પ્રવેશોત્સવ બાળકોના સર્વાંગી વિકાસ સાથે પરિવર્તનનું મહાભિયાન : CM

દાહોદ: શિક્ષણના સ્તરને વૈશ્વિક કક્ષાએ લઈ જવા અને આદિજાતિ વિસ્તારોમાંથી નિરક્ષરતાનું કલંક સંપૂર્ણપણે મિટાવવાના સંકલ્પ સાથે રાજ્યભરમાં ૨૪મા શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ મહાઅભિયાનના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જિલ્લાના મોટી ખરાજ, રાહડુંગરી અને ગાંગરડા ગામની શાળાઓમાં રૂબરૂ ઉપસ્થિત રહીને ૩૦૦થી વધુ ભૂલકાંઓને આત્મીયતાપૂર્વક શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂ કરાવેલો આ શાળા પ્રવેશોત્સવ આજે શિક્ષણ ક્ષેત્રે વિકાસનું એક ભવ્ય વટવૃક્ષ બની ગયો છે. ભૂતકાળના પ્રવેશોત્સવમાં સરકારી શાળાઓમાં દાખલ થયેલા આદિજાતિના દીકરા-દીકરીઓ આજે શિક્ષણ મેળવીને ડોક્ટર, એન્જિનિયર અને પાયલોટ જેવા ઉચ્ચ ક્ષેત્રોમાં દેશ-વિદેશમાં સમાજનું નામ ઉજળું કરી રહ્યા છે. વર્ષોથી આ વિસ્તારોમાં જે શિક્ષણની ભૂખ હતી, તે આજે સંતોષાઈ રહી છે.રાજ્ય સરકારની શૈક્ષણિક સુવિધાઓની વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, આજે ગ્રામ્ય શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને આધુનિક સાયન્સ લેબોરેટરી જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને ખાનગી શાળાઓ સમકક્ષ શિક્ષણ સુનિશ્ચિત કરાયું છે. જે બાળકો કોઈ કારણોસર શિક્ષણ અધવચ્ચે છોડી દે છે (Drop-out), તેમને ફરી શાળાએ લાવવા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ વાલીઓના ઘરે જઈને ખાસ પ્રયાસો કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ વાલીઓને પણ અપીલ કરી હતી કે તેઓ શાળાઓની નિયમિત મુલાકાત લઈ શિક્ષકો સાથે બાળકોની પ્રગતિ અંગે ચર્ચા કરે. આ તકે તેમણે ખરજ ગામની ત્રણ દીકરીઓ, જેઓ રગ્બી રમતમાં નેશનલ લેવલ સુધી પહોંચી છે તેમના ઉદાહરણ દ્વારા દીકરીઓના સામર્થ્યને બિરદાવ્યું હતું.આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને સાયન્સ પ્રવાહમાં પ્રોત્સાહન આપવા માટે સરકારે લીધેલા ક્રાંતિકારી નિર્ણયોની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આદિવાસી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ૬ લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત, ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓને રૂ. ૫૦,૦૦૦ સુધીની અને ‘નમો સરસ્વતી યોજના’ હેઠળ ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને રૂ. ૧૧ થી ૧૨માં અભ્યાસ માટે રૂ. ૨૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે. ધોરણ ૧૧-૧૨ સાયન્સ પૂર્ણ કરનાર દીકરીઓને વિવિધ યોજનાઓના સંકલનથી કુલ રૂ. ૭૫,૦૦૦ સુધીની આર્થિક મદદ મળી શકે છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વનબંધુ કલ્યાણ યોજના-૨’ દ્વારા આદિવાસી વિસ્તારોના વિકાસને નવી ગતિ આપી છે. સિંગવડ ખાતે રૂ. ૨૩ કરોડના ખર્ચે નિર્મિત અંગ્રેજી માધ્યમની આધુનિક શાળા આ વિસ્તારના બાળકોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડશે. આ ઉપરાંત, મજૂરી માટે થતું પલાયન અટકાવવા માટે બારિયા, ધાનપુર, ગરબાડા, દાહોદ અને ઝાલોદ વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે રૂ. ૫૦૦૦ કરોડથી વધુની રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જે આ વિસ્તારમાં મોટી સિંચાઈ ક્રાંતિ લાવશે.

મુખ્યમંત્રીએ આધુનિક યુગમાં બાળકોને મોબાઈલ અને ટીવીનો સદુપયોગ કરવા તેમજ વાલીઓને તેના પર દેખરેખ રાખવા સલાહ આપી હતી. કાર્યક્રમના અંતે પર્યાવરણ અને જળ સંરક્ષણ માટે ‘કેચ ધ રેન’ અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.