ગુજરાત પોલીસે ‘ભારત ટેક્સી’ સાથે કર્યા MoU

અમદાવાદ: રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે એક કદમ ઉઠાવ્યું છે. ગુજરાત પોલીસ અને મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી ‘સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ’ એટલે કે ‘ભારત ટેક્સી’ વચ્ચે ડિજિટલ ઇન્ટિગ્રેશન સંલગ્ન MoU કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી શહેરી પરિવહનને વધુ સલામત અને સક્ષમ બનાવવાનો છે. જેના અંતર્ગત મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટીઝન્સની સુરક્ષા માટે એપ્લિકેશનમાં SOS સિસ્ટમ સક્રિય કરવામાં આવશે.આ સિસ્ટમ ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ મિકેનિઝમ સાથે જોડાયેલી રહેશે. જેથી ઇમરજન્સી સમયે તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય. તે ઉપરાંત ‘ભારત ટેક્સી’ હેઠળ જોડાતા તમામ વાહન ચાલકોનું ગુજરાત પોલીસ દ્વારા સત્તાવાર વેરિફિકેશન કરવામાં આવશે. જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. એટલું જ નહીં ડ્રાઇવરો માટે ટ્રાફિક નિયમો અને સુરક્ષા અંગેના વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ, નાગરિકોની સુવિધા અને સુરક્ષિત પ્રવાસ માટે સંયુક્ત લોક-જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.

આ ભાગીદારી હેઠળ ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ડ્રાઇવર વેરિફિકેશન અને કંટ્રોલ રૂમ સપોર્ટ પૂરો પાડશે. જ્યારે ‘ભારત ટેક્સી’ સંપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મનું સંચાલન કરશે. આ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવશે, જે ડ્રાઇવર વેરિફિકેશન, ટ્રાફિક બ્રાન્ડિંગ અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ માટે સંકલન સાધશે. ગ્રીન અને સુરક્ષિત અર્બન મોબિલિટી તરફના આ ડિજિટલ પગલાથી રાજ્યના નાગરિકોની દૈનિક મુસાફરી વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનશે.