ન્યુ ઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-20 સીરિઝ માટેની ટીમમાં ધોનીનું પુનરાગમન

મુંબઈ – ન્યુ ઝીલેન્ડમાં ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચોની સીરિઝ રમનાર ભારતીય ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ફરી સામેલ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ અને ન્યુ ઝીલેન્ડ સામેની પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ માટેની ટીમોની પણ જાહેરાત કરી છે.

ઘરઆંગણે વેસ્ટ ઈન્ડીઝ સામે અને ત્યારબાદ ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામે, એમ બંને સામેની ટ્વેન્ટી-20 મેચો માટેની ટીમમાંથી ધોનીને પડતો મૂકવામાં આવ્યો હતો એટલે આ ફોર્મેટની રમતમાં એના ભવિષ્ય વિશે વિવિધ પ્રકારની અટકળો થઈ હતી.

તે છતાં, પોતાના સુકાન હેઠળ ભારતને બે વર્લ્ડ કપ અપાવનાર ધોનીને આગામી ટ્વેન્ટી-20 ટીમમાં ફરી સામેલ કરવામાં આવ્યો છે. ન્યુ ઝીલેન્ડ સામેની 3-મેચોની સીરિઝનો આરંભ આવતા વર્ષની 6 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં થશે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 2019ની આઈસીસી વર્લ્ડ કપ રમાવાને આડે હવે માત્ર 13 મેચો બાકી છે ત્યારે પસંદગીકારોએ વન-ડે ઈન્ટરનેશનલ્સ માટે પણ અમુક અજમાયશો કરવાનું પસંદ કર્યું છે.

દરમિયાન, ટેસ્ટ ટીમનો નવો વિકેટકીપર રિષભ પંત ઓસ્ટ્રેલિયામાં ચાર-ટેસ્ટ મેચોની શ્રેણી પૂરી થઈ ગયા બાદ સ્વદેશ પાછો ફરશે. એને ઘરઆંગણે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ સામે પાંચ વન-ડે મેચોની સીરિઝ રમનાર ઈન્ડિયા-A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વન-ડે ઈન્ટરનેશનલ તથા ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, એમ બંને માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમાવાની છે. પહેલી મેચ 12 જાન્યુઆરીએ સિડનીમાં, બીજી 15 જાન્યુઆરીએ એડીલેડમાં અને ત્રીજી 18મીએ મેલબોર્નમાં રમાશે.

ભારતીય ટીમ ત્યારબાદ પડોશના ન્યુ ઝીલેન્ડમાં જશે અને ત્યાં પાંચ વન-ડે મેચોની સીરિઝ રમશે. આ મેચો જાન્યુઆરીની 23, 26, 28, 31 અને ફેબ્રુઆરીની 3જી તારીખે રમાશે. ત્યારબાદ ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમાશે – ફેબ્રુઆરી 6, 8 અને 10મીએ.

ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીઓ માટેની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચલહ, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ એહમદ અને મોહમ્મદ શમી.

ન્યુ ઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-20 શ્રેણી માટેની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ એહમદ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]