એક ઓક્ટોબરે UN ચીફ ભારત આવશે, UNO ઓફિસનું કરશે ઉદઘાટન

ન્યૂયોર્ક- સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુતારેસ આગામી મહિનાની શરુઆતમાં ભારતના પ્રવાસે આવશે. મહત્વનું છે કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ તરીકે તેમની આ પ્રથમ ભારત યાત્ર હશે. યોગાનુયોગ તેમની આ ભરાત યાત્રા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના કાર્યક્રમની શરુઆતમાં છે. ગુતારેસના ઉપપ્રવક્તા ફરહાન હકે જણાવ્યું કે, ગુતારેસ આગામી એક ઓક્ટોબરે નવી દિલ્હી પહોંચશે.ફરહાન હકે જણાવ્યું કે, એક ઓક્ટોબરના રોજ ગુતારેસ ઔપચારિક રીતે નવી દિલ્હીમાં નવા સંયુક્ત રાષ્ટ્ર ભવનનું ઉદઘાટન કરશે. અને બીજી ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસ મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્વચ્છતા સમ્મેલનના સમાપન સમારોહમાં ભાગ લેશે.

વધુમાં ફરહાન હકે જણાવ્યું કે, ગુતારેસ તેમની ભારત યાત્રા દરમિયાન ત્રીજી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત ‘વૈશ્વિક પડકાર, વૈશ્વિક સમાધાન’ વિષય ઉપર ઈન્ડિયા હેબિટેટ સેન્ટરમાં વ્યાખ્યાન પહેલાં ગુતારેસ લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન સાથે પણ મુલાકાત કરશે. અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન મહાસભાની બેઠકમાં પણ ભાગ લેશે.

ભારતમાં રાજકીય પ્રવાસના અંતિમ પડાવમાં એન્ટોનિયો ગુતારેસ ત્રણ ઓક્ટોબરે બપોરે પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની યાત્રા કરશે અને ચાર ઓક્ટોબરના રોજ ન્યૂયોર્ક પરત જવા રવાના થશે.