નિજ્જર હત્યા કેસના આરોપીઓને કેનેડાની કોર્ટે જામીન આપ્યા

કેનેડા: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ચારેય આરોપીઓને કોર્ટે જામીન આપ્યા છે. હવે આ મામલે આગામી સુનાવણી 11મી ફેબ્રુઆરીએ થશે. જૂન 2023માં કેનેડાના સરેમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપસર ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) ભારત સરકારના એજન્ટ પર હત્યાનો આરોપ લગાવ્યા બાદ આ કેસે આંતરરાષ્ટ્રીય સ્તર પર ધ્યાન ખેંચ્યું. ભારત સરકારે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.18 નવેમ્બર 2024ના રોજ સુનાવણી દરમિયાન આ આરોપીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા. કોર્ટના રેકોર્ડ મુજબ, ચારેયનો સ્ટેટસ હાલમાં N લખાયેલો છે, જે દર્શાવે છે કે તેઓ હાલમાં કસ્ટડીમાં નથી. આનો અર્થ એ થયો કે તેમને હાલમાં અટકાયતમાં લેવામાં આવ્યા નથી અને કદાચ તેમને પસંદગીની શરતો હેઠળ જામીન આપવામાં આવ્યા છે.આ કેસમાં ચાર આરોપીઓ કરણ બ્રાર, કમલપ્રીત સિંહ, કરણપ્રીત સિંહ અને અમનદીપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે આ કેસની સુનાવણી 11 ફેબ્રુઆરીએ બ્રિટિશ કોલંબિયા સુપ્રીમ કોર્ટમાં થશે.

કોણ છે આ ત્રણ ભારતીયો?

નિજ્જરની હત્યાના આરોપીઓમાં 22 વર્ષીય કરણ બ્રાર, 22 વર્ષીય કમલપ્રીત સિંહ અને 28 વર્ષીય કરણપ્રીત સિંહનો સમાવેશ થાય છે. આ ત્રણેયના નામ શરૂઆતના K થી શરૂ થતા હોવાથી, તેમને K ગ્રુપ કહેવામાં આવી રહ્યા છે. તે બધા ભારતીય છે જે કેનેડાના એડમોન્ટનમાં રહેતા હતા. આ આરોપીઓ વર્ષ 2021માં કામચલાઉ વિઝા પર કેનેડા પહોંચ્યા હતા. તેમાંથી કેટલાક પાસે સ્ટુડન્ટ વિઝા હતા પણ કોઈએ કેનેડામાં અભ્યાસ કર્યો ન હતો. આ ત્રણેય સામે હત્યા અને ગુનાહિત કાવતરું રચવાનો કેસ નોંધવામાં આવ્યો છે.ગયા વર્ષે નિજ્જરની હત્યા થઈ હતી

જૂન 2023માં, કેનેડાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો હતો.