CM કમલનાથઃ ખેડૂત દેવા માફી સહિત ત્રણ મોટા નિર્ણય, કામકાજ શરુ…

ભોપાલઃ ખેડૂતોની દેવા માફીના વાયદે ચૂંટણીની વૈતરણી પાર કરનાર કોંગ્રેસે મધ્યપ્રદેશમાં પહેલો ઘા રાણાનો કરતાં દેવામાફીની જાહેરાત કરી દીધી છે. સીએમ તરીકે શપથ લીધાંના ગણતરીના કલાકોમાં સીએમ કમલનાથે ત્રણ મોટા અને દૂરોગામી નિર્ણયો જાહેર કરી દીધાં હતાં. શપથ લેતાં સીએમ કમલનાથ

1-ખેડૂતોની દેવા માફીની ફાઈલ પર કમલનાથે સહી કરી દીધી છે. તે સાથે જ તેમણે ચૂંટણી પ્રચારમાં આપેલો વાયદો પૂરો કરવા તરફ પહેલું કદમ માંડ્યું છે. જોકે દેવા માફીની રકમ નિયત કરવામાં આવી છે. કમલનાથના આ નિર્ણય હેઠળ મધ્યપ્રદેશના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. રાજ્યના આશે 40 લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે. દેવા માફીનો હાલના અને ડિફોલ્ટર ખેડૂતોને પણ ફાયદો થશે. સહકારી બેંકો તેમ જ રાષ્ટ્રીય બેંકો સાથે પણ આ વિશે ચર્ચા કરવામાં આવી છે.

2-અન્ય એક મોટા નિર્ણય વિશે પત્રકારોને સંબોધતાં કમલનાથે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં બિહાર, ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના કારણે સ્થાનિકોને રોજગારી મળતી નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં રોકાણ કરનારાઓને પ્રોત્સાહનની સ્કીમ ત્યારે જ લાગુ થશે જો રાજ્યના 70 ટકા લોકોને રોજગારી મળશે. તેમણે કહ્યું કે રાજ્યમાં આવતાં નવા ઉદ્યોગોમાં 70 ટકા નોકરીઓ સ્થાનિકોને આપવી પડશે. જાણવા મળ્યાં પ્રમાણે બેરોજગારોને મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત પણ ટૂંક સમયમાં કરી શકે છે, તેનો એક ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે.

3.કમલનાથે મહિલાલક્ષી મોટો નિર્ણય લેતાં કન્યાદાન યોજનાની સહાય 28 હજાર રુપિયાથી વધારીને 51 હજાર રુપિયા પણ કરી દીધી છે. આ સાથે મહિલા સશક્તિકરણના મુદ્દે સરકારના પગલાંની વાત હવે ભારપૂર્વક આગળ વધારી શકાશે.

આપને જણાવીએ કે વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોના દેવા માફી કરવાનો કોંગ્રેસે વાયદો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર બનવાના 10 દિવસની અંદર દેવું માફ કરવામાં આવશે. કમલનાથે પણ કહ્યું હતું કે સરકાર બનતાં જ સૌથી પહેલું પગલું દેવા માફીનું લેવામાં આવશે