અમદાવાદ: નાતાલની પૂર્વસંધ્યાએ બની ભારતની સૌથી મોટી ક્રિસ્મસ પ્લમ કેક

અમદાવાદ- ક્રિસ્મસ પ્લમ કેક કોને પસંદ નથી? બાળકોથી લઈને પુખ્ત વયનાં લોકો – આપણે બધા ક્રિસ્મસ પ્લમ કેકને પસંદ કરીએ છીએ. તહેવારની આ સિઝનમાં ભારતમાં સૌથી મોટી પ્લમ કેકનાં એક ટુકડાનો સ્વાદ માણવાં પહોંચી જાવ અમદાવાદના વન મોલ ખાતે.

56 ફૂટ લાંબી 5 ફૂટ પહોળાઈ સાથે 750 કિલોગ્રામ વજન ધરાવતી ક્રિસ્મસ પ્લમ કેક 24 ડિસેમ્બરનાં રોજ અમદાવાદ વન મોલમાં પ્રદર્શન માટે મૂકવામાં આવી છે.

શેફ આનલ કોટક (સેલિબ્રિટી શેફ તથા અમદાવાદ અને વડોદરામાં ફાઇન ડાઇન રેસ્ટોરાં ‘ધ સીક્રેટ કિચન’નાં માલિક) અને તેમની ટીમનાં 10 લોકોએ ભારતની સૌથી મોટી ક્રિસ્મલ પ્લમ કેકનો વિચાર કર્યો હતો. આ કેકને અમદાવાદ વન મોલમાં મૂકવામાં આવી હતી, જ્યાં વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાનાં અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું તથા એને ભારતની સૌથી મોટી ક્રિસ્મસ પ્લમ કેક તરીકે જાહેર કરી હતી.

આ પ્રસંગે શેફ આનલ કોટકે જણાવ્યું હતું કે, “આ કેક બનાવવાનો વિચાર આવ્યો ત્યાંથી માંડીને ભારતની સૌથી મોટી પ્લમ કેક બનાવવા સુધી એક મહિનાનો સમય લાગ્યો હતો. આ કેક માટે અમે લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ અરજી કરી છે.”

કેકનું વિતરણ…

750 કિલોગ્રામ કેકમાંથી 200 કિલોગ્રામનું વિતરણ અમદાવાદ અને વડોદરામાં રોબિન હૂડ આર્મી દ્વારા ઝૂંપડપટ્ટીમાં વસતાં બાળકોમાં થશે. જ્યારે અન્ય 200 કિલોગ્રામનું વિતરણ અમદાવાદમાં મ્યુનિસિપાલિટીની શાળાનાં બાળકોને કરવામાં આવશે. 150 કિલોગ્રામ કેકનું વિતરણ સિદ્ધાંર્ત સર્કલ ઓફ ચાઇલ્ડ કેરને થશે, જેઓ કેકનું વેચાણ કરીને ભંડોળ ઊભું કરશે, જેનો ઉપયોગ 450 બાળકોનાં સ્વેટરની ખરીદી અને વિતરણ માટે થશે. આ ઉપરાંત 200 કિલોગ્રામ કેક મહેમાનોને આપવામાં આવશે, જેઓ અમદાવાદ અને વડોદરાની ધ સીક્રેટ કિચનમાં ભોજન માટે આવશે.

750 કિલોગ્રામ ક્રિસ્મસ પ્લમ કેક               

  • ડાઇમેન્શન – 56 ફૂટ લાંબી x 5 ફૂટ પહોળી; 750 કિલોગ્રામ વજન
  • ડ્રાયફ્રુટ : 250 કિલોગ્રામ (બદામ, કાજુ, કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ, ચેરી, અંજીર, ખજૂર)
  • જ્યુસ : ઓરેન્જ જ્યુસ 120 લિટર, એપલ જ્યુસ 120 લિટર
  • લોટ : 250 કિલોગ્રામ
  • બટર: 250 કિલોગ્રામ
  • આઇસિંગ સુગર: 60 કિલોગ્રામ
  • કેક બનાવવામાં લાગેલો સમય: 110 કલાક