અમદાવાદ, વડોદરા, સુરત બાદ રાજકોટના દર્શકોને મંત્રમુગ્ધ કરતી ‘અભિવ્યક્તિ’
રાજકોટ: અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે. જે ઉભરતા કલાકારોના માધ્યમથી કલાના વિવિધ સ્વરૂપોને પ્રોત્સાહન આપવા અને તેને દર્શકો સમક્ષ રજૂ કરવાનો સુંદર પ્રયત્ન કરી રહ્યું છે. અમદાવાદમાં પાંચ આવૃત્તિ, વડોદરામાં બે અને સુરતમાં એક આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે અભિવ્યક્તિ આગામી 22 અને 23 માર્ચ, 2024 ના રોજ રાજકોટ શહેરમાં પોતાનું પ્રથમ પ્રદર્શન યોજાયું. રાજકોટમાં “અભિવ્યક્તિ”ના બેનર હેઠળ આ બે દિવસીય કલાઉત્સવનું આયોજન “કોર્ટયાર્ડ”, એસ.એન. કણસાગરા સ્કૂલ, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ક્વાર્ટર, પંચાયત નગરની સામે યોજાયું. જેમાં સંગીત, નૃત્ય અને નાટક સ્વરૂપે દર્શકોમાં આગવી છાપ ધરાવતા પ્રખ્યાત પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા. “અભિવ્યક્તિ”નો પ્રારંભ વર્ષ 2018માં અમદાવાદથી થયો હતો. અત્યાર સુધી UNM ફાઉન્ડેશનની પહેલ દ્વારા પુરા પાડવામાં આવેલ મંચ ઉપર દેશભરના 330થી વધુ કલાકારોએ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી છે અને અત્યાર સુધી દર વર્ષે “અભિવ્યક્તિ”ના મંચે નામના અને દર્શકોની પ્રશંસા મેળવી છે. અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે અભિવ્યક્તિની તમામ આવૃત્તિમાં કુલ 2.6 લાખથી વધુ દર્શકો અભિવ્યક્તિના પ્રદર્શનોનો આનંદ માણી ચુક્યા છે.પ્રથમ દિવસે એટલે કે 22મી માર્ચના રોજ પ્રદર્શનમાં ધારા રુઘાણી અને ઉન્નતિ અજમેરા દ્વારા “ધેર કમ્સ પાપા” શીર્ષક હેઠળ નૃત્ય પ્રદર્શન અને રુપિન શાહ દ્વારા “રંગ રંગ સુંદરી” નામનું નાટક રજબ કરવામાં આવ્યા.
બીજા દિવસે એટલે કે 23મી માર્ચના રોજ જીગ્નેશ સુરાણી દ્વારા નૃત્ય પ્રદર્શન “ગરવો ગિરનાર” અને રવિ-રાજન દ્વારા સંગીતમય પ્રસ્તુતિ “કબીર તત્વ” રજુ કરવામાં આવશે. તમામ પ્રસ્તુતિઓ માટે પ્રવેશ નિઃશુલ્ક છે. સંગીતમાં ભાર્ગવ પુરોહિત, નાટકમાં ચિરાગ મોદી, ડાન્સ ક્યુરેટર્સ જૈમિલ જોશી અને કથંકી રાવલ શેઠ અને સોનલ ભાર્ગવ સહિતના અગ્રણી આર્ટ ક્યુરેટર્સ દ્વારા આ પ્રસ્તુતિઓ ક્યુરેટ કરવામાં આવી છે. અભિવ્યક્તિની રાજકોટ આવૃત્તિના પ્રદર્શનને કલા મંડળના જાણીતા નામો દક્ષા શેઠ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્યા જોશી (નાટક) દ્વારા મેન્ટરીંગ (માર્ગદર્શન) આપવામાં આવ્યું છે.અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવું અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને નાટકથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે. કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા 7069104444/7069105555 નંબર ઉપર ફોન કરી શકે છે.