અંબાજીને મેળેઃ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી, માને ચરણે અઢળક આવક વધારો

અંબાજી- અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે 4.54 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા. ચાર દિવસમાં કુલ 11,40,074 યાત્રિકોએ દર્શનનો લાભ લીધો હતો.

ચોથા દિવસે મંદિરના ભંડારા અને ગાદીની આવક રૂ.58.80 લાખને પાર પહોંચી હતી. અને મંદિર ટ્રસ્ટ દ્વારા 3.66 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ કરાયું હતું. સોનાની ત્રીજા દિવસે 507 ગ્રામની ભેટ સાથે કુલ 617 ગ્રામ સોનાની ભેટ મળી છે.

અંબાજીમાં ભાદરવી પૂનમને લઇને દેશભરના યાત્રીકો અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા છે. ત્યારે અંબાજીમા વરસાદના અમી છાંટણા થયાં હતાં. ભારે વરસાદી ઝાપટાથી યાત્રિકોમાં દોડધામ થઇ હતી. ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી સ્થાનિકો અને યાત્રીકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અંબાજી મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવે છે. જેથી મેળા દરમિયાન સુરક્ષાને લઈને તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં આધુનિક સાધનોની મદદથી તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી.

તસવીર-અહેવાલઃ ચિરાગ અગ્રવાલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]