પ્રવાસી સાંસદોને ‘મોદી મંત્ર’ કહ્યું, અમારી નજર કોઈની ધરતી પર નથી

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકોની પ્રથમ પાર્લામેન્ટ્રી કોન્ફરન્સનું આજે ઉદઘાટન કર્યું હતું. કોન્ફરન્સને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો વર્ષોથી ભારતની બહાર વસી રહ્યાં છે પરંતુ તેમના મનમાંથી ભારત ક્યારેય દુર રહ્યું નથી. વિશ્વના જે ભાગમાં પણ ભારતીઓ ગયા ત્યાં તેમણે ભારતના મૂલ્યો અને સંસ્કારોને જીવંત રાખ્યા. આ કોન્ફરન્સમાં 23 દેશના 124 સાંસદો અને 17 મેયરે ભાગ લીધો હતો.પ્રવાસી સાંસદ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેકને હું પ્રવાસી ભારતીય સાંસદ દિવસની શુભેચ્છા આપું છું. ઉપરાંત હું દરેક સેક્ટરમાંથી અહીં આવેલા મિત્રોનું સ્વાગત કરું છું. હું તમામ દેશવાસીઓ તરફથી આપને આવકારું છું.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વર્ષ 2019માં યોજાનારા કુંભ મેળાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, કુંભ મેળાના આયોજન માટે ઉત્તરપ્રદેશની સરકાર વ્યાપક તૈયારીઓ કરી રહી છે. આગામી વર્ષે જ્યારે આપ ભારત આવશો ત્યારે કુંભ મેળાના પણ દર્શન કરી શકશો.

વધુમાં પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, ભારત અહિંસાના માર્ગે ચાલનારો દેશ છે, અને અહિંસા દ્વારા દરેક સમસ્યાનું સમાધાન લાવી શકાય છે. ન્યૂ ઈન્ડિયાના સપનાઓ પુરા કરવા અમે આપની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવા માગીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે, 21મી સદી ભારતની સદી છે. પરંતુ અમે કોઈની ધરતી પર નજર નથી નાખતા.

આપને જણાવી દઈએ કે, દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વિદેશોમાં વસી રહેલા ભારતીય મૂળના લોકોને સમ્માનિત કરવાનો છે. ગત ઘણાં વર્ષોથી સરકાર પ્રવાસી ભારતીય દિવસ મનાવી રહી છે. જોકે આ પ્રથમ ઘટના છે જ્યારે PIO પાર્લામેન્ટ્રી કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.