આ ખમણ કોઈને ન ભાવે એવું તો ન જ બને!!!

સામગ્રીઃ ચોખા 1 વાટકી, ચણાની દાળ 1 વાટકી, અળદની દાળ ½ વાટકી, મગની દાળ ½ વાટકી, 1 ઈંચ આદુનો ટુકડો, 4-5 લીલાં મરચાં, મીઠું સ્વાદાનુસાર, 8-10 મેથીનાં દાણાં, થોડી રાઈ, ચપટી સોડા ખાર, અડધો કપ દહીં, ચપટી હીંગ તેમજ તેલ.

રીતઃ ચોખા ધોઈને પાણીમાં પલાળો ત્યારે એમાં થોડાં મેથીનાં દાણાં ઉમેરો. બધી દાળ એકસાથે ધોઈને પલાળી દો. દાળ તેમજ ચોખા 8 કલાક માટે પલાળી દો, ત્ચારબાદ મિક્સરમાં દાળ-ચોખા એકસાથે લઈ, એક વાર અધકચરું અને બીજીવાર બારીક એવું મિશ્રણ પીસી લો. સાથે આદુ-મરચાં પણ પીસી લો. ચપટી હીંગ તેમજ મીઠું સ્વાદાનુસાર ઉમેરી દો અને મિશ્રણને આઠ કલાક માટે રહેવા દો. ખમણ બનાવવાના અડધા કલાક પહેલાં ખીરામાં અડધો કપ દહીં ઉમેરી દો.

ખમણ બનાવવા માટેના વાસણમાં એક સ્ટેન્ડ અથવા કાંઠો મૂકી પાણી રેડી દો તેમજ તેલ લગાડેલી થાળી જાળી પર મૂકીને વાસણ ગરમ કરવા મૂકો. હવે એક થાળી જેટલું મિશ્રણ એક બાઉલમાં લઈ તેમાં પા ચમચી સોડા ખાર તેમજ 2 ચમચી તેલ નાખી એક ચમચા વડે મિશ્રણ ફેંટો, જેવું મિશ્રણ થોડું ઉપર આવે( ફુલવા માંડે) કે તરત તેલ લગાડેલી થાળીમાં રેડી દો. અને થાળી મૂકેલું વાસણ ઢાંકી દો.

20-25 મિનિટ પછી થાળી ઉતારી લો. અને તેલમાં રાઈ તતડાવીને વઘાર ખમણની થાળી પર ચમચી વડે રેડી દો અને ખમણના કટકા કરી લો.