શું ઇતિહાસમાં નામ આવે એના માટે જીવન ખર્ચી નંખાય? ઈતિહાસ તો ઇતિહાસકારોના હાથમાં હોય છે. વિશ્વભરમાં કેટલાય નામ ઇતિહાસમાં ખોવાઈ ગયા હશે. જયારે કોઈએ મહંમદ ઘોરીનો વધ કર્યો હશે ત્યારે એને અપેક્ષા હશે કે ઈતિહાસ એની નોંધ લેશે. પણ એ નોંધ ન લેવાઈ હોય તો એ વ્યક્તિ શું કરી શકે? નાયીકાદેવી જેવું પાત્ર અંધારામાં હોય અને ચૌલાદેવી એ જ નાયીકાદેવી એવું મન મનાવીને લોકો વાતને ફેરવવા લાગે ત્યારે સમજાય છે કે ઈતિહાસ વિષે જેટલી વાતો થાય છે એટલો ઈતિહાસ સમજાયો નથી. જો ઇતિહાસના માર્ક અગિયારમાં ધોરણના એડમિશનમાં ગણાવાના જ ન હોય તો એમાં મહેનત થોડી કરાય? આવો અભિગમ પણ ક્યારેક દેખાય. પણ તેનાથી જે તે વ્યક્તિનું કાર્ય બદલાતું નથી. એ કદાચ જે તે સમયની જરૂરીયાત હતી. બસ એ કાર્ય કરવું જરૂરી છે. પણ લોક ચાહના માટે પોતાને ન ગમતું કામ તો ન જ કર્યા કરાય. વળી ઇતિહાસકાર બદલાય એની સાથે ઈતિહાસ પણ બદલાઈ શકે. તો પછી એના માટે મહેનત થોડી કરાય? હા, સકારાત્મક જીવન ખુબ જ જરૂરી છે. અને એના માટે વાસ્તુના નિયમો મદદરૂપ થાય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ પણ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.
સવાલ: હું એક ડોક્ટર છું. મારા પતિ પણ ડોક્ટર છે. આમ જોવા જઈએ તો અમને ઘણા લાભ મળે. એમાંથી એક લાભ એટલે ઓછા માર્ક હોવા છતાં ડોક્ટર બનવા મળ્યું. અમે એક જગ્યાએ પ્લોટ ખરીદીને બાંધકામ કર્યું. એની પાછળના પ્લોટમાં એક પરિવાર રહેતો હતો. એ મારા પતિના શિક્ષક હતા. બહુ કડક સ્વભાવ. એ ગુજરી ગયા ત્યારે પણ અમે મળવા નહોતા ગયા. અમે એમના પરિવારને અમારી ઓળખણો લગાડીને ઘર ખાલી કરાવ્યું. નાના ગામમાં ડોક્ટરને બધા ઓળખે. વળી મારા પતિ વાતોમાં એક્ષ્પર્ટ. એટલે મોટા નામો આપીને બધાને ઈમ્પ્રેસ કરી લે. અમે એ લોકોના કમ્પાઉન્ડ વિગેરે વાપરતા હતા અને અચાનક એ લોકો પાછા આવી ગયા. અમે અમારી વગ વાપરીને ફરીથી ઘર ખાલી કરાવ્યું. ખબર નહિ કેમ એવું લાગે છે કે એ ઘરમાં ભૂત થાય છે. રાત્રે ઊંઘ નથી આવતી. તો શું ભૂત હોય ખરું? વળી ડોક્ટર તરીકે કોઈને કહીએ તો સારું પણ ન લાગે. ક્યારેક એવું પણ લાગે છે કે મારા પતિને હવે હું નથી ગમતી. ખબર નહિ કેમ ચિંતાઓ વધતી જાય છે. ઉપાય બતાવો.
જવાબ: જે વ્યક્તિ પોતાની જાતને નથી ચાહી સકતી એને જ અન્યથી તકલીફો થાય છે. જુના જમાનામાં શિક્ષકો કડક વલણ વાળા હતા કારણકે એ પોતાના વિદ્યાર્થીઓને સફળ જોવા ઈચ્છતા હતા. તમે બંને એ ભેગા થઇ અને એમના પરિવારને ઘર ખાલી કરાવ્યું? અને એ પણ બબ્બે વાર? તમે તમારા પદનો દુરુપયોગ કર્યો. જે લોકોએ તમારું કશુજ નથી બગાડ્યું એમનું તમે નુકશાન કર્યું કારણકે એ લોકોની જગ્યા તમે મફતમાં વાપરવા માંગતા હતા? એમને ઘર ખાલી કરાવવા માટે તમે જે સંસ્થાનો દુરુપયોગ કર્યો એ સાચું હોય તો સાચે જ દુખદ છે. એ સંસ્થા ના સત્કાર્યો વિષે જ સાંભળ્યું છે. એટલે તમે કેટલી વિકૃત રીતે ખોટી રજૂઆત કરી હશે?
તમારા મનમાં ભૂત છે. તમારા કર્મો તમને રાત્રે સુવા નથી દેતા. અને તમારા પતિ જે પોતાના ગુરુને તકલીફ આપી શકતા હોય એની પાસેથી તમે શું અપેક્ષા રાખી શકો? જયારે અગ્નિના નકારાત્મક પદમાં મુખ્ય દ્વાર આવતું હોય ત્યારે વ્યક્તિનો સ્વભાવ આવો થઇ જાય છે. વળી તમારા ઘરમાં ઈશાનમાં અને ઉત્તરમાં જમીનથી ઉપર પાણી છે. ઉત્તરમાં ટોઇલેટ છે. જે શંકાશીલ સ્વભાવ આપે. સહુથી પહેલા તો તમારો સ્વભાવ અને અભિગમ બદલો. વડીલોને સન્માન આપો.
સુચન: કોઈનું ઝુંટવી લેવાની ભાવનાથી પણ નકારાત્મકતા આવે છે. કર્મના સિદ્ધાંત સામે કોઈ ઓળખાણ કામ કરતી નથી.
(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com)