તમારાથી કેટલા લોકો ડરે છે? શું તમને ગમે કે તમારાથી ડરીને લોકો તમને સન્માન આપે? જો આ સવલોના જવાબો હા માં હોય તો તમારે આત્મ વિશ્લેષણની જરૂર છે. કોઈ પ્રેમ થી મળે અને કોઈ ડર થી મળે એમાં ઘણો ફર્ક હોય છે. પરાણે પ્રેમ ન થાય. કોઈને ડરાવીને પામવું તે નકારાત્મકતાની હદ છે. વળી પ્રેમમાં જયારે ભારોભાર અપેક્ષાઓ જાગે ત્યારે માત્ર સ્વાર્થ જ જાગૃત રહે છે. સામે વાળી વ્યક્તિનો વિચાર આવતો જ નથી. આ લાગણીમાં ક્યાંક પ્રેમ ખૂટે છે. જો માત્ર પોતાની જ લાગણીનો વિચાર આવતો હોય તો પ્રેમ ન જ કરાય. કારણકે એમાં પરિણામો દુખદ હોય. પ્રેમ એ આત્માની અનુભૂતિ છે, અપેક્ષાઓની નહિ.
મિત્રો આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે આપેલા મેઈલ આઈડી પર પર પૂછી શકો છો.
સવાલ: મેં એક ફેસબુક પેજ જોઈન કર્યું છે. વાસ્તુ અને જ્યોતિષને લગતું છે. લગભગ એક લાખ લોકો એમાં છે. પણ અંધશ્રદ્ધા અને નેગેટીવ વાતો એમાં વધારે હોય છે. જેમકે દરેક રાશિ પ્રમાણે જ્યોતિર્લિંગની પૂજા બદલાય. કાગડાને રોટલી નાખવી જોઈએ. વિગેરે જેવી અસંખ્ય વાતો એમાં જોવા મળે છે. શું આવા ગ્રુપ પર પ્રતિબંધ ન લાવી શકાય?
જવાબ: ઇન્ફોર્મેશન એટલે માહિતી. આ યુગ જ માહિતીનો છે. વળી કોઈ એવા કાયદા નથી જે આ વાતને રોકી શકે. આપણા દેશની એક દુખદ વાત એ દેખાઈ રહી છે કે બધાજ મફત શોધવા દોડી રહ્યા છે. અથવાતો સહેલાઈથી પૈસા કમાવા છે. આ બંને બાબતો સંસ્કૃતિના વિકાસ માટે બાધક છે. જે પ્રજામાં આત્મવિશ્વાસ જ નથી એ શું કરશે? શું સરકારી નોકરી ન મળે તો ભૂખે મારે જવાનું? જો બધા જ સરકારી નોકરી કરશે તો અન્ય કામો કોણ કરશે? દેશની અર્થ વ્યવસ્થાનું શું? રસ્તા પર દૂધ ઢોળી નાખવાનું, પાક બાળી નાખવાનો આ વૃતિ જાગી છે એટલે મફતમાં જે મળે તે લેવાનું મન થવાનું. કહે છે કે ગમે તેટલી ભૂખ લાગી હોય પણ ઝેર તો ન જ ખવાય. બસ માહિતીની થાળી પીરસાઈ રહી છે. એમાંથી શું અને કેટલું લેવું એની સભાનતા જે તે વ્યક્તિએ કેળવવી પડશે.
આ બંને શાસ્ત્રો જીવનના સુખ દુખ સાથે જોડાયેલા છે. એક જ ખોટી માહિતી ઘણું નુકશાન કરી શકે છે. શું આવી માહિતી સાવ મફતમાં ક્યાંય થી મળે? લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન જ મરે. પ્રતિબંધ તમે પોતે જ લગાવો. તમે એ ગ્રુપ છોડી દો. એક લાખ અલગ અલગ મત વાંચવાનો આપની પાસે સમય છે ખરો? કાગડાને રોટલી નાંખવાની વાત પણ શાસ્ત્રોક્ત નથી અને દરેક જ્યોતિર્લિગ દરેક વ્યક્તિએ પૂજાય. આવી પોકળ વાતો સાંભળી- વાંચીને મગજ ખરાબ ન જ કરાય.
સવાલ: તમારા વિચારો, પ્રભાવશાળી દેખાવ અને આધ્યાત્મિક અવાજ એ દર્શાવે છે કે તમે કોઈ સંત છો. તમે આશ્રમ કેમ નથી ખોલી દેતા? કેટલા બધા અનુયાઇઓને એનો લાભ મળે?
જવાબ: દેખાવ, અવાજ અને જ્ઞાન એ બધુજ ઈશ્વરની દેન છે. મારા લેખથી હું મારા વિચારો લોકો સુધી પહોંચાડું છું. શું આશ્રમ ખોલીએ તો જ વિચારોની આપલે થાય? શું અનુયાઇઓ હોય તો જ લોકો સુધી વિચારો પહોંચાડાય? મારો ધર્મ છે કે મારું જ્ઞાન લોકો સુધી પહોંચાડવું. એ હું સફળતાપૂર્વક કરી રહ્યો છું. જે વ્યક્તિ સુધી એ પહોંચવાનું હશે, મારા ઈશ્વર એ પહોંચાડશે જ. આશ્રમ ખોલીને એને સંચાવવાની જવાબદારીમાં હું મારું કર્તવ્ય વિસરી જાઉં એ પણ બને. કદાચ થોડો અહમ પણ આવે. એ મારું કામ નથી. આપની લાગણી માટે ખુબ આભાર. વળી ઈશ્વરની ઈચ્છા હશે તે થશે.
સુચન: કોઈને ભયથી ન જીતાય. પ્રેમથી જ જીતાય. એના માટે શિવ પૂજા મદદરૂપ થાય છે.
(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com )