માર્ગ સલામતી સપ્તાહઃ અકસ્માત મુક્ત હાઇવે માટે સીટ બેલ્ટ પહેરવો જરુરી…

અમદાવાદ- સમગ્ર રાષ્ટ્ર માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. માર્ગ પર અકસ્માતને ટાળવાની વાત આવે એટલે ટ્રાફિક પોલીસ દ્વારા જુદા જુદા કાર્યક્રમો અને નિદર્શનો યોજી લોકોને માહિતગાર કરાય. રોડ સેફ્ટીના કાર્યક્રમોમાં પોલીસની સાથે સામાજીક સંસ્થાઓ તેમજ વાહનોનું વેચાણ કરતી કંપનીઓ,પાર્ટસનું વેચાણ કરતી કંપનીઓ ભાગ લઇ વાહન ચાલકોને અકસ્માતથી બચવા ટીપ્સ આપે છે. જેમાં વાહનની ગતિમર્યાદા વધારે ન રાખવી, વાહન ચલાવતી વેળાએ મોબાઇલનો ઉપયોગ ટાળવો, માદક પદાર્થોનું સેવન કરી ડ્રાઇવિંગ કરવું નહીં, ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરવું અને હેલ્મેટ અવશ્ય પહેરવું.

આ તમામ બાબતોની સાથે ફોર વ્હીલર ચલાવતા લોકો માટે સૌથી મહત્વ સીટ બેલ્ટનું છે. જો માર્ગ પર કાર ચલાવતા ડ્રાઇવર તેમજ સાથેના મુસાફરોએ સીટ બેલ્ટ પહેર્યો હોય તો અકસ્માત વેળાએ માણસોને ઇજાઓનું પ્રમાણ 75 ટકા સુધી ઘટાડી શકાય છે. સલામતીના આ સપ્તાહમાં સીટ બેલ્ટ  અકસ્માત વેળાએ કેવી રીતે મદદ કરે છે.,એનું એક પ્રેકટિકલ નિદર્શન ઓટોમોબાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલી રોજર કંપની દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ પર કરવામાં આવી રહ્યુ છે.

રોજર કંપની દ્વારા કારની સાચવણી, ઘાતક અકસ્માત અને એનાથી બચવાના ઉપાયો જેવી અનેક બાબતો  અંગેનું એક અનોખું પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું છે. રોજર સાથે સંકળાયેલા મનહરસિંહે ચિત્રલેખાને કહ્યું કે, અમારી કંપની આ મશીન દ્વારા સીટ બેલ્ટ થી માણસનો જીવ કેવી રીતે બચી શકે એનું નિદર્શન કરી રહી છે. કારણ ઘણાં ડ્રાઇવર અને મુસાફરો સીટ બેલ્ટનું મહત્વ સમજતાં નથી.

બીજી તરફ રોજર દ્વારા હાઇવેની હોટેલ્સ પર ના યુરિનલ પર પણ માર્ગ સલામતી માટે સેફ્ટી ટીપ્સ લખવામાં આવી છે. જેથી લોંગ  ડ્રાઇવ કરતાં લોકો એને વાંચી શકે. હાઇવે પરના ઘાતક અકસ્માત નિવારી શકાય. 4 થી 10 ફેબ્રુઆરી સુધી ચાલનારા 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગ રુપે પોસ્ટર્સ અને નિદર્શન દ્વારા વાહન ચાલકોને માહિતગાર કરવાનો સતત પ્રયાસ થઇ રહ્યો છે.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ