અમદાવાદ: શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલે (SG હાઇવે) તબીબી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી. ગુજરાતની પ્રથમ ‘ટેલી-રોબોટિક બેરિયાટ્રિક (મેટાબોલિક) સર્જરી’ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ટેક્નોલોજીકલ ક્રાંતિમાં ભૌગોલિક સીમાઓ ઓળંગીને ગુરુગ્રામથી 1000 કિલોમીટર દૂર અમદાવાદ સ્થિત દર્દી પર સર્જરી કરવામાં આવી હતી.
ઓપરેશન દરમિયાન મુખ્ય સર્જન ડૉ. પરાગ પટેલ (કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક, રોબોટિક અને બેરિયાટ્રિક સર્જન, શેલ્બી હોસ્પિટલ) ગુરુગ્રામ સ્થિત ‘SS ઇનોવેશન્સ સેન્ટર’ ખાતેથી રોબોટિક સિસ્ટમ કંટ્રોલ કરી રહ્યા હતા. અમદાવાદ સ્થિત શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ડૉ. સૌરભ દામાની (કન્સલ્ટન્ટ રોબોટિક એન્ડ લેપ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જન) અને ક્લિનિકલ ટીમ (ડૉ. મોહસિના સૈયદ, હાર્દિક મકવાણા, હાર્દિક આચાર્ય અને એનેસ્થેસિયા ટીમ) ઓન-સાઇટ ઉપસ્થિત રહીને દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી હતી. આ સમગ્ર સર્જરી ભારતમાં જ વિકસિત સ્વદેશી SSI Mantra 3 રોબોટિક સિસ્ટમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
બે જટિલ કેસોમાં મેળવી સફળતા:
-
પ્રથમ દર્દી: રાજકોટના ૪૨ વર્ષીય મહિલા દર્દી, જેમનું વજન ૧૦૭.૫ કિલો અને BMI ૪૩.૧ kg/m² હતું. તેઓ ક્લાસ-III ઓબ્સિટી (અતિશય મોટાપો) અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા (OSA)ની ગંભીર સમસ્યાથી પીડાતા હતા. તેમની ‘ટેલી-રોબોટિક ગેસ્ટ્રિક બાયપાસ’ સર્જરી કરવામાં આવી.
-
બીજા દર્દી: વડોદરાના ૫૩ વર્ષિય મહિલા દર્દી, જેઓ ૧૦૭.૨ કિલો વજન અને ૪૮.૩ kg/m² BMI સાથે ક્લાસ-III ઓબ્સિટી અને ગ્રેડ-II ફેટી લિવર ધરાવતા હતા. તેમની ‘ટેલી-રોબોટિક SASJ-SOS MGB’ સર્જરી કરવામાં આવી.
તબીબી લાભો
રોબોટિક બેરિયાટ્રિક સર્જરી સર્જનને HD 3D વિઝન અને ઉચ્ચ ચોકસાઈ પૂરી પાડે છે. આનાથી અતિશય મેદસ્વિતા ધરાવતા દર્દીઓનું ઓપરેશન વધુ સુરક્ષિત બને છે, દુખાવો ઘટે છે અને રિકવરી ઝડપી થાય છે.
ICMR-INDIAB (2023) અને NFHS-5/6ના ડેટા મુજબ, ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઓબ્સિટી, ટાઇપ-૨ ડાયાબિટીસ, ફેટી લિવર અને હૃદયરોગ જેવા મેટાબોલિક રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
ડૉ. પરાગ પટેલ એ જણાવ્યું હતું કે, “મેદસ્વિતા એ માત્ર વજન વધવું નથી પરંતુ ગંભીર મેટાબોલિક બીમારી છે. ટેલી-રોબોટિક સર્જરીથી ડાયાબિટીસ અને સ્લીપ એપનિયા જેવા રોગોમાંથી મુક્તિ મેળવવી હવે વધુ સરળ અને સુરક્ષિત બની છે.”
શેલ્બી હોસ્પિટલ્સના ગ્રુપ સી.ઓ.ઓ. શનુ પટેલના જણાવ્યા મુજબ, આ સફળતા શેલ્બીની અત્યાધુનિક હેલ્થકેર ક્ષેત્રે કટિબદ્ધતા દર્શાવે છે અને અંતરિયાળ વિસ્તારો સુધી શ્રેષ્ઠ સારવાર પહોંચાડવા માટેનું એક મોટું કદમ છે.




