાને સંપૂર્ણ રીતે સમજે છે. તેઓના દરેક કાર્યમાં અને જીવન વ્યવહારમાં માનવતાની મહેક જોવા મળે છે. આ રાશિનો માલિક ગ્રહ બુધ હોઈ, આ રાશિમાં ગણિત, આંકડા, માહિતી અને પદ્ધતિને સમજવાની અદભુત કાબેલિયત જોવા મળે છે. તેમનું ગણિત અને ઘણીવાર વ્યાકરણ પણ ઉત્તમ હોય છે. ભાષાકીય બાબતોમાં પણ તેઓ અવ્વલ હોય છે. સ્વચ્છતા, વ્યવસ્થાપન, સમયપાલન અને સુંદર કાર્યપદ્ધતિએ તેમની ઓળખ હોય છે. તેઓ પોતાની પાસે ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરતા હોય છે જે ઘણીવાર અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બને છે.કન્યા રાશિના જાતકોમાં પોતાના પરિવાર અને કુટુંબ માટે ખુબ વધુ લાગણી જોવા મળે છે, રજાના સમયમાં તેઓ પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવાનું ખુબ પસંદ કરે છે. ધનભાવનો માલિક શુક્ર હોઈ, તેઓને અંદાજીત ૨૫માં વર્ષથી આર્થિક આવક મળવાનું નિશ્ચિત થતું હોય છે. અભ્યાસ પછી થોડો સમય તેમને વિરામનો સમય હોય છે, તેઓ પ્રથમ નોકરી કે વ્યવસાયને ટૂંક સમયમાં અનુભવ લઈને બદલવાનું પસંદ કરે છે. મોટેભાગે તેઓ કારકિર્દીમાં એકથી વધુ વિકલ્પ રાખતા જોવા મળે છે.

કન્યા રાશિના જાતકો માટે તૃતિયભાવનો સ્વામી મંગળ ગ્રહ છે, મંગળએ બુધ ગ્રહનો શત્રુ ગ્રહ હોઈ, આ રાશિના જાતકોને ભાઈ-બહેન સાથે સંબંધ સાચવવામાં ઉતાર ચઢાવ ભોગવવા પડે છે. મોટે ભાગે તેઓ પોતાના ભાઈ-બહેન સાથેના સંબંધોમાં પોતે મદદરૂપ થવા ચોક્કસ કોશિશ કરતા હોય છે, તેઓ આ બાબતે જરા પણ પાછીપાની નથી કરતા. પરંતુ સમય જતા તેમનો મદદરૂપ સ્વભાવ તેમને તકલીફ પણ આપે છે, જ્યોતિષીઓના મતે આ રાશિના જાતકોએ પહેલા પોતાનું કાર્ય કરી બાદમાં જ બીજાને મદદ કરવા આગળ વધવું જોઈએ. વધુ પડતો નરમ સ્વભાવ તમારા પ્રત્યે લોકોની અપેક્ષાઓ ખુબ વધારી મુકશે. કન્યા રાશિના જાતકોને નાના-મોટા ઓજાર કે વાહનોથી અવાર-નવાર તકલીફ આવતી જોવા મળે છે. તેઓએ બને ત્યાં સુધી મોટા સાહસ કે વાહનથી અંતર રાખવું સલાહભર્યું રહેશે.

કન્યા રાશિના જાતકોને નાની ઉમરમાં મોટા મકાનનું સુખ પ્રાપ્ત થાય તેની ભરપુર સંભાવનાઓ રહેલી છે. તેઓ મોટેભાગે વારસાઈ મિલકતથી પ્રાપ્ત થતા મકાનમાં પ્રારંભિક જીવન જીવે છે. માતા સાથે તેમને સંબંધ સારા રહે છે, માતા અચૂક રીતે એક શિક્ષકની ગરજ સારે છે. તેઓ માતા પાસેથી ઘણું વ્યવહારિક જ્ઞાન મેળવે છે, જે મધ્ય ઉમરે અચૂક રીતે તેમને ખુબ મદદરૂપ નીવડે છે. કન્યા રાશિના જાતકોને તબિયત અને આરોગ્ય વિષે ખુબ સતર્કતા હોય છે, તેઓ પોતાના આરોગ્ય બાબતે હમેશા વધુ ચિંતિત રહ્યા કરે છે. શનિએ રોગસ્થાનનો માલિક હોઈ, વાયુ પ્રકૃતિ, શરીરમાં થતા સોજા અને સ્નાયુ-હાડકાના દર્દ, વા કે પગના સાંધાના દર્દો વગેરેથી વધુ સંભાળ લેવી જોઈએ. વાયુ પ્રકોપથી થતા રોગ અને મુખ્યત્વે પગ નબળા થઇ જવા એ આ રાશિના જાતકો માટે તકલીફદાયી રહે છે. હલકું અને સુપાચ્ય ભોજન તેઓને પ્રિય હોય છે.

બુધગ્રહ શાસિત રાશિના ગુણ હોવાને લીધે આ રાશિના જાતકો દરેક કાર્યમાં સંપૂર્ણતા, નિપૂર્ણતા અને ચોકસાઈનો ખુબ આગ્રહ રાખે છે. ગણતરીપૂર્વકના જીવન વ્યવહારના લીધે ઘણીવાર તેઓ પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં તકલીફ અનુભવે છે, તેઓ પોતાના કાર્યમાં સલાહ-સુચન પણ પસંદ નથી કરતા આ તેમની મર્યાદાઓ કહી શકાય. તેઓએ પોતાનો પ્રેમ અને પોતે કરેલા કાર્યને હમેશા વ્યક્ત કરવું જોઈએ તેમ કરવાથી આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ જરૂરથી વધશે. તેઓ શરમાળ, હોશિયાર અને મદદગાર સ્વભાવના માલિક છે, તેઓ કોઈ ચીજ પર જલ્દી હક જમાવતા નથી. તેઓ અન્યને સાંભળવામાં અને મદદરૂપ થવામાં ભલાઈ સમજે છે.

શરૂઆતમાં મધ્યમ અભ્યાસ ધરાવતા કન્યા રાશિના જાતકોનો ઉચ્ચ અભ્યાસ ઉત્તમ રહે છે. તેઓના બુદ્ધિઆંકને લોકો જલ્દી ઓળખી નથી શકતા પરંતુ જો તેઓને તક આપવામાં આવે તો તેઓ નિશ્ચિત રીતે ઉત્તમ વ્યવસ્થાપક અને હોશિયાર સાબિત થાય છે તે પણ સત્ય છે. ભાષાકીય બાબતો, ગણિતના કોયડા અને માહિતીનું વિશ્લેષણ તેઓના રસના વિષયો હોય છે.

તેઓનું લગ્નજીવન ઉત્તમ હોય છે, તેઓ જીવનસાથી માટે હમેશા મદદરૂપ અને પ્રેમાળ અભિગમ રાખે છે. તેઓ લગ્નજીવનમાં જીવનસાથી સાથે વધુ મક્કમતાથી કયારેય વર્તતા નથી, ઉલટાનું તેઓ ઓછી અપેક્ષાઓ અને નિસ્વાર્થ અભિગમ સાથે લગ્નજીવનને સુંદર બનાવે છે. આ રાશિના જાતકોને લગ્ન માટે પાત્રની પસંદગીમાં તકલીફ પડતા મેં જોઈ છે, તેનું કારણ તેમનો ચોકસાઈભર્યો સ્વભાવ છે. દ્વિસ્વભાવ ગુણની રાશિ હોઈ તેઓએ લગ્નજીવન બાબતે જલ્દીથી નિશ્ચિત નિર્ણય લેવો જોઈએ. અન્યથા પસંદગીની અનિશ્ચિતતા પ્રારંભિક લગ્નજીવનમાં તેમને તકલીફ આપી શકે તે પણ શક્ય છે.

કન્યારાશિના જાતકોને ભાષાકીય બાબતો, વાણિજ્ય, વ્યવસાય વ્યવસ્થાપન વગેરે વિષયોમાં સફળતા મળે છે. કારકિર્દી દરમ્યાન તેઓ મોટો સમય નોકરિયાત જીવન તરફ ગાળવાનું પસંદ કરે છે. તેઓને કારકિર્દીમાં અનિશ્ચિતતા બિલકુલ પસંદ નથી પડતી, માટે તેઓ કારકિર્દીમાં ખુબ ધીરજપૂર્વક અને એકધારી ગતિએ આગળ વધે છે. ચોકસાઈ, ઝીણવટભરી દ્રષ્ટિ અને સંભાળ લેવાની કાબેલિયત તેમને તબીબી શાખામાં પણ સફળ બનાવે છે. તેઓ વાણિજ્ય-વ્યવસાયમાં હોય છે ત્યારે તેઓ એક કરતા વધુ વ્યવસાય કરવાની પણ કાબેલિયત ધરાવે છે.

શુભ ગ્રહો: બુધ (રાશિસ્વામી), શુક્ર

અશુભ ગ્રહો: મંગળ, સૂર્ય, બાકીના ગ્રહો મધ્યમ ફળદાયી

રાશિરત્ન: પન્ના

  • કન્યા રાશિના જાતકોને વૃષભ, મકર અને પોતાની રાશિના જાતકો સાથે જલ્દી મનમેળ થાય છે.
  • વૃશ્ચિક, કર્ક અને મીન રાશિના જાતકો સાથે તેઓનો સંબંધ એકબીજાને પોષક હોય છે.
  • વૃશ્ચિક, કર્ક અને મીન રાશિના જાતકો સાથે કન્યા રાશિના જાતકોને સુંદર તાલમેલ રહે છે.
  • તુલા, મિથુન રાશિના જાતકો સાથે તેમનો સંબંધ વધુ આદાન-પ્રદાન કરી શકતો નથી, તેઓ તુલા, મિથુન અને ધન રાશિના જાતકો સાથે મધ્યમ વ્યવહાર કરે છે.
  • સિંહ, મેષ અને કુંભ રાશિઓ સાથે તેમનો સંબંધ લાંબો સમય ટકવામાં મુશ્કેલી અનુભવે છે. કયારેક સંબંધ લાંબો ચાલે તો પણ તેઓ વ્યવહારમાં નાનો-મોટો અવરોધ અચૂક અનુભવે છે.
  • આ રાશિના જાતકોએ સિંહ, મેષ અને કુંભ રાશિઓ સાથે મનમેળ કરીને ચાલવું તથા નવું જ્ઞાન મેળવવા વાતચીત અને માહિતીનું આદાન-પ્રદાન ચોક્કસ કરવું.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]