યુએસ પ્રમુખપદે ફરી ચૂંટાવા માટે ટ્રમ્પે ફ્લોરિડામાં રેલી સાથે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો

0
419

ઓર્લેન્ડો – અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી આવતા વર્ષે, 2020માં યોજાવાની છે. વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ ચૂંટણી ફરી જીતવા માટે પોતાનો પ્રચાર ગઈ કાલથી શરૂ કરી દીધો છે.

ટ્રમ્પે પોતાનો પ્રચાર શરૂ કરવા માટે ફ્લોરિડા રાજ્ય પસંદ કર્યું છે. ગઈ કાલે અહીંના એક સ્થળે વિશાળ સ્ટેજ પર હાજર થયા હતા અને આશરે 20 હજાર જેટલા સમર્થકોના હર્ષનાદો વચ્ચે એમણે ભાષણ કર્યું હતું. ટ્રમ્પે એમના ભાષણની શરૂઆતમાં ‘યુએસએ, યુએસએ’ નારા લગાવ્યા હતા જેમાં સમર્થકોએ એમને સાથ આપ્યો હતો.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની પ્રમુખપદની ચૂંટણી ફરી જીતવા માટે પોતાનો પ્રચાર શરૂ કર્યો. કહ્યું, આખી દુનિયા અમેરિકાની ઈર્ષા કરે છે.

વધુ ચાર વર્ષ માટે પ્રમુખપદની ચૂંટણી જીતવાનું ટ્રમ્પ માટે ઘણું મુશ્કેલ ગણાય છે. તે છતાં એમણે પોતાનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે.

એમણે દાવો કર્યો હતો કે પોતાના શાસન દરમિયાન અમેરિકાનું અર્થતંત્ર મજબૂત થયું છે અને આજે આખી દુનિયા અમેરિકાની ઈર્ષા કરી રહી છે.

રીપબ્લિકન પાર્ટીના નેતા ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે વિરોધપક્ષ ડેમોક્રેટ્સ અમેરિકાનો નાશ કરવા ઈચ્છે છે.

ટ્રમ્પે આનંદની ચીચીયારીઓ પાડતા સમર્થકોને જણાવ્યું કે, તમે એક વાર મને જિતાડ્યો, હવે ફરી વાર જિતાડવાનો છે અને આ વખતે આપણે કામ પૂરું કરવાનું છે.

ટ્રમ્પે કહ્યું કે, આપણા અર્થતંત્રની આજે દુનિયાના દેશો ઈર્ષા કરે છે. આપણે અમેરિકાને મહાન બનાવ્યું છે અને એને મહાન તરીકે ફરી જાળવી રાખીશું. આપણે અમેરિકાને અગાઉ કરતાં ઘણું સરસ મહાન બનાવ્યું છે. માટે જ આજે રાતથી હું આપની સમક્ષ હાજર થઈને યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ તરીકે બીજી મુદત મેળવવા માટે મારો પ્રચાર સત્તાવાર રીતે શરૂ કરું છું.