વ્યસ્તતા વચ્ચે વડાપ્રધાને લીધાં માતા હીરાબાના આશીર્વાદ

ગાંધીનગરઃ ભારતના વડાપ્રધાન મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાત આવે ત્યારે તેમની માતા હીરાબાને મળવા ચોક્કસપણે જાય છે.

ત્યારે આજે સવારે વડાપ્રધાન મોદી તેમના માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન તેમની માતાને મળવા આવવાના હોવાથી આખા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આપને જણાવી દઇએ કે, PM જ્યારે પણ ગુજરાતની મુલાકાતે હોય ત્યારે કોઇ પણ રીતે માતાને મળવા અચૂક પહોંચતા હોય છે. વડાપ્રધાન મોદીના માતા પણ ગાંધીનગરમાં જ રહે છે. વૃંદાવન બંગલો બહાર વહેલી સવારથી જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓએ બંગલોની આસપાસ સઘન ચેકિંગ કર્યું હતું. પીએમ મોદી ગાંધીનગર નિવાસસ્થાને તેમની માતાને મળ્યા હતા. તેમજ પરિવારનાં સદસ્યો સાથે પણ વાતચીત કરી હતી.

વડાપ્રધાન મોદીએ માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. તેમણે માતા હીરાબાનાં આશીર્વાદ મેળવ્યાં હતાં. લગભગ 30 મિનિટ સુધી મોદીએ હીરાબા સહિત પરિવાર સાથે વાતચીત કરી હતી. ગાંધીનગરનાં રાયસણ સ્થિત નિવાસસ્થાને તેમની મુલાકાતને લઈને વૃંદાવન બંગલોની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હતી.