ગુજરાતે નુકસાન સહી દેશ માટે વિકાસનો માર્ગ ખુલ્લો કરી આપ્યો: GST પર નિતીન પટેલ

0
826

ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ‘વન નેશન – વન ટેક્સ’  માટે જી.એસ.ટી. ક્રાંતિકારી પગલું પુરવાર થઇ દેશના આર્થિક ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ફાળો આપશે.  તેમણે કહ્યું કે, દેશના ઇતિહાસની તવારિખમાં ૧લી જુલાઇ ઐતિહાસિક રીતે નોંધાઇ ગઇ છે કારણ કે ૧લી જુલાઇ, ૨૦૧૭ની  મધ્ય રાત્રીએ સંસદના સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના સર્વ પક્ષોને સાથે લઇ આ નવીન કરમાળખું અમલી બનાવ્યું હતું.

તેમણે કહ્યું કે, જી.એસ.ટી.એ જટિલ કરમાળખું નથી પણ લોકો-વેપારીઓની લાગણી-માંગણી સમાવતું માળખું છે અને ઉદ્યોગ જગતની અપેક્ષાઓ પ્રમાણે તેમાં નિરંતર સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. જી.એસ.ટી.એ દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં મોટું પગલું સાબિત થશે તેમ જણાવી તેમણે કહ્યું કે, દેશમાં એકસમાન અને એક સરખા ટેક્સ માળખાને લીધે આવનારા સમયમાં ગ્રાહકો-વેપારીઓને મોટો ફાયદો થશે.

નીતિન પટેલે જણાવ્યું કે જી.એસ.ટી.ને કારણે સમગ્ર દેશમાં સુગ્રથિત કરમાળખું વિકસિત થાય તે માટે ગુજરાતે પોતાના આવકના હિસ્સાનું નુકસાન સહન કરી દેશના અન્ય રાજ્યો માટે વિકાસનો માર્ગ ખુલ્લો કરી આપ્યો છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે લોકો પર ટેક્ષનું ભારણ આવે તો વિરોધ થતો હોય છે પરંતુ આજે જી.એસ.ટી.ના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થઇ રહી છે તે તેની સફળતા દર્શાવે છે.

જી.એસ.ટી.ના કારણે બિનજરૂરી  તુમારશાહી દૂર થઇ છે તેમાં દિનપ્રતિદિન સુધારા સાથે સરળતા અને પારદર્શકતા આવતી જાય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. સારી સરકારને વ્યાખ્યાયિત કરતા તેમણે કહ્યું કે, સારી સરકાર એ છે કે જે લોકોના સૂચનો સાંભળે અને તેનું નિરાકરણ લાવે. અમારી સરકારે  તે કર્યું છે અને સરકારની દૂરદંશિતાને કારણે જ આજે તેનું સફળ અમલીકરણ થઇ શક્યું છે.

મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે કહ્યું કે, રાજ્યમાં જી.એસ.ટી.ના સફળ અમલીકરણ માટે વહિવટીતંત્રએ અનેક સુધારાઓનો સમાવેશ કર્યો છે. લોકો, વેપારીઓ અને ઉદ્યોગકારો માટે અનેક વર્કશોપ દ્વારા જાગૃતિ લાવવામાં આવી છે જેથી તેઓ માટે જી.એસ.ટી.ને સહજ રીતે સ્વીકારવું સરળ બન્યું છે.

મુખ્ય રાજ્ય વેરા કમિશનર પી.ડી.વાઘેલાએ જણાવ્યું કે, રાજ્યમાં જી.એસ.ટી. રજિસ્ટ્રેશન પહેલા કરતા ૧૦૦ ટકા વધ્યું છે. રાજ્યમાં વધુ કરદાતાઓ હોવા છતાં દેશમાં આ દ્દષ્ટિએ ગુજરાત પ્રથમ નંબરે છે. તે જ રીતે રીફંડ, ઇ-વેલ બિલ, રીટર્નિંગ ફાઇલીંગમાં તેમજ વસ્તુઓ પર જી.એસ.ટી.ના ભાવ ઘટાડામાં રાજ્ય દેશમાં અગ્રેસર છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

આગામી ટૂંક સમયમાં રાજ્ય જી.એસ.ટી.ની સ્વાયત કચેરી ગુજરાત હાઇકોર્ટ સામે આકાર પામશે તેની મંજૂરી મળી ગઇ છે તેમજ જી.એસ.ટી. વ્યવસ્થા તંત્રને પુનઃગઠનને પણ મંજૂરી મળી ચૂકી છે તેની સહર્ષ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ દુર્ગેશ બુચ, ફિક્કીના કો-ચેરમેન  સુનિલ તલાટી, સી.આઇ.આઇ.ના ચેરમેન રાજુ શાહ, એસોચેમના ચિંતન ઠાકરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.