નોર્થ કોરિયા: તાનાશાહ કિમ જોંગને મળ્યો તેનો વારસદાર

પ્યોંગયાંગ- રાજ્ય મોટું હોય કે નાનું, તેના રાજાને એક ચિંતા હંમેશા રહે છે કે, જો તેને કંઈક થશે તો તેના રાજ્યનો વારસદાર અથવા ઉત્તરાધિકારી કોણ? ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને પણ આ ચિંતા સતાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોતાના પારિવારિક જીવનને વિશ્વ માટે એક રહસ્ય બનાવીને જીવનારા કિમ જોંગ ઉનને પણ આ ચિંતા સતાવી રહી છે. મળતી માહિતી મુજબ કિમ જોંગને તેનો ઉત્તરાધિકારી મળી ગયો છે.

ઉત્તર કરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન માટે દુનિયા એટલું જાણે છે કે, નોર્થ કોરિયાની સત્તાનું સુકાન સંભાળ્યા પહેલાં તેના લગ્ન થયાં હતાં. પરંતુ કિમ જોંગને કેટલા સંતાન છે તે અંગે આજ સુધી કોઈને ખબર નથી. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાના એક રીપોર્ટ મુજબ કિમ જોંગની પત્નીએ હાલમાં જ તેના ત્રીજા સંતાનને જન્મ આપ્યો હતો. જોકે આ પુત્ર છે કે પુત્રી તે અંગે હજીસુધી રહસ્ય હતું. પરંતુ હવે આ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો, કિમ જોંગને તેનો ઉત્તરાધિકારી મળી ગયો છે. કિમ જોંગની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે.

જ્યારે જ્યારે કિમ જોંગની પત્ની ગર્ભવતી હતી ત્યારે તે સાર્વજનિક કાર્યક્રમોમાં જવાનું ટાળતી હતી. આ વખતે પણ 2016 બાદથી કિમ જોંગની પત્નીએ સાર્વજનિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું બંધ કર્યું ત્યારથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે ગર્ભવતી છે. જોકે મોટો સવાલ એ છે કે, કિમ જોંગ તેના પરિવારને લઈને આટલું રહસ્ય કેમ બનાવે છે?

વર્ષ 2010માં કિમ જોંગ તેના પિતાના અવસાન બાદ જાહેર જીવનમાં દેખાયા હતાં. ઉત્તર કોરિયાની સરકારી મીડિયા તેના નેતાના વ્યક્તિગત જીવન અંગે હમેશા મૌન રહેતી આવી છે. જેથી સાર્વજનિકરુપે કોઈ માહિતી સામે આવતી નથી. અને આ જ કારણ છે કે, કિમ જોંગના ઉત્તરાધિકારી અંગે પણ હજી સુધી રહસ્ય જળવાયેલું હતું.