અમદાવાદ-ગોધરા વચ્ચે 120 કિ.મી. સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનશે

120 km Six-Lane Greenfield Highway to Connect Ahmedabad and Godhra

15

નવી દિલ્હી: અમદાવાદને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. અમદાવાદ-ગોધરા વચ્ચે સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવામાં આવશે. જેના માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડી.પી.આર. (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરાઈ રહ્યો છે.

નેશનલ હાઈવે ઓથોરિટીની કવાયત

અમદાવાદથી ગોધરા સુધી આશરે 120 કિલોમીટરની લંબાઈનો ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવામાં આવશે. જેના માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 60 મીટર પહોળાઈના રાઈટ ઓફ વે સાથેના હાઈવેનું આયોજન થઈ રહ્યું છે. જેથી ભવિષ્યમાં ટ્રાફિક વધે તો આ હાઈવેને 8 લેન સુધી વિસ્તારી શકાય.

હાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા વાહન ચાલકોએ ગોધરાથી અમદાવાદ તરફ આવવા માટે વડોદરા સુધી લાંબા થવું પડે છે. જ્યાંથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર જવું પડે છે. તેના બદલે આ નવા સૂચિત હાઈવે દ્વારા ગોધરાથી વાહન ચાલકો સીધા જ અમદાવાદ આવી શકશે.

ગ્રીન ફિલ્ડ હાઈવે એટલે શું?

સામાન્ય રીતે જૂના રસ્તાને પહોળા કરીને નવા હાઈવે બનાવવામાં આવતા હોય છે. પરંતુ ગ્રીન ફિલ્ડ હાઈવે એટલે ખાલી જમીન પર સંપૂર્ણ નવો રસ્તો બનાવવો. 120 કિમી સુધીની ઝડપે વાહનો દોડાવી શકાય તેવી રીતે ગ્રીન ફિલ્ડ હાઈવે ડિઝાઈન થાય છે. ગામો અને શહેરોને બાયપાસ કરીને રસ્તો તૈયાર થાય છે. જેથી મુસાફરી દરમિયાન વાહનચાલકોએ કોઈ અવરોધનો સામનો કરવો પડે નહીં.