દિલ્હી: પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દલિત વિદ્યાર્થીઓ માટે ‘ડૉ.’ આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિ દ્વારા, આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા દલિત વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના બાળકો પણ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે.અરવિંદ કેજરીવાલે 21 ડિસેમ્બર 2024ના રોજ બાબા સાહેબના સન્માનમાં દિલ્હીના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે જો આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતશે, તો દિલ્હી સરકાર ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, જે દલિત વિદ્યાર્થીઓએ વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લીધો છે તેમના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના બાળકોને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે.
આ અવસર પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરે પણ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ (LSE)માં અભ્યાસ છોડવો પડ્યો હતો. કારણ કે તેમની પાસે પૈસા ન હતા. બાદમાં ફંડની વ્યવસ્થા કરીને તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેમણે કહ્યું, “આપ એ સુનિશ્ચિત કરશે કે દિલ્હીનો કોઈ પણ દલિત વિદ્યાર્થી પૈસાની અછતને કારણે પોતાનો અભ્યાસ અધૂરો ન છોડે. આ ડૉ. આંબેડકરને અમારું સન્માન અને સાચી શ્રદ્ધાંજલિ છે.”