અમદાવાદ: ઈસ્કોન હરે કૃષ્ણા મંદિર, ભાડજ દ્વારા આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે એક વિશેષ અને નવી પહેલ “સ્વાગતમ્ કૃષ્ણા ૨૦૨૬” શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ભગવાન શ્રી સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે. આ નિમિત્તે ૨૨ ઓગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇસ્કોન હરે કૃષ્ણા મુવમેન્ટના પ્રમુખ જગન્મોહન કૃષ્ણ દાસજીએ કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્યું હતું કે, ૨૩ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ભાડજ સ્થિત હરે કૃષ્ણા મંદિરમાં ‘ઝૂલન મહોત્સવ’ યોજાશે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, સાણંદ, વિરમગામ, કડી અને કલોલ જેવા સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ યોજાશે. વિરમગામ તાલુકાના ૧૦ જેટલા ગામોમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલા પ્રભુપાદના સંદેશાઓ અને ભગવદ્ ગીતાના જ્ઞાનને યુવાનો અને વડીલો સુધી પહોંચાડવાનો છે. ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વે ભાડજ મુખ્ય મંદિર અને ગાંધીનગર સેક્ટર-૧ ખાતે સવારના ૮:૦૦ થી રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી ભવ્ય ઉજવણી થશે. જેમાં દર્શન, કીર્તન, ભક્તિ સંગીત અને મહાઅભિષેક સહિતના વિશિષ્ટ કાર્યક્રમો યોજાશે.






