ફોર્મ્યુલા 3 રેસમાં હાઈ-સ્પીડ અકસ્માત; મહિલા ડ્રાઈવર આબાદ બચી ગઈ

0
660

મકાઉ – ચીનના વહીવટીય નિયંત્રણ હેઠળના મકાઉમાં ગયા રવિવારે યોજાઈ ગયેલી ‘ફોર્મ્યુલા 3 મકાઉ ગ્રાં પ્રી’ કાર રેસમાં એક ભયાનક અકસ્માત બની ગયો હતો. એક કાર કન્ટ્રોલ બહાર જતી રહેતાં તે હવામાં ઉછળીને વાડ તોડીને ફોટોગ્રાફરો માટેના બંકરમાં જઈ પડી હતી.

વેન એમર્સફૂર્ટ કાર અંકુશ ગુમાવી દઈને હવામાં ઉછળીને પડી ત્યારે એ 280 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડમાં હતી.
અકસ્માતમાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તે કારની 17 વર્ષીય જર્મન મહિલા ડ્રાઈવર સોફિયા ફ્લોશને ઈજા થઈ છે. એને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે.

અકસ્માતમાં સોફિયા ઉપરાંત જાપાનીઝ મહિલા ડ્રાઈવર શો તુબોઈ, બે ફોટોગ્રાફર અને એક ટ્રેક માર્શલને પણ ઈજા થઈ છે. એ તમામ ભાનમાં હતા. એમને પીઠ, માથા અને ચહેરા પર ઈજા થઈ હતી.

સોફિયા ફ્લોશ રેસના આરંભની અમુક મિનિટો પૂર્વે

કાર હવામાં ઉછળી, ફેન્સ તોડીને ફોટોગ્રાફર્સ બંકરમાં જઈ પડી એ પહેલાં સાથી જાપાનીઝ મહિલા ડ્રાઈવર શો તુબોઈની કાર સાથે અથડાઈ હતી.

કાર આટલી ભયાનક રીતે ઉછળ્યા બાદ પણ સદ્દભાગ્યે વ્હીલના ભાગે જ જમીન પર પડી હતી એટલે સોફિયા આબાદ રીતે બચી ગઈ.

રેસિંગ ડ્રાઈવર સોફિયા ફ્લોશ

એ ભાનમાં હતી અને એને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. એની ફ્રેક્ચર્ડ કરોડરજ્જુમાં સોમવારે સર્જરી કરવામાં આવી હતી, પણ સોમવારે જ એણે ટ્વીટ કર્યું હતું કે પોતે ફાઈન છે.

ઘટના બાદ એક કલાક માટે રેસ સ્થગિત કરી દેવામાં આવી હતી. એ બાદમાં ફરી શરૂ કરવામાં આવી હતી અને 19 વર્ષિય બ્રિટિશ ડ્રાઈવર ડેનિયલ ટિકટમે તે જીતી હતી.

આ અકસ્માતની જાણ થયા બાદ જર્મનીના દંતકથાસમા ફોર્મ્યુલા-1 રેસર માઈકલ શુમાકરના પુત્ર માઈક શુમાકરે ટ્વીટ કરીને સોફિયા માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. રેસમાં માઈકે પણ ભાગ લીધો હતો.

આ અકસ્માત વિશે મોટરસ્પોર્ટ ફેડરેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.