‘પેડ મેન‘ની પ્રેરણાઃ અમદાવાદમાં પેડ બનાવવાના યુનિટનું ઉદઘાટન

0
2679

અમદાવાદ– પેડ મેન ફિલ્મમાં રજૂ કરાયેલ દીકરીની વેદના અને તે અંગે જાગૃતિ આવે તે માટે અમદાવાદમાં પેડ બનાવવાના યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. સમાજની કેટલીક વાસ્તવિકતાઓનું સચોટ નિરુપણ કરતી ફિલ્મો આવે એટલે એ વિષય વધુ ચર્ચાસ્પદ બને સાથે લોકોમાં જાગૃતિ પણ આવે છે. ટિવંકલ ખન્નાની પ્રસ્તુતિ અને અક્ષયકુમારના અભિનયવાળી ફિલ્મ પેડમેન એક વાસ્તવિક સ્ટોરી સાથે આવી રહી છે. મહિલાઓના જીવનમાં બનતી કેટલીક વાતોને રજૂ કરતી આ ફિલ્મ આવે એ પહેલા જ અમદાવાદ શહેરમાં ઉત્કર્ષ સંસ્થા આ વિષય પર સુંદર કામ કરી રહી છે. દીકરી જ્યારે મોટી થતી જાય અને 9 થી 16 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેમનામાં થતા ફેરફરાે અંગેની જાગૃતિ, માસિક ધર્મ અંગે માહિતગાર કરતાં વર્કશોપ, સેનેટરી નેપકીનનો ઉપયોગ અને તેનો નિકાલ, વધતી ઉંમર સાથે મનમાં ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય નિષ્ણાત દ્વારા પરિસંવાદ, પોતાની સ્વચ્છતા, વિવિધ રોગો વિષયની જાણકારીના કાર્યક્રમો ઉત્કર્ષ સંસ્થા દ્વારા અંતરિયાળ ગામડાઓમાં કરવામાં આવે છે. બુધવારની વહેલી સવારે અમદાવાદના ગોતા વિસ્તારની શેઠ અમુલખ વિદ્યાલયના પ્રાંગણમાં પેડ મેન્યુફેક્ચરીંગ યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. મહિલાઓ માટેનું આ યુનિટ મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે. આ પ્રસંગે ઉત્કર્ષ સંસ્થાના રેખાબેન અધ્યારુ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પેડમેન ફિલ્મ આવે એ પહેલાં જ અમદાવાદમાં પેડ બનાવવાના યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય અંગેની જાણકારી અપાઇ હતી.તસવીર અને અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ