‘ફ્રીડમ 251’ ફોન હેન્ડસેટ્સની ડિલીવરી આવતા વર્ષે કરવાનો ઉત્પાદકનો દાવો

નોઈડા – ગયા વર્ષે આખા દેશમાં જેણે ચકચાર જગાવી હતી તે વિવાદાસ્પદ ‘ફ્રીડમ 251’ સ્માર્ટફોનના ઉત્પાદક મોહિત ગોયલ આજે ફરી જાહેરમાં દેખાયા હતા અને એમ કહ્યું છે કે જો સરકાર તરફથી ટેકો મળે તો પોતે આવતા વર્ષના માર્ચ-એપ્રિલ સુધીમાં લોકોને હેન્ડસેટ્સ ડિલીવર કરી શકે એમ છે.

ગયા વર્ષે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરનાર નોઈડાસ્થિત રિન્ગિંગ બેલ્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર મોહિત ગોયલના જણાવ્યા મુજબ, એમણે એડવાન્સમાં પૈસા ચૂકવી દીધા હતા તે છતાં બે વ્યક્તિએ ‘ફ્રીડમ 251’ હેન્ડસેટ્સની ડિલીવરી કરી નહોતી. એ બે જણ સામે ગોયલે પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. એ બે જણની પોલીસે આજે ધરપકડ કરી છે.

આ બંનેના નામ છે વિકાસ શર્મા (35) અને જીતુ (40). આ બંને જણ દિલ્હીના રહેવાસી છે. એમણે હેન્ડસેટ્સ ડિલીવર કરવા માટે રિન્ગિંગ બેલ્સ પાસેથી રૂ. 3.5 કરોડની રકમ લીધી હતી.

પોલીસે આ બે જણને આજે કોર્ટમાં હાજર કર્યા બાદ કોર્ટે બંનેને ડાસના જેલમાં મોકલી દીધા છે.

ગોયલે કહ્યું છે કે, મેં આ બંને જણને રૂ. 3.5 કરોડ ચૂકવ્યા હતા. એના બદલામાં એમણે મારી સાથે છેતરપીંડી કરી હતી. એમણે પૈસા ફૂંકી માર્યા હતા અને એકેય ફોન ડિલીવર કર્યો નહોતો. આ વર્ષના ફેબ્રુઆરીમાં કેટલાક ડિસ્ટ્રીબ્યૂટરોએ મારી સામે કેસ કર્યો હતો અને મારે છ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. હવે નવા લોકોની ધરપકડ કરાઈ છે ત્યારે લોકોને ખબર પડશે કે હું હેન્ડસેટ્સ ડિલીવર કરવાના મારા વચનનું પાલન કરવામાં કેમ નિષ્ફળ ગયો હતો.

ગોયલે કહ્યું કે, પ્રત્યેક ભારતીય નાગરિક પાસે સ્માર્ટફોન પૂરા પાડવા માટેની ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘સ્ટાર્ટ-અપ ઈન્ડિયા’ ઝુંબેશ માટે હું પ્રતિબદ્ધ થયો હતો તે છતાં સરકાર મને ટેકો આપવા આગળ આવી નહોતી. મોટી કંપનીઓએ મારું મોડેલ અપનાવ્યું છે અને કાર્બન જેવી કંપનીઓ રૂ. 1,300 જેટલી ઓછી કિંમતે સ્માર્ટફોન આપી રહી છે. જિઓ મોડેલ પણ એવું જ છે. એમાં સ્માર્ટફોન માટે એડવાન્સમાં રૂ. 1,500 ચૂકવવાના હોય છે. એવા લોકોને કોઈ પૂછતું નથી તમે આટલા સસ્તા સ્માર્ટફોન કેવી રીતે બનાવો છો?

ગોયલે કહ્યું કે, મારા વેન્ડર્સે સમયસર ફોનની ડિલીવરી કરી નહીં એટલે હું નિષ્ફળ ગયો હતો. અમારી કંપનીના પ્રેસિડન્ટ અશોક ચઢ્ઢા હજી પણ જેલમાં છે. મને સ્વયંને સ્વચ્છ સાબિત કરવા માટે એક તકની જરૂર છે અને હું આવતા વર્ષના માર્ચ-એપ્રિલ સુધીમાં લોકોને હેન્ડસેટ્સ ડિલીવર કરી શકું એમ છું. ‘ફ્રીડમ 251’ મારું સપનું છે.

ઉલ્લેખનીય છે કે, 2016ના ફેબ્રુઆરીમાં રિન્ગિંગ બેલ્સ કંપનીએ એ જ વર્ષના જૂનની 30 તારીખ સુધીમાં 25 લાખ હેન્ડસેટ્સ ડિલીવર કરવાનું નક્કી કર્યું હતું. કંપનીની ઓફરને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને 7 કરોડથી વધુ લોકોએ નામ રજિસ્ટર કરાવ્યા હતા. એને કારણે કંપનીનો પેમેન્ટ ગેટવે ક્રેશ થઈ ગયો હતો.

ગાઝિયાબાદના ડિસ્ટ્રીબ્યુટર અયામ એન્ટરપ્રાઈઝીસે નોંધાવેલી એફઆઈઆરને પગલે ગોયલની આ વર્ષના ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. એનો આરોપ હતો કે રિન્ગિંગ બેલ્સે એની સાથે રૂ. 16 લાખની છેતરપીંડી કરી છે.

અલાહાબાદ હાઈકોર્ટે ગોયલને જામીન પર છોડ્યા છે. કોર્ટે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે આ કેસમાં સામેલ પક્ષકારો વચ્ચે સમાધાન થયું છે.