કોનરાડ સંગમા બન્યાં મેઘાલયના સીએમ, શપથ સમારોહમાં હાજર રહ્યાં શાહ-રાજનાથ

શિલોંગ- પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ સરકાર રચવા પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. દરમિયાન આજે મેઘાલયમાં NPPના કોનરાડ સંગમાએ મુખ્યપ્રધાન પદના શપથ લઈ લીધા છે. આ ગઠબંધનમાં ભાજપ પણ સામેલ છે.કોનરાડ સંગમાના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક મહાનુભાવો અને દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. મુખ્યપ્રધાન તરીકે કોનરાડ સંગમાએ શપથ ગ્રહણ કર્યાં તે ઉપરાંત તેમના પક્ષના જેમ્સ પીકે સંગમા, એ.એલ. હેક (BJP), સહિત કુલ 11 ધારાસભ્યોએ પ્રધાન પદનાં શપથ ગ્રહણ કર્યાં હતાં.

શું છે વિધાનસભાની સ્થિતિ?

ગત ત્રણ માર્ચે જાહેર થયેલા પરિણામ મુજબ 60 સદસ્યોની વિધાનસભામાં કોંગ્રેસના ફાળે 21 બેઠકો આવી હતી અને તે સૌથી મોટા પક્ષ તરીકે સામે આવી હતી. બીજા નંબરે NPPના ખાતામાં 19 બેઠક અને BJPને માત્ર બે બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. અન્ય પક્ષો યૂનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીના 6 અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના 2 ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા.

અને આ રીતે ભાજપે સરકાર બનાવી

રાજ્યમાં બીજા નંબરની મોટી પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) પાસે 19 ધારાસભ્યો છે. BJP પાસે 2, યૂનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીના 6, HSPDP 2 ધારાસભ્ય, PDF 4 ધારાસભ્ય અને 1 અપક્ષ મળીને કુલ 34 ધારાસભ્યોના ગઠબંધનવાળી સરકાર બનાવવામાં ભાજપને સફળતા મળી અને કોંગ્રેસ માટે ફરી એકવાર ગોવા જેવી સ્થિતિનું નિર્માણ થયું અને રાજ્યમાં મોટો પક્ષ બનવા છતાં આંતરિક તાલમેલના અભાવને કારણે સત્તા મેળવવામાં અસફળ રહી.