સિંધુ જળવિવાદ મામલે વિશ્વ બેન્ક જશે પાકિસ્તાનની નવી સરકાર

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં બદલાઈ રહેલા રાજકિય સમીકરણો વચ્ચે નવી સરકાર આગામી દિવસોમાં સત્તા સંભાળશે. જોકે ભારત સાથેના સિંધુ નદી વિવાદને લઈને નવી સરકારે અત્યારથી જ વિશ્વ બેન્કમાં જવાનું મન બનાવી લીધું છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન સરકાર વર્ષ 1960થી સિંધુ જળ કરારને લઈને મધ્યસ્થતાની માગ કરી રહી છે.આપને જણાવી દઈએ કે, જમ્મુ-કશ્મીરમાં કિશનગંગા (330 મોગાવોટ) અને રાતલે (850 મેગાવોટ) જળવિદ્યુત પરિયોજનાઓના ભારતના ડિઝાઈન અંગે વિરોધ વ્યક્ત કરતાં પાકિસ્તાને ગત વર્ષે વિશ્વ બેન્કને મધ્યસ્થતા કરવા જણાવ્યું હતું. કિશનગંગા પ્રોજેક્ટ જેલમની સહાયક નદી છે જ્યારે રાતલે પ્રોજેક્ટ ચેનાબ નદી સાથે સંકળાયેલો છે.

આ સંધીમાં ઉપરોક્ત બન્ને નદીઓ સાથે સિંધુ નદીનો ઉલ્લેખ પણ પશ્ચિમની નદી તરીકે કરવામાં આવ્યો છે. પાકિસ્તાનને આ નદીઓમાંથી પાણીના ઉપયોગ પર કોઈ પ્રતિબંધનો સામનો કરવો પડતો નથી. જ્યારે ભારત આ મુદ્દે નિરીક્ષણ માટે એક તટસ્થ નિષ્ણાંતની માગણી કરી રહ્યું છે.

પાકિસ્તાનના કાર્યવાહક જળ સંસાધન પ્રધાન સૈયદ અલી ઝફરને જ્યારે પૂછવામાં આવ્યું કે, વિશ્વ બેન્કે પાકિસ્તાનના નિવેદનનો સકારાત્મક પ્રતિસાદ નથી આપ્યો જ્યારે ભારતના સમર્થનમાં નિર્ણયો આવ્યાં છે. ત્યારે અલી ઝફરે કહ્યું કે, ‘પાકિસ્તાનમાં નવી સરકાર સત્તામાં આવી રહી છે, ચીન, રશિયા અને તૂર્કી પણ એ વાત માની રહ્યાં છે કે, પાણી એ પાકિસ્તાન માટે મોટો મુદ્દો છે. જેથી વિશ્વ બેન્કે આ મુદ્દે મધ્યસ્થી કરવી જોઈએ’.