એક જગ્યાએ અમુક ઉંદરને પૂરી દેવામાં આવ્યા. જે ભૂલભુલૈયા જેવી જગ્યા છે. એમાં અમુક જગ્યાએ બધાના માટે ચીઝ રાખવામાં આવી છે. જે તાકાત વાળા ઉંદર છે એ પોતાની ચીઝ તો ખાઈ જાય છે પણ દોડાદોડી કરીને અન્યની ચીઝ પણ હડપી જાય છે. જે થોડા નબળા ઉંદર છે એ ભૂખે મરી જાય છે. ખાવું અને બગાડવું એ ઉંદરની પ્રકૃતિ છે. પણ આ વાર્તામાં ઉંદરની જગ્યાએ માણસોને વિચારીએ તો? તો કદાચ માનવતા શબ્દ વિસરીને વિચારવું પડે. એનું કારણ છે કે માણસ એ સમજી શકે છે કે એ ગમે તેટલું ભેગું કરશે અંતે તો કશું જ ભેગું આવવાનું નથી. જો કે ઉંદર જેવું વિચારવાનો શોખ હોય તો જીવન પણ ઉંદર જેવું જ મળે. અને કદાચ મૃત્યુ પણ.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: શું છેતરવાનું વારસાગત હોય? મારા બાપુજી આખી જિંદગી ખુબ કમાયા. એક દિવસ મારા ફોઈએ એમનું ઈન્વેસ્ટમેન્ટ જોઈ લીધું. એમણે બધા ભાઈ બહેને ભેગા થઇ અને એ બધું વેંચાવી અને લઇ લીધું. એ લોકો સતત દુ:ખી દેખાવા પ્રયત્ન કરતા. મેં મારી મહેનતથી થોડું ઘણું ભેગું કર્યું. મારા ભાઈઓ તો કોઈ જવાબદારી લીધા વિના વરસોથી અલગ રહેવા જતા રહ્યા. એક દિવસ મારા મમ્મીને ખુબ રડવું આવતું હતું કે આપણે ફરી જૂની સ્થિતિમાં ન જતા રહીએ. એટલે મેં એમને મારા પ્લાન્સ કહ્યા. એમણે મારા ભાઈઓને એ વાત કરી દીધી.
મારો એક ભાઈ જે દર વરસે એક એક ખંડમાં મહિનો ફરવા જાય એટલી સગવડ છે. એણે મને કહ્યું કે એના દીકરાની ફી ભરવા માટે એને પૈસા જોઈએ છે. મારા બાકીના ભાઈઓએ સુર પુરાવ્યો કે એને મદદ કરવી જોઈએ. મેં મારા રોકાણ માંથી એને મદદ કરી. બીજો ભાઈ જે ખુબ સારા પગારની નોકરી કરે છે અને ૧૪ કરોડના મકાનમાં રહે છે. એણે દેવું થઇ ગયાની રજૂઆત કરી અને મારી પાસેથી મદદ લીધી. આવું કરીને એ બધા ભાઈઓ પાછળ હું ખુવાર થઇ ગયો. મેં જયારે પૈસા પાછા માંગ્યા ત્યારે એકે કહ્યું કે મને યાદ નથી. બીજાએ કહ્યું કે આ તો મમ્મીએ કહ્યું બાકી તું છાનોમાનો શું કરે છે એ અમને ખબર પણ ન પડત. ત્રીજાએ કહ્યું કે તું તો મમ્મીના ઘરમાં રહે છે. અને મને ઘર ખાલી કરાવ્યું. ખરેખર એ ઘર મેં બનાવ્યું હતું. મારા પપ્પાને પણ એના જ ભાઈ બહેનોએ છેતર્યા અને મને પણ. આવું થવાનું કારણ શું?
જવાબ: સામાન્ય રીતે વિચારીએ તો તમે અને તમારા પપ્પાએ આંધળો વિશ્વાસ કર્યો. લાગણીશીલ હોવું અને લાગણી પ્રધાન હોવું એ બંનેમાં ફર્ક છે. તમારા મમ્મીએ તમારી અંગત વાત કરી એ ભૂલ કહેવાય. પણ તમે એ બધા લોકો વિષે જાણતા હતા. આવા પ્રોફાઈલ વાળા લોકોને આર્થિક જરૂર હોય ? તમે વિશ્વાસ કર્યો એ સારું છે. પણ દરેક વ્યક્તિ વિશ્વાસને લાયક નથી હોતી. જે ભાઈઓએ તમારા ખરાબ સમયમાં મદદ નહોતી કરી એમને માટે તમારી બધી જ મૂડી ખર્ચી નાખવામાં તમે સંત આત્મા છો એ સાબિત કરી દીધું. કર્મના સિદ્ધાંત પ્રમાણે તમને કુદરત કોઈને કોઈ મદદ કરશે જ. આ ઉપરાંત શિવલિંગ પર પાણી, દૂધ પંચામૃત, ચોખા, સરસવ, પાણીથી અભિષેક કરો.
સુચન: વધારે પડતા વિચાર આવતા હોય તો મહામૃત્યુંન્જય મંત્ર જાપ યોગ્ય ઉચ્ચારણ સાથે કરવાથી ફાયદો થાય છે.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)