દેવું ઓછું કરવા વેચાઇ શકે છે રીલાયન્સ જિઓની સંપત્તિ….

નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મૂકેશ અંબાણી પોતાના પરના ઋણને ઓછું કરવા માટે પોતાના ટેલીકોમ યૂનિટ જિઓની સંપત્તિઓ વેચવા પર વિચાર કરી રહ્યાં છે. આ મામલા સાથે જોડાયેલા જાણકારો અનુસાર દુનિયાની શીર્ષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર અને કેનેડા મૂળની કંપની બ્રૂકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ જિઓના ટેલીકોમ ટાવર્સ અને ફાયબર સાથે જોડાયેલી સંપત્તિઓ ખરીદવાને લઈને શરુઆતી વાતચીતના દોરમાં છે.

આ સંપત્તિઓનું મૂલ્ય આશરે 1.07 લાખ કરોડ આસપાસ છે. જો જિઓની આ સંપત્તિ વેચાઈ, તો આ સૌથી મોટી પ્રાઈવેટ ઈક્વિટી ડીલ હશે. જિઓ દ્વારા તાજેતરમાં જ કહેવાયું હતું કે દેવું ઓછું કરવા માટે તે ટાવર અને ફાઈબર સંપત્તિઓને અલગઅલગ સંસ્થાઓના રુપમાં વહેંચી દેશે.

હકીકતમાં જિઓના લોન્ચિંગ માટે આરઆઈએલે આશરે ત્રણ લાખ કરોડ રુપિયાનું ઋણ લીધું હતું જે ભરપાઈ કરવા માટે મથામણ કરી રહી છે. જિઓની સંપત્તિ વેચીને તે 1.07 લાખ કરોડ રુપિયા એકત્ર કરવાના પ્રયત્નોમાં છે. વર્તમાન સમયમાં 2.2 લાખ ટાવર્સ નેટવર્ક સાથે જિઓ આશરે ત્રણ લાખ રુટ કિલોમીટરના ઓપ્ટિક ફાઈબરનું સંચાલન કરી રહ્યું છે.

બ્રૂકફીલ્ડે આ પહેલાં ગત વર્ષે અંબાણી પરિવારથી 1 ખરબ 42 અબજ 59 કરોડ 10 લાખ રુપિયામાં ઈસ્ટ વેસ્ટ પાઈપલાઈનને ખરીદી હતી જે 1400 કિલોમીટર લાંબી છે. આ આંધ્રપ્રદેશના કાકીનાડાથી ગુજરાતના ભરુચને જોડે છે.