સુરતમાં યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવા અનોખી પહેલ
સુરત: શહેરમાં એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો. શ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી મારૂતિ ધૂન મંડળ યુવા ગૃપ તથા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા સરથાણા જકાતનાકાના રૂક્ષ્મણી ચોક ખાતે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા (સાળંગપુર ધામ)ના વક્તાપદે ‘શ્રી હનુમાનચાલીસા યુવા કથા’ યોજવામાં આવી છે. યુવાનોમાં રાષ્ટ્રભક્તિ તેમજ આધ્યાત્મિકતા ઉજાગર થાય અને યુવાનો વ્યસનો છોડી સાચા રસ્તે વળે એવા શુભ ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું છે. કથાના છઠ્ઠા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય શ્રમ, રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવીયાએ આયોજનમાં હાજરી આપી હતી.
શ્રી મારૂતિ ધૂન મંડળ યુવા ગ્રુપને તેમના આ પ્રકારના સેવાકાર્યો માટે અભિનંદન આપતા રાજ્યપાલએ કહ્યું કે, “આપણા વડીલો યુવાનોની આધુનિક જીવનશૈલી અને સ્વચ્છંદતાથી ચિંતિત છે, ત્યારે યુવાનોને સદાચારના માર્ગે વાળી તેમને પોતાની ફરજનું જ્ઞાન અને ભાન કરાવવાનો આ મહાયજ્ઞ સરાહનીય છે.”કેન્દ્રીય શ્રમ, રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, “યુવાનો સમાજ, રાજ્ય, રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવામાં યુવાનોની મહત્વની ભૂમિકા રહેવાની છે. યુવાધન ધર્મ, અધ્યાત્મ સાથે જોડાય છે ત્યારે સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાય છે. શ્રી હનુમાન ચાલીસા યુવા કથા યુવાનોને સદાચાર, નૈતિકતા, અને રાષ્ટ્રવાદ તરફ વાળવાનું માધ્યમ બની છે.”આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળના સંતવર્ય ધર્મવલ્લભ સ્વામી, રાકેશભાઈ દુધાત, અગ્રણી ઈશ્વર ધોળકિયા, મોટી સંખ્યામાં શ્રોતાજનો, હનુમાનભક્તો ઉપસ્થિત રહ્યા હતા.